યુએસ ઈન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડ દિલ્હી મુલાકાતે છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગબાર્ડ સાથે મુલાકાત કરી પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ની ભારત વિરોધી ગતિવિધિઓનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આતંકવાદી સંગઠન સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.
રાયસીના ડાયલોગમાં ભાગ લેવા આવેલા તુલસી ગબાર્ડ સમક્ષ રક્ષા મંત્રીએ ગુરપતવંતસિંહ પન્નુના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા SFJ પર ભારતની ચિંતા વ્યક્ત કરી હતી કે, ભારત સતત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ વિરૂદ્ધ મજબૂત ગ્લોબલ એક્શન લેવા દબાણ કરી રહ્યું છે. આ સંગઠન ભારતમાં પ્રતિબંધિત છે, પરંતુ વિદેશોમાં હજુ એક્ટિવ છે.
વધુમાં રાજનાથ સિંહે કહ્યું છે કે, ગબાર્ડનું આ પગલું ખાલિસ્તાની અલગાવવાદીઓનો મુકાબલો કરવા અને આતંકી ફંડિંગ અટકાવવામાં વૈશ્વિક સહયોગની શોધ કરતાં ભારત માટે લાભદાયી છે. રક્ષા મંત્રીએ SFJ ના પાકિસ્તાન સ્થિત આતંકી નેટવર્ક સાથે જોડાણ અંગે માહિતી ગબાર્ડને આપી હતી. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ગતવર્ષે નવેમ્બરમાં પન્નુની હત્યાના ષડયંત્રમાં ભારતીય સરકારી અધિકારીની સંડોવણી હોવાનો આરોપ મૂક્યો હતો. જો કે, ભારતે પન્નુની હત્યાના કથિત પ્રયાસમાં પોતાની કોઈપણ ભૂમિકા ન હોવાની સ્પષ્ટતા આપી હતી.
શીખ ફોર જસ્ટિસના નેતા પન્નુ પાસે અમેરિકા અને કેનેડા એમ બે દેશોની ડ્યુઅલ સિટિઝનશીપ છે. તે આતંકવાદના આરોપો હેઠળ ભારતમાં વોન્ટેડ અપરાધી છે. તેને આતંકવાદ વિરોધી કાયદા હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.
તુલસી ગબાર્ડે ટેરિફ મુદ્દે જણાવ્યુ હતું કે, આ નિર્ણયને સકારાત્મક રીતે જોવાની જરૂર છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે, વડાપ્રધાન મોદી ભારતની અર્થવ્યવસ્થા અને ભારતીયોના હિત માટે વિચારશે. પરંતુ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ અમેરિકા અને અમેરિકન્સના હિતમાં નિર્ણય લઈ રહ્યા છે. બંને દેશના નેતા આ મામલે સમાધાન કરવા તરફ આગળ વધી રહ્યા છે. ભારતના ત્રણ દિવસીય પ્રવાસ પર આવેલી ગબાર્ડે સોમવારે રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી ભારત-અમેરિકાના રાજકીય સંબંધોને ગાઢ બનાવવા, વિશેષ રૂપે રક્ષા અને સુચના આપવા મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરતાં ચર્ચા કરી હતી.