અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાના ભાગરૂપે ભગવાનના મોસાળ સરસપુરની 18 પોળોમાં રસોડાઓ ધમધમી રહ્યા છે. જેમાં 15 હજારથી વધુ ભાવિક ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે. બપોરના 12 વાગ્યા બાદ સરસપુરમાં સૌપ્રથમ ટ્રકો પહોંચી હતી. ત્યાર બાદ હાથી, અખાડા અને ભજન મંડળીઓ પણ એક બાદ એક પહોંચવા લાગી હતી. જ્યાં બપોરનો પ્રસાદ લેવા માટે શ્રદ્ધાળુઓએ લાઈનો લગાવી હતી. આ જમણવાર માટે 1500 કિલો મોહનથાળથી લઈ 1000 કિલો ફૂલવડી, બુંદી, પુરી અને બટાકાનું શાક બનાવવામાં આવ્યા છે.
સૌથી મહત્વની બાબત એ છે કે, વર્ષોથી ચાલી આવતા આ મહાપ્રસાદ અભિયાનમાં ક્યારેય ભોજન ખૂટ્યું નથી કે કોઈને ફૂડ પોઈઝનિંગ પણ થયું હોય એવો કિસ્સો જોવા મળ્યો નથી. પ્રસાદની આ તૈયારીઓના ભાગરૂપે સરસપુરની બહેનોએ જાતે પુરીઓ વણી હતી.
કઈ કઈ પોળમાં પ્રસાદ પીરસાયો
સૌથી મોટું રસોડું મોટી સાળવીવાડ ખાતે રખાયું છે. આ સિવાય વાસણશેરી, તળીયાની પોળ, પીપળાપોળ, ગાંધીની પોળ, લુહાર શેરી, આંબલીવાડ, કડીયાવાડ, ઠાકોરવાસ, નાની સાળવીવાડ, ખત્રીવાડ, કબીરવાડ અને ભાવસારના ખાંચો, પાંચાવાડ સહિતના વિસ્તારોમાં કુલ 15 હજારથી વધુ ભક્તો ભોજન પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે.