રાજનાથ સિંહ આજે 7 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં 43 પુલનું ઉદ્ધાટન કરશે.

0
0

રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુરુવારે દેશનાં 7 રાજ્યના સરહદી વિસ્તારમાં બનાવાયેલા 43 પુલનું ઉદ્ધાટન કરશે. આ પુલ લદાખ, અરુણાચલપ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં બનાવાયા છે. સેનાના બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને આ પુલોને રણનીતિક રીતે મહત્ત્વની જગ્યાઓ પર તૈયાર કર્યા છે.

એની મદદથી સેનાની હથિયારબંધ ટુકડીઓ ઝડપથી સરહદ પર ફોરવર્ડ લોકેશન પર પહોંચી શકે છે. રક્ષામંત્રાલયના અધિકારીઓએ બુધવારે આ અંગેની માહિતી આપી હતી. ચીન સાથેના વિવાદને ધ્યાનમાં રાખતાં ભારત સરહદી વિસ્તારમાં ઘણા અન્ય મહત્ત્વના પ્રોજેક્ટ્સ પર પણ કામ કરી રહ્યો છે.

તમામ પુલોનું ઉદ્ધાટન ઓનલાઇન થશે
તમામ પુલોનું ઉદ્ધાટન ઓનલાઈન કરવામાં આવશે. આ પુલોને એવા સમયે ખોલવામાં આવી રહ્યા છે, જ્યારે ભારત અને ચીનની સેના લદાખમાં સામસામે છે. ખાસ વાત તો એ છે કે આમાંથી 7 પુલ લદાખમાં તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં 10, હિમાચલમાં બે, ઉત્તરાખંડ અને અરુણાચલમાં આઠ-આઠ અને સિક્કિમ અને પંજાબમાં ચાર-ચાર પુલ બનાવાયા છે.

રક્ષામંત્રી અરુણાચલમાં એક સુરંગનો પાયો પણ નાખશે
રક્ષામંત્રાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, રાજનાથ અરુણાચલ પ્રદેશના નેચિફુમાં એક સુરંગનો પાયો પણ રાખશે. આ સુરંગ તવાંગના એક મુખ્ય રસ્તા પર બનાવવામાં આવશે. હિમાચલ પ્રદેશના દારચાને લદાખ સાથે જોડવા માટે પણ રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. આ રસ્તો ઘણા ઊંચા બરફનાં શિખરો પાસેથી પસાર થશે, જે લગભગ 290 કિમી લાંબો હશે, જે તૈયાર થયા પછી કારગિલ સુધી સેનાની પહોંચ સરળ થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here