પાકિસ્તાન બાળકો માટે બન્યું નરક : અઢી વર્ષની બાળકી પર અપહરણ પછી રેપ અને ટોર્ચર કરીને હત્યા કરી

0
4

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં અઢી વર્ષની બાળકીનું અપહરણ કર્યા પછી તેની સાથે રેપ કરવામાં આવ્યો હતો. જેના પછી તેની હત્યા કરી દેવામાં આવી. બાળકીના શરીર પર મળેલા ઈજાના નિશાનો દર્શાવે છે કે તેને ખૂબ ટોર્ચર પણ કરવામાં આવી હતી. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જો કે, પોલીસ કમિશનરે આરોપીની ઓળખ જાહેર કરવાનો ઈનકાર કર્યો છે અને કહ્યું છે, ‘તેનાથી તપાસ પર અસર પડી શકે છે.’ આ વર્ષે જાન્યુઆરીથી જૂન દરમિયાન પાકિસ્તાનમાં સરેરાશ દરરોજ 8 બાળકો સાથે જાતિય હિંસાના કેસ સામે આવ્યા છે.

મેદાનમાંથી મળી આવી બાળકીની લાશ

પોલીસના અનુસાર, બાળકીનું ત્રણ દિવસ અગાઉ એટલે કે મંગળવારે અપહરણ કરાયું હતું. પ્રાથમિક તપાસ અનુસાર, બાળકી ઘરના આંગણામાં રમી રહી હતી. તેનું આરોપીએ ત્યાંથી જ અપહરણ કર્યુ હતું. બીજા દિવસે તેની લાશ ગામથી થોડે દૂર એક મેદાનમાંથી મળી આવી હતી. પોસ્ટમોર્ટમમાં રેપ અને ટોર્ચર થયાને સમર્થન મળ્યું છે. ખૈબર પખ્તૂનખ્વાના આઈજીપી સનાઉલ્લાહ અબ્બાસીએ કહ્યું હતું, ‘અમે એક આરોપીની ધરપકડ કરી છે. અત્યારે તેનાથી વિશેષ કંઈ કહી શકાય નહીં. કેમકે તેનાથી તપાસને અસર પડી શકે છે.’

પોલીસે માત્ર અપહરણનો જ કેસ દાખલ કર્યો

મીડિયાના અનુસાર, પોલીસ આ કેસ દબાવવા માગે છે. પ્રાથમિક તપાસમાં જે એફઆઈઆર નોંધાઈ, તેમાં માત્ર અપહરણની કલમ હતી. તેના પછી હત્યાની કલમ પણ ઉમેરાઈ છે. જો કે, ગુરૂવાર સુધી રેપની કલમ લગાવાઈ નહોતી. બાળકીના પિતાની ફરિયાદ પછી કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસના મતે હત્યા અગાઉ બાળકીને ખૂબ ટોર્ચર કરવામાં આવી હતી. તેના શરીર પર ઈજાના અનેક નિશાન મળી આવ્યા છે.

પોલીસે આને અંગત અદાવતનો મામલો માની રહી છે. જો કે, બાળકીના પિતાએ કહ્યું છે કે તેમને કોઈની સાથે દુશ્મની નથી. બાળકીના પિતાએ કહ્યું હતું, ‘આજે મારી પુત્રી સાથે હેવાનિયત થઈ છે. તેની હત્યા કરાઈ છે. કાલે અન્ય કોઈ બાળકી સાથે પણ આવું બની શકે છે. આરોપીને મૃત્યુદંડ મળવો જોઈએ.’

બીજી ઝૈનબ

2018માં પાકિસ્તાનમાં 8 વર્ષની ઝૈનબનું અપહરણ કરીને તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. તેના પછી તેની હત્યા કરાઈ હતી. આ ઘટનાએ પાકિસ્તાનમાં હોબાળો મચાવ્યો હતો. લોકો માર્ગો પર ઉતરી આવ્યા હતા. પોલીસ લગભગ એક મહિના પછી આરોપીની ધરપકડ કરી શકી હતી. ખાસ વાત એ છે કે તાજેતરની ઘટનામાં શિકાર બનેલી બાળકીનું નામ પણ ઝૈનબ જ છે.

ધ ડૉનના એક રિપોર્ટ અનુસાર, આ વર્ષના શરૂઆતના છ મહિનામાં એટલે કે જાન્યુઆરીથી જૂન દરમિયાન પાકિસ્તાનમાં દરરોજ 8 બાળકો જાતિય શોષણનો ભોગ બન્યા છે. કુલ 1489 કેસો નોંધાયા છે. 25 બાળકોની હત્યા કરાઈ છે અને તેમાં 13 બાળકીઓ અને 12 બાળકો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here