ભગવાન જગન્નાથજીની ૧૪રમી રથયાત્રા અષાઢી બીજ, ગુરુવાર ને તા.૪ જુલાઈએ ખૂબ ધામધૂમથી નીકળશે ત્યારે જગન્નાથજી મંદિર અને ભગવાનના મોસાળ સરસપુર મંદિર તરફથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સરસપુર એ ભગવાનના મામાનું ઘર કહેવાય છે.
પૌરાણિક પરંપરા અનુસાર જળયાત્રા બાદ ભગવાન મામાના ઘરે આવે છે. ભગવાનના મોસાળમાં આજથી જ નગરજનો અને સાધુ-સંતો માટે પ્રસાદનો ભંડારો શરૂ થઈ ગયો છે. ગુરુવારે રથયાત્રાના દિવસે સાંજ સુધી ૩૦ હજાર જેટલા ભક્તો પ્રસાદનો લાભ સરસપુરમાં લેશે. લાડુ-ફૂલવડી-ગાંઠિયાનો પ્રસાદ તૈયાર થઈ ચૂક્યો છે.
અંદાજે સાડા ચારસો વર્ષ અગાઉ રામાનંદી સંત હનુમાનદાસજીએ જમાલપુરના જગન્નાથજીના મંદિરમાં ગાદીની સ્થાપના કરી હતી. તેમના પછી ગાદી પર સારંગદાસજીએ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીની મૂર્તિઓ બનાવીને સ્થાપના કરી હતી. ત્યાર પછી આ મંદિર જગન્નાથજી મંદિર તરીકે પ્રસિદ્ધ થયું હતું. આ મંદિરના મહંતની ગાદી પર બાલમુકુંદદાસજી અને ત્યાર પછી નરસિંહદાસજી આવ્યા હતા.
નરસિંહદાસજી મહારાજને ભગવાન જગન્નાથજી સ્વપ્નમાં આવ્યા હતા અને ત્યાર પછી તેમણે અષાઢી બીજે રથયાત્રા શરૂ કરાવી હતી. અમદાવાદમાં ૧૩૭ વર્ષ પહેલાં સૌપ્રથમ રથયાત્રા નીકળી હતી. લોકવાયકા મુજબ ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભક્તોએ રથયાત્રાની જવાબદારી તેમના શિરે લીધી હતી. તેમણે નાળિયેરીમાંથી ત્રણ રથ તૈયાર કર્યા હતા અને તેમાં ભાઈ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને પ્રભુ જગન્નાથજીને પધરાવ્યા હતા. આ રથને ખલાસી ભાઈઓએ ખેંચીને યાત્રા કરાવી હતી ત્યારથી આજદિન સુધી રથ ખેંચવાનું કામ ખલાસ ભાઈઓ કરે છે.
સરસપુર ભગવાનનું મોસાળ કેવી રીતે બન્યું?
૧૩૭ વર્ષ પહેલાં શરૂ થયેલી રથયાત્રા ખૂબ જ નાના પાયે નીકળી હતી. નરસિંહદાસજી મહારાજે પહેલી રથયાત્રા વખતે ભગવાનને બળદગાડામાં બિરાજમાન કર્યા હતા. તે રથયાત્રામાં સાધુ-સંતો ભાગ લેતા હતા. સરસપુરમાં આવેલ રણછોડજી મંદિરમાં તમામ સાધુ-સંતોનું રસોડું રાખવામાં આવ્યું હતું ત્યારથી સરસપુર ભગવાન જગન્નાથજીનું મોસાળ ગણાય છે.
હવે રણછોડજી મંદિરમાં દર વર્ષે ભગવાનનું મોસાળું કરાય છે. આજની તારીખે ર૦ વર્ષ સુધીના મોસાળાનું બુકિંગ થઈ ગયું છે અને અત્યારે સરસપુરની તમામ પોળના રહીશો રથયાત્રામાં ભાગ લેનારા તમામ ભાવિક ભક્તોને પ્રેમથી જમાડે છે. લાખોની સંખ્યામાં આવેલા ભાવિક ભક્તોને પ્રેમથી પ્રસાદી આપીને પછી જ વિદાય કરાય છે. અહીંયાં ભગવાનના મોસાળા જેવું અદ્ભુત વાતાવરણ જોવા મળે છે.
ઉત્તરોત્તર રથયાત્રા મોટી થતી ગઈ છે. રથયાત્રાનાં દર્શન કરવા માટે અમદાવાદ શહેર ઉપરાંત ગુજરાતભરમાંથી ભક્તો આવે છે. નગરચર્યાએ નીકળેલા જગન્નાથજીનું ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરાય છે. રથયાત્રા સવારના ૭.૦૦ વાગ્યે નીકળી અમદાવાદના રર કિલોમીટર લાંબા માર્ગ પર ફરીને રાતના ૮.૩૦ વાગ્યે િનજ મંદિરે પરત ફરે છે. રથયાત્રા દરમિયાન પ્રસાદની છૂટા હાથે વહેંચણી કરાય છે.