અમદાવાદ : રામોલમાં યુવકની લુખ્ખાગીરી, ટ્રાફિક પોલીસને માર્યો, ટોળું વીડિયો ઉતારતું રહ્યું

0
39

અમદાવાદ: રામોલમાં રબારી કોલોની ચાર રસ્તા પાસે ટ્રાફિક નિયમન કરતા પોલીસ કર્મચારી સાથે બે શખસોએ દુર્વ્યવ્હાર કરી તેને માર માર્યો હતો. આટલું ઓછુંં હોય તેમ ટોળું ભેગું થતાં મારનાર શખસે ‘લોકોને વીડિયો ઉતારો’ તેમ કહેતા લોકો પણ પોલીસને મારવાની ઘટનામાં પરોક્ષ ભાગીદાર બન્યા હતા. 15 મિનિટ સુધી પોલીસને વચ્ચે ઘેરી લોકોનું ટોળું વીડિયો ઉતારતું રહ્યું હતું અને શખસો ગાળો બોલતાં બોલતાં પોલીસ કર્મચારીને મારી રહ્યા હતા. આ ઘટનામાં એક આરોપીની ધરપકડ કરાઈ છે જયારે બીજો વોન્ટેડ છે.

આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જિતેન્દ્રસિંહ માનસિંહ ઝાલા બુધવારે સાંજે સાડા છ વાગ્યાની આસપાસ રબારી કોલોની ચાર રસ્તા પાસે ફરજ બજાવતા હતા. દરમિયાન બે યુવક ત્યાં આવ્યા હતા અને આવતા જતાં વાહનોને લાતો મારતા હતા જેના કારણે ટ્રાફિક વ્યવસ્થાને અડચણ પેદા થતી હોવાથી જિતેન્દ્રસિંહે આ બંને ઈસમોને રોક્યા હતા. જેથી ઉશ્કેરાઈ જઈ તેમણે જિતેન્દ્રને માર માર્યો હતો. આ મારામારી જોઈ આસપાસના લોકો અને વાહનચાલકો રોકાઈ ગયા હતા.

ટોળું ભેગું થયેલું જોઈ એક યુવકે લોકોને પોલીસનો વીડિયો ઉતારો તેમ કહેતા લોકોએ પણ તેને સાથ આપ્યો હતો અને લોકો હોહા કરવા લાગતા આ યુવકે જિતેન્દ્રસિંહને મારવાનું શરૂ કર્યું હતું. સતત ગાળો બોલતો આ યુવક જિતેન્દ્રસિંહ જયારે પોલીસવાન બોલાવવા માટે ફોન કરતા હતા ત્યારે તેમને કહેતો હતો કે, હું તો છૂટી જઈશ પણ તને નહીં છોડું. પોલીસવાનની રાહ જોતા પોલીસ કોન્સ્ટેબલને આ યુવકે લાફા અને લાતો મારી રહ્યો હતો અને લોકો તેનો વીડિયો ઉતારી રહ્યા હતા, પરંતુ કોઈ વચ્ચે બચાવવા પડ્યુ્ં નહતું.

દરમિયાન પોલીસની વાન આવી પહોંચતા બેમાંથી એક યુવકને પકડી લેવાયો હતો જેનું નામ અતુલ જીવણભાઈ વાઘેલા (રહે.શીતલનગર, બળિયાનગરની બાજુમાં અમરાઈવાડી) હોવાનું જાણવા મળ્યું હતું. જયારે તેની સાથેનો મહિલો ઠાકોર ( રહે.ખોડિયાર માતાના મંદિર પાસે વસ્ત્રાલ ગામ) નાસી છૂટ્યો હતો. આ અંગે જિતેન્દ્રસિંહે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસની વાન પોલીસ કર્મીને બચાવવા મોડી પડી
પીસીઆર વાન કોઈપણ બનાવ બને તો તુરંત સ્થળ પર પહેલા પહોંચી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પરંતુુ આ ઘટનાનો વીડિયો જોતા એવું લાગે છે કે પોલીસ કર્મી સતત પીસીઆરને સ્થળ પર આવવા માટે કહે છે, પરંતુ વાન આવતી નથી અને આરોપી પોલીસવાન આવે ત્યાં સુધી પોલીસની પાછળ ફરી ફરીને તેને મારતો નજરે પડે છે.

યુવક માર મારી રહ્યો હતો અને લોકો તમાશો જોતા હતા
બે યુવક ટ્રાફિક પોલીસને માર મારી રહ્યા હતા ત્યારે સેંકડો માણસોનું ટોળું ભેગું થયું હતું. તેમ છતાં કોઈ વ્યક્તિ પોલીસ જવાનને બચાવવા વચ્ચે પડ્યું ન હતું. યુવક માર મારી રહ્યો હતો અને લોકો તમાશો જોઈ રહ્યા હતા. કોઈ ગાળો બોલી રહ્યું હતું તો કોઈ ‘મારો મારો’ની બૂમો પાડી રહ્યું હતું. કેટલાક લોકો ફોટો પાડવા અને વીડિયો ઉતારવામાં વ્યસ્ત હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here