કોરોના વાયરસને લઇ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રંગોત્સવ કાર્યક્રમ રદ્દ કરાયો

0
9

ચીન સહિત વિશ્વના દેશોમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના કારણે હવે હોળીને રંગમાં ભંગ પડ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસથી લોકોને સુરક્ષિત રહેવા માટે માસ્ક પહેરવાની અને ભીડવાળી જગ્યાઓ નહીં જવા માટેની સુચના આપી છે. આ ઉપરાંત કેટલીક શાળાઓને તો બાળકોને વાલીઓને મેસેજ કરીને બાળકોની જન્મદિનની પાર્ટી પણ નહીં ઉજવવા માટે જણાવ્યું છે. ત્યારે હવે કોરોના વાયરસને લઇને ગુજરાતના કેટલાક ધાર્મિક સ્થળો પર યોજાનારા રંગોત્સવના કાર્યક્રમને પણ રદ્દ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર, વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દર વર્ષે રંગોત્સવનું આયોજન કરવામાં આવે છે. લાખો લોકો રંગોત્સવમાં ભાગ લેવા દૂર-દૂરથી આવે છે. રંગોત્સવમાં સાધુ-સંતો ભક્તો પર અબીલ, ગુલાલ અને પાણી છાંટીને તેમની સાથે હોળી રમે છે. પરંતુ કોરોના વાયરસના કારણે વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા આ વર્ષે યોજાનારા રંગોત્સવ કાર્યક્રમને રદ્દ કરવામાં આવ્યો છે. માત્ર રંગોત્સવ જ નહીં અજેન્દ્રપ્રસાદના ઘરે થતી ઉજવણી પણ રદ્દ કરવામાં આવી છે.

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં રંગોત્સવ રદ્દ કરવામાં આવ્યો છે, પરંતુ મંદિરમાં દર્શન રાબેતા મુજબ શરૂ રાખવામાં આવ્યા છે. હરી ભક્તો મંદિરમાં દર્શન કરવાની સાથે-સાથે ગુલાબની પાંખડીઓ સાથે રંગોત્સવની ઉજવણી કરી શકશે. આ દિવસે પૂનમના દર્શન, કથા અને ભગવાનની પાંચ આરતીનો લાભ હરી ભક્તોને મળશે.

ઉલ્લેખનીય છે કે, યાત્રાધામ ડાકોરમાં પણ દર વર્ષે યોજાતા ફાગણી પૂનમના મેળાને પણ કોરોના વાયરસના કારણે રદ્દ કરવામાં આવ્યો છે, પરંતુ પગપાળ આવતા હજારો ભક્તોને ઠાકોરજીના દર્શનનો લાભ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here