રાજસ્થાન : રણકપુર જૈન મંદિર 176 દિવસ બાદ ખુલ્યું, યાત્રાળુઓ માટે ભોજનશાળા, ધર્મશાળા બંધ, પર્યટકોએ માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે

0
7

રણકપુર મંદિર ઇતિહાસમાં પહેલી વાર 176 દિવસ સુધી બંધ રહ્યા બાદ શુક્રવારે ખુલી ગયું. તેના શિલ્પ વૈભવ અને વાસ્તુકલા માટે પ્રસિદ્ધ રણકપુર મંદિરમાં ફરી દર્શન કરી શકાશે તથા શિલ્પકળા નિહાળી શકાશે. તે માટે પર્યટકો અને શ્રદ્ધાળુઓએ સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી રહેશે. તે અંતર્ગત પર્યટકો માસ્ક વિના કે હાથ સેનિટાઇઝ કર્યા વિના મંદિરમાં પ્રવેશ નહીં કરી શકે.

મંદિરની ભોજનશાળા અને ધર્મશાળા પર્યટકો માટે બંધ રહેશે. રણકપુર જૈન મંદિરનો વહીવટ સંભાળતી શ્રી આનંદજી કલ્યાણજી પેઢી તરફથી મંદિર પરિસર સેનિટાઇઝ કરાવાયું છે. મંદિરમાં શ્રદ્ધાળુઓ માટેના તમામ માર્ગનું બેરિકેડિંગ કરાયું છે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને મંદિરના મુખ્ય દ્વાર બહાર પર્યટકો માટે સફેદ બોક્સ બનાવાયા છે. મંદિરમાં આ રસ્તે જઇ શકાશે જ્યારે બહાર નીકળવા માટે બીજો રસ્તો હશે.

માર્ગદર્શિકા અનુસાર શુક્રવારે મંદિર ખુલ્યું

વ્યવસ્થાપક જસરાજ માલીએ કહ્યું કે, રણકપુર જૈન મંદિર સરકારી માર્ગદર્શિકા પ્રમાણે શુક્રવારે ખુલી ગયું. અહીં આવતા શ્રદ્ધાળુઓ તથા પર્યટકોને માર્ગદર્શિકાના પાલન સાથે જ મંદિરમાં પ્રવેશ અપાયો. ભોજનશાળા-ધર્મશાળા હજુ બંધ છે.

વર્ષમાં 7-8 લાખ પર્યટકો આવે છે

વિશ્વવિખ્યાત રણકપુર જૈન મંદિરની પર્યટન ક્ષેત્રે અલગ જ ઓળખ છે. અહીં વર્ષમાં દેશ-વિદેશના કુલ 7-8 લાખ પર્યટકો આવે છે. 1 જાન્યુઆરી, 2020થી 21 માર્ચ, 2020 સુધીમાં દેશના 83,419 અને વિદેશના 29,822 પર્યટક રણકપુર જૈન મંદિર નિહાળવા પહોંચ્યા. જોકે, કોરોના મહામારીના કારણે સરકારે મંદિરો લૉક કરવાનો આદેશ જારી કર્યા બાદ 22 માર્ચે મંદિરના ઇતિહાસમાં પહેલી વાર તાળું મારી દેવાયું. તેના કારણે છેલ્લા 6 મહિનાથી મંદિર શ્રદ્ધાળુઓ-પર્યટકો માટે બંધ હતું. તેના કારણે 6 મહિનામાં દેશ-વિદેશના 3 લાખથી વધુ પર્યટકો રણકપુર મંદિરમાં દર્શન ન કરી શક્યા.

સરકારી ગાઇડલાઇનનું પાલન કરવું જરૂરી હશે

મુખ્ય પૂજારી માનવ શર્માએ જણાવ્યું હતું કે, રણકપુર મંદિર શ્રદ્ધાળુઓ-પર્યટકો માટે શુક્રવારે ખુલી ગયું. 6 મહિના બાદ મંદિર પરિસરમાં ચહલ-પહલ જોવા મળી. મંદિરમાં પ્રવેશ માટે પર્યટકો-શ્રદ્ધાળુઓએ સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here