રાજપીપલા: ગુજરાતના નાણામંત્રી નિતિન પટેલે ચોમાસુ સત્રમાં 7મી વાર નાણાંકિય વર્ષ 2019-20 માટેનું બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં રાજ્યમાં 3 વોટર એરોડ્રામ બનાવવા માટે 5 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાં સરદાર સરોવર, શેત્રુંજ્ય ડેમ તેમજ સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે અરોડ્રામ બનાવવામાં આવશે. રાજ્યના નાણામંત્રી નિતીન પટેલે આજે જાહેર કરેલાં વર્ષ 2019-20ના બજેટમાં સરદાર સરોવર, શેત્રુંજય ડેમ, સાબરમતી રિવરફ્રન્ટ પર વિમાન ઉતરાણ શરૂ કરવા માટે રૂ.5 કરોડના ખર્ચે વોટર એરોડ્રામ બનાવવાની જાહેરાત કરી છે.
જ્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના એરિયલ વ્યૂ માટે ખાસ હેલિકોપ્ટર સેવા શરૂ કરવા માટે રૂ.1 કરોડની જોગવાઈ કરી છે. રાજ્યમાં સી-પ્લેન શરૂ કરવા 5 કરોડના ખર્ચે વોટર એરોડ્રામ બનાવવામાં આવશે. એવી બજેટમાં જોગવાઈ કરી છે ત્યારે કેવડિયા ખાતે સરદાર સરોવર નર્મદા બંધના તળાવ નંબર 3 માં સી પ્લેન ઉતરે અને વોટર એરોડ્રામ બને એ બાબતે મુખ્ય મંત્રી વિજય રૂપાણી, ડે.સીએમ. નીતિન પટેલ સહિત આધિકારીઓની હાજરીમાં સર્વે કરવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં મગરોને કારણે આયોજન પર બ્રેક લાગી હતી. દરમિયાનમાં આજે બજેટમાં સરકારે પુન: સરદાર સરોવર ખાતે એરોડ્રામ બનાવવાની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે રાજપીપલા એર ટ્રીપ ત્રણ બનવાની હતી. જે માટે સર્વે કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પણ તે માટે મંજૂરી આપી હતી. ઉપરાંત દિલ્હીની ટેક્નિકલ સ્ટાફે જરૂરી સર્વે કરી જગ્યાને મંજૂરી આપી પરંતુ આ બજેટમાં કોઈ જોગવાઈ કરાઇ ન હતી.