રામ મંદિર ભૂમિ પૂજન: અતિથિઓને અપાશે ચાંદીના સિક્કાનો ખાસ પ્રસાદ, અયોધ્યાવાસીઓને અપાશે ‘રઘુપતિ લાડુ’

0
5

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર ભૂમિ પૂજનના કાર્યક્રમમાં હાજરી આપનારા અતિથિઓને ચાંદીનો સિક્કો પ્રસાદ તરીકે આપવામાં આવશે. તમામ આમંત્રિત અતિથિઓને મળનાર આ સિક્કો ખૂબ જ ખાસ પ્રસાદ હશે. સિક્કાની એક તરફ રામ દરબારની તસવીર હશે, જેમાં રામ, લક્ષ્‍મણ, સીતા અને હનુમાન હશે. સાથે જ બીજી તરફ રામ મંદિર ટ્રસ્ટનું સત્તાવાર ચિહ્ન હશે.

ચાંદીના સિક્કા ઉપરાંત કાર્યક્રમ માટે આવનારા અતિથિઓને રામ દરબારના ફોટો સાથે એક ડબ્બામાં લાડુ પણ આપવામાં આવશે. જાણકારી અનુસાર 5 ઓગસ્ટના ભવ્ય કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આશરે 1.25 લાખ લોકો માટે લાડુ બનાવડાવ્યા છે. તેને રઘુપતિ લાડુ કહેવામાં આવે છે. રઘુપતિ લાડુનાં વિતરણ કાર્યક્રમમાં ખાસ અતિથિઓ ઉપરાંત અન્ય જિલ્લાઓથી આવેલા શ્રદ્ધાળુઓ અને અયોધ્યાના લોકોમાં કરવામાં આવશે.

175 લોકોને આમંત્રિત કર્યા

જણાવી દઇએ કે ભૂમિપૂજનના આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંઘના વડા મોહન ભાગવત, સીએમ યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન સહિત અનેક મોટી હસ્તીઓ સામેલ થશે. કોરોના મહામારીને પગલે, ફક્ત 175 લોકોને આ કાર્યક્રમ માટે આમંત્રણ અપાયું છે. જેમાં દેશના વિવિધ ભાગોમાંથી 135 સંતોને આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. તમામ અતિથિઓને 4 ઓગસ્ટની સાંજે અયોધ્યા પહોંચવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો કારણ કે સુરક્ષાના કારણોસર જિલ્લાની સરહદ મંગળવારની સાંજથી સીલ કરી દેવામાં આવી છે.

મહત્વનું છે કે આમંત્રિત કરવામાં આવેલા મહેમાનોના કાર્ડ પર એક કોડ છે, જે સુરક્ષા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યો છે. જણાવી દઇએ કે કે ભૂતપૂર્વ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુરલી મનોહર જોશી અને યુપીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણ સિંહ ભૂમિપૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત નહી રહે.