કડી, મહેસાણા : કડીના આદુંદરા પાસે નર્મદા કેનાલની કિનારીથી અંદરના ભાગે ઢાળ ઉપરથી શનિવારે સવારે 14 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી ફેંકી દીધેલી હાલતમાં લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. રેપ વિથ મર્ડરની આ ઘટનાને અકસ્માતમાં ખપાવવાના ઇરાદે લાશ કેનાલમાં ફેંકી હોવાના અનુમાન સાથે પોલીસે બાળકીની ઓળખના ચક્રો ગતિમાન કર્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ લાશને ફોરેન્સિક પીએમ માટે અમદાવાદ લઇ જવાઇ છે. દરમિયાન, કડી પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યા, દુષ્કર્મ, અપહરણ સહિતનો ગુનો નોંધ્યો છે.
ગામના સરપંચને રાહદારીએ જાણ કરી
કડી-જોટાણા રોડ પર આદુંદરાથી એક કિમી દૂર નગરાસણ તરફ જતી નર્મદાની કચ્છ તરફની મુખ્ય કેનાલની પાળ ઉપર શનિવારે સવારે 10-30 વાગે કપડામાં વીંટેલી હાલતમાં લાશ જોવા મળતાં રાહદારીએ આદુંદરાના સરપંચ સુરેશભાઇ પટેલને જાણ કરી હતી. જેમણે કડી પોલીસને જાણ કરતાં પીઆઈ જી.એસ. પટેલ, પીએસઆઈ એસ.આર. પટેલ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કેનાલના ઢાળ ઉપર ચત્તી પડેલી લાશનું પંચનામુ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉચ્ચ અધિકારી દોડી ગયા
દરમિયાન, રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા, ઇ.એસપી મંજીતા વણઝારા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બાળકીની લાશને કડી સરકારી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. બાદમાં ફોરેન્સિક પીએમ કરાવવાનું નક્કી થતાં ઇ.એસપી મંજીતા વણઝારા બાળકીની લાશ લઇ અમદાવાદ સિવિલ ગયા હતા. બીજી તરફ ઘટનાનું પગેરું મેળવવા કડી પોલીસે એફએસએલ અને ડૉગ સ્કવૉડ સહિતની મદદથી તપાસ હાથ ધરી હતી. બાદમાં એલસીબી સહિતની એજન્સી કામે લાગી હતી.
દુપટ્ટાથી ગળામાં ગાંઠ મારી મોતને ઘાટ ઉતારાઇ
આ બાળકીને ગળે દુપટ્ટાથી ગાંઠ મારી મોતને ઘાટ ઉતારાઇ છે. ગળા અને છાતીના ભાગે લાલ અને કાળા ચકામા પડી ગયેલાં છે. તો માથાના ભાગે, કપાળ, હોઠ, ગાલ અને પીઠના ભાગે પણ ઇજાના નિશાન જણાય છે. બાળકીના ગુપ્તભાગે લોહીના નિશાન મળી આવ્યા છે.
હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ
આ ઘટના અંગે કડી પોલીસ મથકમાં પીએસઆઇ એસ.એન. સોનારાએ સરકાર તરફે ફરિયાદ નોંધાવી હતી. જેમાં 14 વર્ષની અજાણી બાળકીનું અજાણ્યા શખ્સે કે શખ્સોએ કોઇપણ સ્થળેથી અપહરણ કરી, અવાવરુ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચરી, બાળકીના ગળા ઉપર દુપટ્ટાથી ગાંઠ મારી ટૂંપો આપી મોત નીપજાવી લાશને અકસ્માતમાં ખપાવવાના ઇરાદાથી આદુંદરાથી નગરાસણ તરફ જતી નર્મદા કેનાલની રોડ ઉપરની કિનારીથી અંદરના ભાગે ઢાળ ઉપર શનિવારે સવારે 10-30 વાગ્યા પહેલાંના કોઇપણ સમયે ફેંકી નાસી ગયાનું જણાવ્યું છે.
બાળકીની ઓળખ માટે પોલીસની દોડધામ
દુષ્કર્મ બાદ હત્યા કરી ફેંકી દેવાયેલી બાળકીના શરીર ઉપરથી કે તેણીએ પહેરેલાં કપડાં ઉપરથી ઓળખનાં કોઇ નિશાન મળી આવ્યા નથી. માત્ર બે ચંપલ મળી આવ્યા છે. આથી પોલીસે બાળકીની ફિંગર પ્રિન્ટ આધારે આધારકાર્ડ પરથી ઓળખની તજવીજ હાથ ધરી છે. બેબીકટ વાળ ધરાવતી આ બાળકી રંગે ઘઉંવર્ણી છે. હાલ મહેસાણા એલસીબી, એસઓજી, નંદાસણ, લાંઘણજ સહિતની પોલીસ ટીમો તપાસમાં જોતરાઇ છે.
CCTV,મોબાઇલના લોકેશન આધારે તપાસ
હત્યારાઓએ પકડાઇ જવાના ડરે રાત્રે કે વહેલી સવારે ચાલુ વાહને જ લાશ કેનાલના પાણીમાં નાખવા ફેંકી હોય, પરંતુ તે ઢાળ ઉપર અટકી ગઇ હતી. જોકે, કેનાલનો રોડ ડામરનો હોઇ ઘટના સ્થળે વાહનના કોઇ નિશાન દેખાયા નથી. આથી પોલીસે હત્યાનું પગેરું મેળવવા મોબાઇલના ટાવર લોકેશન તેમજ કડી-કટોસણ રોડ પરના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસના કામે મેળવવા તજવીજ હાથ ધરી છે.
Array
રેપ વિથ મર્ડર : કડીના આદુંદરા પાસે ગેંગરેપ કરી બાળકીની હત્યા, નર્મદા કેનાલમાં લાશ ફેંકી દેવાઇ
- Advertisement -
- Advertisment -