શહેરના નગરદેવતા ભગવાન જગન્નાથજી તા. ર જુલાઈ ને મંગળવારે બહેન સુભદ્રાજી અને ભાઇ બળભદ્રજી સાથે મામાના ઘરેથી નિજ મંદિર-જમાલપુર પધારશે. ભગવાન મોસાળમાં હોય તે દરમિયાન પખવાડિયા સુધી નિજ મંદિરમાં વિગ્રહના સ્થાને ભગવાનની તસવીર મુકાય છે.
આજે ભગવાનના મોસાળ સરસપુરમાં ઉત્સાહ-ઉમંગનો માહોલ છે અને મામેરાનો પ્રસંગ ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. આજે ભગવાનના તમામ શણગાર સાથેનું મામેરું ભક્તોને સાંજના ચાર વાગ્યા પછી જોવા મળશે. મામેરુ કરવા ઇચ્છતા ભક્તોનું વેઇટિંગ લિસ્ટ અત્યારે ૧૮ વર્ષનું છે.
હવે બે દિવસ પછી પુન: વિગ્રહ સ્થાપિત થશે ત્યારે આ નિમિત્તે મહામંડલેશ્વર મહંત દિલીપદાસજી મહારાજની નિશ્રામાં ‘નેત્રોત્સવવિધિ’ સંપન્ન થશે. ભગવાન પખવાડિયા બાદ નિજ મંદિરે આવતા હોઈ તેની ખુશાલીમાં સાધુ-સંતોનો ભંડારો પણ યોજાશે, જે પરંપરાગત રીતે ‘કાળી રોટી (માલપૂઆ) અને ધોળી દાળ (દૂધપાક)’નો બનશે.
ઉલ્લેખનીય છે કે નિજ મંદિરે ‘નેત્રોત્સવવિધિ’ની પૂર્વસંધ્યાએ ભક્તો મોટી સંખ્યામાં ઊમટી પડશે. ૧૪રમી રથયાત્રાનો પ્રારંભ તા.૪ જુલાઈ ને ગુરુવારે સવારના ૭ વાગ્યે નિજ મંદિરથી થશે. ભંડારાના દિવસે આ વખતે મોટી સંખ્યામાં સાધુ-સંતો આવશે. આ ઉપરાંત જગનાથજી મંદિરના ભંડારા તથા રથયાત્રામાં ભાગ લેવા માટે ૨,૫૦૦ જેટલા સાધુ-સંતો ગુજરાત-સૌરાષ્ટ્ર ઉપરાંત હરિદ્વાર, અયોધ્યા, વૃંદાવન, નાશિક, ઉજ્જૈન, જગન્નાથપુરી સહિતનાં સ્થાનોએથી પધારશે.