Wednesday, September 29, 2021
Homeરાજુલા : અકસ્માતમાં માસુમ પુત્ર સહિત માતા-પિતાનાં મૃત્યુ
Array

રાજુલા : અકસ્માતમાં માસુમ પુત્ર સહિત માતા-પિતાનાં મૃત્યુ

રાજુલાથી જાફરાબાદ વચ્ચેનો ખખડધજ હાઈવે આજે વધુ એક વખત જીવલેણ બન્યો હતો. જેમાં બાઈક પર પોતાનાં ચોત્રા ગામ તરફ જતાં દંપતી અને માસુમ પુત્રને પાછળથી પુરઝડપે આવેલા ટ્રક ચાલકે હડફેટે લઈને કચડી નાંખતા ત્રણેયનાં ઘટના સ્થળે જ કરૂણ મોત થવાથી અરેરાટી પ્રસરી ગઈ હતી.

વિગત એવી છે કે, રાજુલા તાલુકાનાં ચોત્રા ગામે રહેતા દેવીપુજક જગુભાઈ વિનુભાઈ વાઘેલા (ઉ.વ.૨૮) આજે તેમના પત્ની જયશ્રીબેન (ઉ.વ.૨૬) અને પુત્ર અલ્પેશ (ઉ.વ.૨)ને લઈને બાઈક પર રાજુલા તરફ કામ સબબ આવ્યા હતાં. અહીંથી બપોરે બે વાગ્યાનાં અરસામાં તેઓ પરત બાઈક પર પોતાનાં મોત્રા ગામે જવા માટે રવાના થયા હતાં.

આ દરમિયાન રાજુલાથી ચાર કિ.મી.નાં અંતરે ચારનાળા ચોકડી પાસેની કાંધલી કૃપા હોટલ પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક જ પાછળથી પુરઝડપે ધસી આવેલા ટ્રક ચાલકે બાઈકને ઠોકર મારી દીધી હતી. પરિણામે દંપતી અને માસુમ પુત્ર રસ્તા પર જ ફંગોળાઈને પડયા હતાં અને ધસમસતો ટ્રક તેઓની ઉપરથી ફરી વળતા ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ મોત નિપજયા હતાં.

ગંભીર અકસ્માત બાદ સેવાભાવી લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તથા ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બીજી તરફ મૃતક જગુભાઈનાં ખિસ્સામાંથી મળેલા કાગળનાં આધારે તેમની ઓળખ થતાં ચોત્રા ગામે પરિવારજનોને પણ જાણ કરતા તાબડતોબ દોડી આવ્યા હતાં અને શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અકસ્માત મામલે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધનીય છે કે, રાજુલાથી જાફરાબાદ વચ્ચેનો હાઈવે સાવ બિસ્માર બની ગયો હોવાથી અવાર નવાર નાના મોટા અકસ્માતો થઈ રહ્યાં છે. જેમાં આજે ત્રણ વ્યક્તિનો ભોગ લેવાતા રાહદારીઓમાં કચવાટ પ્રસર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments