રામમંદિર ભૂમિપૂજન LIVE : રામમંદિરના નિર્માણ માટે ભૂમિપૂજનનો કાર્યક્રમ શરૂ

0
4

અયોધ્યામાં આજે માહોલ ઉત્સવનો છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રામમંદિરનું ભૂમિપૂજન થઈ રહ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, સંઘના વડા મોહન ભાગવત અને રાજ્યપાલ આનંદીબહેન પટેલ સહિતના મહેમાન પૂજામાં બેઠાં છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામજન્મભૂમિ પહોંચ્યા બાદ રામલલાની મૂર્તિના દર્શન કરવા ગયા હતા.

વડા પ્રધાને દર્શન બાદ મંદિરના પરિસરમાં છોડ રોપ્યો હતો.

ગુજરાતમાં ગાંધીનગરમાં સ્થિત ભાજપ કાર્યાલય ખાતે રામમંદિરની રંગોળી તૈયાર કરવામાં આવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિરના નિર્માણના ભૂમિપૂજનમાં સામેલ થવા અયોધ્યા પહોંચી ગયા છે.

તેઓ ભારતીય વાયુસેનાના વિમાનમાંથી ઊતર્યા એ વખતે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું.

આ અગાઉ વડા પ્રધાને તેમના ટ્વિટર હૅન્ડલથી ટ્વીટ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર શૅર કરી હતી, જેમાં તેઓ ભારતીય વાયુસેનાના વિમાનમાં સવાર થતાં દેખાતા હતા.

તસવીરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પરંપરાગત પોશાકમાં દેખાય છે.


અયોધ્યામાં કેવો છે માહોલ?

હિંદુઓ માટે શુભ ગણાતાં પીળા રંગથી રસ્તા પરની દુકાનોને રંગવામાં આવી છે અને આખા અયોધ્યામાં લાઉડસ્પીકર પરથી જયશ્રી રામનો અવાજ સંભાળાય છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ બનેલું શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે.

જોકે, ટ્રસ્ટ ઉપરાંત રાજ્ય સરકાર અને અયોધ્યા પ્રશાસન પણ અનેક દિવસોથી કામગીરીમાં લાગેલા છે.

મંગળવારે સવારે હનુમાનગઢીમાં પૂજા સાથે કાર્યક્રમની શરૂઆત થઈ છે. અનેક મંદિરોમાં અખંડ રામાયણ પાઠ ચાલી રહ્યા છે તો સરયૂને કિનારે દીપોત્સવનો પણ બે દિવસનો કાર્યક્રમ છે. અયોધ્યામાં સુરક્ષાવ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.

આજે બપોરે 12.30 વાગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિરનું ભૂમિપૂજન કરવાના છે. વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીની આ પહેલી અયોધ્યા મુલાકાત છે.