સુરક્ષા : ફ્રાન્સમાં નાળિયેર વધેરીને રાજનાથસિંહે રાફેલની ડિલીવરી લીધી, પરંપરાગત રીતે પૂજન કરી પ્લેન પર ઓમ લખ્યો

0
10

પેરિસ: મંગળવારે રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીમાં ભારતને પહેલું રાફેલ ફાઇટર પ્લેન ફ્રાન્સ દ્વારા સોંપવામાં આવ્યું છે. ફ્રાન્સના મેરિનેક એરબેઝ પર તેઓ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા જ્યાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ સમયે ભારતીય વાયુસેનાના અધિકારીઓ પણ રાજનાથસિંહ સાથે ઉપસ્થિત હતા. રાજનાથસિંહે કહ્યું હતું કે આ પ્લેનના ભારતમાં આવવાથી વાયુસેનાની શક્તિમાં વધારો થશે. રાજનાથસિંહે પરંપરાગત રીતે શસ્ત્રપૂજનવિધિ કરી હતી. પ્લેન પર ઓમ લખ્યું હતું અને નાળિયેર પણ વધેરવામાં આવ્યું હતું. પ્લેનના ટાયર નીચે લીંબૂ પણ મુકવામાં આવ્યા હતા. પેરિસ રવાના થતા પહેલાં રાજનાથ સિંહે સોમવારે કહ્યું હતું કે, આજે ભારતને રાફેલ મળવા બાબતે સમગ્ર દેશમાં ઉત્સાહ છે. હવે રાફેલ વિમાન ઓફિશિયલ રીતે ભારતીય વાયુસેનામાં સામેલ થઈ જશે. દરેક ભારતીય તેના સાક્ષી બનશે. રાજનાથ સિંહે આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેન્ક્રો સાથે પણ મુલાકાત પણ કરી હતી.

રાજનાથ સિંહ ત્રણ દિવસની મુલાકાતે ફ્રાન્સ પહોંચ્યા છે. તેમણે ટ્વિટર પર કહ્યું કે, ભારત ફ્રાન્સની સાથે સંબંધો મજબૂત કરવા ઉત્સુક છે. તાજેતરના વર્ષોમાં ભારત-ફ્રાન્સના દ્વીપક્ષીય સંબંધો મજબૂત થયા છે. બંને દેશો તરફથી સંબંધોને વધારે સારા કરવાનો પ્રયત્ન કરવાનો છે.

2016માં ડીલ થઈ હતી
રાફેલ લડાકુ વિમાન ડીલ ભારત અને ફ્રાન્સની સરકાર વચ્ચે સપ્ટેમ્બર 2016માં થઈ હતી. તે ડીલ પ્રમાણે વાયુસેનાને 36 અત્યાધૂનિક લડાકુ વિમાન મળશે. આ સોદો 7.8 કરોડ યૂરો (અંદાજે રૂ. 58,000 કરોડ)માં થયો છે. કોંગ્રેસનો દાવો છે કે, યુપી સરકાર દરમિયાન એક રાફેલ ફાઈટર જેટની કિંમત રૂ. 600 કરોડ નક્કી કરવામાં આવી હતી. મોદી સરકાર દરમિયાન એક રાફેલ અંદાજે રૂ. 1600 કરોડ મોંઘુ પડ્યું છે. ભારત તેમના પૂર્વી અને પશ્ચિમી મોર્ચે વાયુસેનાની ક્ષમતા વધારવા માટે રાફેલ લઈ રહ્યા છે. વાયુસેના રાફેલની એક-એક સ્ક્વોડ્રન હરિયાણાના અંબાલા અને પશ્ચિમ બંગાળના હશીમારા એરબેઝ પર તહેનાત કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here