ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાના કરિયરના 15 વર્ષ પૂર્ણ કર્યા છે. તેની એક મજબૂત ફેન ફોલોઈંગ છે જ્યારે તેની પત્ની રિવાબા જાડેજા પણ ખૂબ જ લોકપ્રિય વ્યક્તિત્વ છે, બંનેને પરફેક્ટ કપલ કહેવામાં આવે છે. લોકો રિવાબાને સંસ્કારી અને પરંપરાવાદી પણ કહે છે, પરંતુ આ દરમિયાન રવિન્દ્ર જાડેજાના પિતા અનિરૂદ્ધસિંહ જાડેજાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ક્રિકેટર અને તેમની પત્ની વિશે ચોંકાવનારી વાત કહી છે. જાડેજાના પિતાએ કહ્યું કે મારા પુત્રને ક્રિકેટર બનાવીને મેં ભૂલ કરી છે, મારા પુત્ર સાથે મારો કોઈ સંબંધ નથી. તેણે રિવાબા સાથે લગ્ન નહોતા કરવા જોઈતા. તેણે એક પિતા અને એક બહેનને તેમના પુત્ર અને ભાઈથી અલગ કર્યા છે. હું તેમને પાંચ વર્ષથી મળ્યો નથી.
પોતાનું દર્દ સંભળાવતી વખતે તે થોડા ભાવુક પણ થઈ ગયા. તેમણે કહ્યું, ‘મેં મારા દીકરા માટે શું ન કર્યું, ચોકીદારી કરી, તેની માતા ગયા પછી તેની બહેન અને મારી દીકરી નયનાબાએ રવિન્દ્ર જાડેજાને દીકરાની જેમ ઉછેર્યો પણ રિવાબાએ ઘરે આવતાં જ બધા સંબંધો બગાડી નાખ્યા.’
રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહે એક ઇન્ટરવ્યૂ દરમિયાન રવિન્દ્ર જાડેજા અને પુત્રવધૂ રીવાબા જાડેજા પર એવા આક્ષેપ લગાવ્યા હતાં કે મારે દીકરા કે પત્ની સાથે કોઇ સંબંધ નથી. તેઓ અમને બોલાવતા નથી અને અમે તેમને બોલાવતા નથી. અમારી વચ્ચે કોઇ સંબંધ નથી અને એમને 5 વર્ષથી તેની પૌત્રીનો ચહેરો પણ જોયો નથી. આ વિશે રવિન્દ્ર જાડેજાએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે વાહિયાત ઇન્ટરવ્યૂમાં જણાવેલી તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે. મારાં ધર્મપત્નીની છબી ખરડાવવાના જે પ્રયાસો કરવામાં આવેલ છે તે નિંદનીય તેમજ અશોભનીય છે. આ એકપક્ષે કહેવાયેલી વાત છે જેને હું નકારૂ છું. મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું પબ્લિકલી ના કહું ત્યાં સુધી જ સારું છે.
અનિરૂદ્ધસિંહ જાડેજાએ કહ્યું કે ‘આજે હું તેના વિના જીવતા શીખી ગયો છું, મને તેની જરૂર નથી, તેને માત્ર પૈસામાં જ રસ છે. મારી પાસે ખેતર, પેન્શન અને હોટેલ છે. તે મારૂ અને મારા પરિવારને ખવડાવવા માટે પૂરતું છે, રવિન્દ્ર જાડેજા અમને બોલાવતા નથી, અમે તેમને બોલાવતા નથી, હવે મને લાગે છે કે મારે પુત્ર નથી.
તમને જણાવી દઈએ કે રિવાબા જાડેજા ભાજપના ધારાસભ્ય છે જ્યારે તેમના નણંદ નયનબા કોંગ્રેસના નેતા છે. બંને વચ્ચે અવારનવાર કોઈને કોઈ મુદ્દે ચર્ચાઓ થતી રહી છે, પરંતુ બંને પક્ષે હંમેશા એવું કહ્યું છે કે ‘પક્ષની બાબતો પારિવારિક બાબતો કરતાં અલગ હોય છે’, પરંતુ આ પહેલીવાર બન્યું છે કે જ્યારે તેમના પિતાએ રિવાબા અને રવિન્દ્ર જાડેજા વિશે આ પ્રકારનું ચોંકાવનારું નિવેદન આપ્યું હોય.