અમદાવાદઃ ગુજરાતમાંથી રાજ્યસભાની બે બેઠકોની આજે પેટાચૂંટણીનું સવારે 9 વાગ્યે મતદાન શરૂ થયું હતું. જે 4 વાગ્યા સુધી ચાલ્યું હતું. જ્યારે પાંચ વાગ્યે મતગણતરી યોજાવાની હતી. પરંતુ કોંગ્રેસની વાંધા અરજીને કારણે મતગણતરીમાં વિલંબ થયો છે. કોંગ્રેસ અને ભાજપના તમામ ધારાસભ્યોએ મતદાન કર્યું લીધું છે. આ ચૂંટણીમાં ભાજપને પાંચ મતનો ફાયદો થશે, કારણ કે 1 NCP, 2 BTP અને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે ભાજપના ઉમેદવારોને મત મળ્યા છે.
કોંગ્રેસે વ્હીપ આપ્યું હોવા છતાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કરતા કોંગ્રેસે વાંધા અરજી કરી છે. જેને પગલે મતગણતરીમાં વિલંબ થયો છે. હવે ચૂંટણીપંચના નિર્દેશ બાદ જ મતગણતરી યોજવામાં આવશે.
મતદાન બાદ અલ્પેશ વિધાનસભાના ભાજપના દંડકને મળ્યો
કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું છે. જ્યારે ભરતજી ઠાકોર પણ ભાજપનાં સંપર્કમાં છે. તેઓ પણ ધારાસભ્યપદેથી રાજીનામું આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, આજે અલ્પેશ ઠાકોર મતદાન બાદ ભાજપનાં દંડક પંકજ દેસાઇને મળ્યા હતાં. જેનાથી રાજકારણ ગરમાયું હતું. જોકે આ મામલે જીતુ વાઘાણીને સવાલ પૂછતા તેમણે જણાવ્યું હતું કે દંડકના તો બધા સાથે સબંધ હોય છે. જો અલ્પેશ ઠાકોરને સસ્પેન્ડ કર્યાનો દાવો કોંગ્રેસ કરતી હોય તો તેમને જ પૂછો કે તેમણે વ્હીપ કેમ આપ્યું છે?
મતદાન પ્રક્રિયા શરૂ થતાં જ ભાજપના મંત્રીઓ જયેશ રાદડીયા, મખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આર.સી. ફળદુ સહિત તમામ ધારાસભ્યોએ મતદાન કર્યું છે. જ્યારે અલ્પેશ ઠાકોર, ભરતજી ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કર્યું હતું. તેમજ કોંગ્રેસમાંથી વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી,અમિત ચાવડા, પુનાજી ગામીત, નૌશાદ સોલંકી, ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા, હિંમતસિંહ પટેલ સહિત તમામ ધારાસભ્યોએ મતદાન કર્યું છે.
ભાજપની જીત નિશ્ચિત છતાં કોંગ્રેસે ઉમેદવારો ઉતાર્યા
ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો માટે ભાજપે પૂર્વ કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકર અને જુગલજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે પણ ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાને મેદાનમાં ઉતાર્યા છે. રાજ્યસભાની ચૂંટણી બે અલગ-અલગ બેલેટમાં થઈ રહી હોવાથી ધારાસભ્યનું સંખ્યાબળ જોતા બંને બેઠકો પર ભાજપનો વિજય નિશ્ચિત છે. જેમાં ભાજપને પોતાના સંખ્યા બળ કરતા 5 મત વધુ મળશે એટલે કે 105 મત મળશે.
વિધાનસભામાં કોની પાસે કેટલું સંખ્યાબળ
વિધાનસભામાં વર્તમાન સભ્યોની સંખ્યા 175 છે. ભાજપ પાસે 100 ધારાસભ્યો છે અને બન્ને બેઠકો માટે મતદાન અલગ-અલગ હોવાથી બન્ને ઉમેદવારોને સો-સો મત મળે અને વિજેતા બને. તેની સામે કોંગ્રેસના 71 ધારાસભ્યો છે અને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો મત કોંગ્રેસના ઉમેદવારોને મળી શકે છે.
જીતવા માટે કેટલા મત જરૂરી
હાલ ધારાસભ્યોની કુલ 175ની સંખ્યા છે અને બન્ને ખાલી બેઠકોને અલગ-અલગ ગણવાની હોવાથી રાજ્યસભામાં જીતવા માટે જરૂરી મતની ફોર્મ્યુલા (કુલ ધારાસભ્યો(175)/ખાલી બેઠકની સંખ્યા(1)+1) +1= (175/2)+1= 87.5+1= 88.5(89) મત જોઇએ.