રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ગુરૂવારે પર્યાપ્ત મૂડીના અભાવનું કારણ આપીને મહારાષ્ટ્ર સ્થિત લક્ષ્મી કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કરી દીધું છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, હાલ ખસ્તાહાલ નાણાકીય સ્થિતિ ધરાવતી લક્ષ્મી બેન્ક તેના હાલના ખાતેદારોને પૈસા પાછા આપી શકે તેવી સ્થિતિમાં નથી અને જો બેંકને ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે તો જાહેર હિતને પ્રતિકૂળ અસર થશે. આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રિઝર્વ બેંકે બેંકનું લાઇસન્સ રદ કર્યું કારણ કે ધિરાણકર્તા પાસે પૂરતી મૂડી અને કમાણીની સંભાવનાઓ નથી અને બેંકને ચાલુ રાખવી તેના થાપણદારોના હિતો માટે પ્રતિકૂળ છે.
કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે, “લિક્વિડેશન પર, દરેક થાપણદાર ડીઆઈસીજીસી એક્ટ, 1961 ની જોગવાઈઓને આધિન ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (ડીઆઇસીજીસી) પાસેથી રૂ. 5 લાખની નાણાકીય ટોચમર્યાદા સુધી તેની થાપણોની ડિપોઝિટ ઇન્સ્યોરન્સ ક્લેમની રકમ મેળવવા માટે હકદાર રહેશે. કમિશનર ફોર કોઓપરેશન એન્ડ રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ, મહારાષ્ટ્રને પણ કામગીરી સમેટી લેવા અને બેંક માટે લિક્વિડેટરની નિમણૂક કરવા માટેનો આદેશ જારી કરવા જણાવ્યું છે.