રાજકોટ : CCTV કેમેરાનો દુરૂપયોગ કરી લોકોને ગેરકાયદે દંડના વળતર અંગે યુવા લોયર્સે કોર્ટમાં જાહેરહિતનો દાવો કર્યો

0
0

રાજકોટ અને ગુજરાતના રાજમાર્ગો પર લગાડવામાં આવેલા સી.સી.ટી.વી. કેમેરાઓનો ઉપયોગ પોલીસ દ્વારા વાહનચાલકો અને પ્રજાજનોની વિરૂદ્ધ કરવામાં આવતો હોવાનો દાવો રાજકોટ કોર્ટમાં યુવા લોયર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે તેઓનો દાવો છે કે, હકીકતે સી.સી.ટી.વી કેમેરા નાખવાનો ઉદેશ લોકોના જાન-માલના રક્ષણ કરવા માટે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દબાણો અટકાવવા માટે હતો. પરંતુ આ સી.સી.ટી.વી. કેમેરાનો ઉપયોગ ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને હેરાન પરેશાન કરી અને ખૂબ જ મોટા સમાધાન શુલ્કના નામે મેમો આપીને ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા બંધારણીય અધીકારોનો ભંગ થાય તેવી અન્યાયી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાજકોટની અદાલતમાં ફોજદારી ફરિયાદ દાખલ
આ અંગે યુવા લોયર્સ એસો. દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. જે મુજબ રાજકોટના યુવા લોયર્સના કન્વીનર હેમાંશુ પારેખ તથા ક્ષત્રિય આગેવાન એડવોકેટ ગીરીરાજસિંહ જાડેજા દ્વારા પોતાને મળેલા અલગ અલગ ઈ-મેમો (ટ્રાફિક વાયોલેશન નોટિસ) રદ કરવા માટે રાજકોટની અદાલતમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં અદાલતે ફરિયાદ રજીસ્ટરે લઈ (1) કમીશનર ઓફ પોલીસ રાજકોટ (2) આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક) (3) કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરના જવાબદાર અધિકારીને નોટિસ પાઠવી અદાલતમાં જવાબ રજૂ કરવા માટે જણાવ્યું હતું. જેમાં એ.સી.પી. ટ્રાફિક દ્વારા અદાલતમાં હાજર થઈ સરકારી વકીલ મારફત જવાબ રજૂ કરવામાં આવ્યો છે અને જે અંગે આગળ કોર્ટ કાર્યવાહી માટે અદાલતમાં કેસ પેન્ડિંગ છે.

ટ્રાફિક નિયમન ભંગના ઓઠા હેઠળ ગેરકાયદેસર રીતે ઈ-મેમો મોકલાઇ છે
રાજકોટ પોલીસ દ્વારા માત્રને માત્ર રેવન્યૂ એકઠી કરવાના એકમાત્ર હેતુથી રાજકોટની જાહેર જનતાને જે રીતે ટ્રાફિક નિયમન ભંગના ઓઠા હેઠળ ગેરકાયદેસર રીતે ઈ-મેમો મોકલવામાં આવે છે તેને પડકારવાં રાજકોટના બે ધારાશાસ્ત્રી હેમાંશુ પારેખ તથા ગીરીરાજસિંહ જાડેજાએ રાજકોટના સિનિયર એડવોકેટ કે.ડી.શાહ તથા સંજય શાહ મારફત રાજકોટના સિનિયર સિવિલ જજની કોર્ટમાં આવા ઇ-મેમો, ઇ-ચલણ, નોટિસની પ્રક્રિયાને ગેરકાયદેસર ઠેરવવા માટે રિ-પ્રેઝન્ટેટિવ સ્યુટ દાખલ કરી છે.

પક્ષકાર તરીકે જોડવા માટે કે.ડી. શાહ દ્વારા અપીલ કરાઈ
આ અંગે દાવામાં રાજકોટ શહેરની જાહેર જનતાને વાદી પક્ષકાર તરીકે જોડવા માટે કે.ડી. શાહ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ દાવામાં યુવા લોયર્સ એસો.ના એડવોકેટો દ્વારા ઈ-મેમો, ઈ-ચલણની પ્રક્રિયા ગેરકાયદેસર ઠેરવવા કરાયેલા દાવાની વિગતો ધ્યાને લઈ અદાલત દ્વારા દાવાના પ્રતિવાદીઓ, પોલીસ કમિશનર રાજકોટ, આસી. પો. કમિ. (ટ્રાફિક) મ્યુ, પોલીસ કમિશનર, રાજકોટ વગેરેને દાવાનો જવાબ આપવા અદાલતમાં હાજર થવા સમન્સ/નોટિસ ઈસ્યુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here