અમદાવાદ : પોપ્યુલર બિલ્ડર્સના માલિક રમણ પટેલ, પત્ની, પુત્ર સામે માર મારવાની પુત્રવધુની પોલીસ ફરિયાદ

0
42

અમદાવાદ. સામાન્ય રીતે મહિલાઓ પર તેના સાસરિયાઓ દ્વારા અત્યાચાર કરવાના કિસ્સા સામે આવતા હોય છે. પરંતુ આજે શહેરમાં તેનાથી એક વિપરિત ઘટના સામે આવી છે. વસ્ત્રાપુરમાં પિતાની ઉશ્કેરણીના કારણે પરિણીતાને તેના પતિ, સાસુ, સસરા દ્વારા માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહિં, સાસરિયાઓએ પરિણીતાની માતાને પણ માર માર્યો હતો. આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મહિલાના સસરા એવા પોપ્યુલર ગ્રુપના જાણીતા બિલ્ડર રમણભાઈ પટેલ, પતિ મૌનાંગ પટેલ, સાસુ મયુરીકા પટેલ અને પિતા મુકેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોધવામાં આવી છે.

‘તું તારા પિયરમાંથી કંઈ લાવી નથી, તમે મા દીકરી લૂટેરીઓ છો’
વસ્ત્રાપુર પોલીસે સ્ટેશનમાં જાણીતા શહેરના બિલ્ડર રમણભાઈ પટેલની પુત્રવધૂ ફરિયાદ નોંધાવી હતી કે, તેના લગ્ન જીવનને 9 વર્ષ થયાં છે અને 8 વર્ષની એક દીકરી પણ છે અને તેઓ તેમના સાસુ સસરા સાથે રહે છે, ત્યારે ગત 1 ઓગસ્ટે દીકરીનો જન્મ દિવસ હોવાથી ઉજવણી કરવા માટે પરિવારજનો અને તેના માતા-પિતાને પણ બોલાવ્યા હતા.રાતે બધું પૂરું થયા બાદ મહિલા તેની માતા જાનકી બહેન સાથે બેઠી હતી ત્યારે તેના સાસુ મયુરીકા બહેન અને સસરા રમણભાઈ આવ્યા અને મહેણા મારવા લાગ્યા હતા કે તું તારા પિયરમાંથી કંઈ લાવી નથી. અમારો પૈસો જોઇને અમારા દીકરા સાથે લગ્ન કર્યા છે તમે બંને મા દીકરી લૂટેરીઓ છો.

પરિણીતાના પિતાએ કહ્યું-બન્ને મા દીકરીને મારો જેથી સીધા થઈ જાય
આ ઝઘડા દરમિયાન મહિલાના પિતા મુકેશભાઈ પટેલ પણ ત્યાં હાજર હતા. પરંતુ ફરિયાદી મહિલાના પિતાના તેની માતા સાથે 25 વર્ષ પહેલા જ છૂટાછેડા થઈ ગયા હતા. જેથી પિતાએ પણ મહિલાના સાસરિયાઓને ઉશ્કેરતા કહ્યું કે આ બંને મા દીકરીને મારો જેથી તેઓ સીધા થઈ જાય. તેમજ મા-દીકરીને ગાળો ભાંડવા લાગ્યા હતા. આ પ્રકારની ઉશ્કેરણી બાદ મહિલાના પતિ મૌનાંગે પણ મહિલાને ગાળો આપી હતી. જે બાદ તેનો સાથ આપતા સાસુ-સસરા મહિલાને તથા તેની માતાને જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા અને ઝઘડો કરવા લાગ્યા હતા, જેથી મહિલા તેની માતાને લઈને રાતના સાડા ત્રણ વાગ્યે ગેસ્ટ રૂમમાં જતી રહી હતી.

પતિએ પત્નીને ગાલ પર 6-7 તમાચા માર્યા અને નાક પર ફેંટો મારતા નીચે પટકાતા અર્ધબેભાન થઈ
જ્યાં થોડીવાર બાદ મહિલના પતિ મૌનાંગ પટેલ અને પિતા મુકેશભાઈ આવી પહોંચ્યા હતા અને મહિલાના માતાને તેનો પતિ બીભત્સ ગાળો આપવા લાગ્યો હતો. જેથી મહિલાએ રોકવા જતાં પતિએ મહિલાને ગાલ પર 6-7 તમાચા ચોડી દીધા હતા. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવેલી આપવીતી મુજબ, મારા પતિએ મારા નાક પર ફેંટો મારતા હું નીચે પટકાઈ અને માથાના ભાગે વાગ્યું હતું અને મોઢામાંથી લોહી વહેવા લાગ્યું હતું. તેમજ નીચેનો દાંત પણ તૂટી ગયો હતો. મારા પતિએ ગડદા પાટુનો માર માર્યો હોવાથી હું અર્ધબેભાન થઇ ગઇ હતી. આ દરમિયાન તેની માતા બચાવવા વચ્ચે પડવા જતાં માતાને પણ માર માર્યો હતો. જ્યારે પરિણીતાના પિતા દીકરીને બચાવવાને બદલે દીકરીના પતિને ઉશ્કેરતા હતા. ત્યાર બાદ પરિણીતાની માતાએ 100 નંબર ફોન કરી પોલીસને જાણ કરતા સાસરિયાઓએ ભેગા મળી પરિણીતા અને તેની દીકરીને ઘર બહાર કાઢી મુકી હતી.

સસરા દારૂ પીને આવતા ત્યારે ખરાબ ઇરાદાથી મહિલાનો હાથ પકડતા
આ બનાવ બાદ પતિ મૌનાંગ પટેલે ધમકી આપતા કહ્યું કે, પોલીસને જાણ કરીશ તો જાનથી મારી નાંખશી. જેથી મહિલા તેની દીકરી અને માતા સાથે તેની માતાના ઘરે જતી રહી હતી. ત્યાર બાદ ફરિયાદીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી, જ્યાં તેણીનું સિટી સ્કેન કરવામાં આવ્યું હતું ત્યારે જાણવા મળ્યું કે નાકના ભાગે ફ્રેક્ચર થયું છે. અગાઉ પણ સાસરિયાઓ દ્વારા આ રીતે માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. મહિલાના સસરા રમણભાઈ ભૂતકાળમાં દારૂ પીને આવતા ત્યારે ખરાબ ઇરાદાથી મહિલાનો હાથ પકડી લેતા હતા. જ્યારે મહિલા આ બાબતે પતિ અને સાસુને ફરિયાદ કરતી ત્યારે તેની સાથે મારઝૂડ કરવામાં આવતી હતી અને ધમકી આપવામાં આવતી હતી કે પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ જેથી મહિલાએ અત્યાર સુધી ફરિયાદ નહોતી કરી. પરંતુ આ બનાવ બનતા મહિલા મક્કમ મન કરીને ફરિયાદ કરવા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ફરિયાદ નોધાવી હતી.

દહેજની માંગ, શારીરિક અને માનસિક ત્રાસ જેવા કૃત્ય બદલ ગુનો દાખલ
વસ્ત્રાપુર પોલીસે પોપ્યુલર ગ્રુપના માલિક અને જાણીતા બિલ્ડર એવા રમણભાઈ પટેલ તેમની પત્ની મયુરીકા બહેન પટેલ ,પુત્ર મૌનાંગ પટેલ અને વેવાઈ મુકેશભાઈ પટેલ વિરુદ્ધ મારઝૂડ,શારીરિક માનસિક ત્રાસ આપવો, દહેજની માંગણી જેવા કૃત્ય બદલ ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here