Tuesday, September 21, 2021
Homeરિયલ હીરો : કોરોનાકાળમાં બોલિવૂડના 20થી વધુ સેલેબ્સે લંબાવ્યો હાથ
Array

રિયલ હીરો : કોરોનાકાળમાં બોલિવૂડના 20થી વધુ સેલેબ્સે લંબાવ્યો હાથ

કોવિડ 19ની બીજી લહેર સુનામી બનીને ભારતને ઘમરોળી રહી છે. ભારતના મોટાભાગના રાજ્યો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. દર્દીની સંખ્યા વધતા બેડ્સ, ઓક્સિજન, દવાઓ, રેમડેસિવિર ઈન્જેક્શનની માગમાં વ્યાપકપણે ઊછાળો આવ્યો છે. સો.મીડિયામાં મદદની પોકાર કરવામાં આવી રહી છે. આ મુશ્કેલ સમયમાં દરેક લોકો પોતાનાથી શક્ય તેટલી મદદ કરી રહ્યાં છે. દર વખતની જેમ આ વખતે પણ બોલિવૂડ સ્ટાર્સ પોતાનાથી થાય તે રીતે મદદ કરતા હોય છે. કોરોનાકાળમાં પણ બોલિવૂડ સેલેબ્સ યથાશક્તિ મદદ કરી રહ્યાં છે.

સલમાન ખાન

ગયા વર્ષે સલમાન ખાને લૉકડાઉનમાં કોરોના વોરિયર્સ માટે ‘બીઈંગ હેન્ગ્રી’ નામની ફૂડ વાન ચલાવી હતી. આ સાથે જ અનેક મજૂરો, જુનિયર આર્ટિસ્ટને આર્થિક મદદ કરી હતી. ફરી એકવાર સલમાન ખાન મદદ માટે આગળ આવ્યો છે. સલમાને ફ્રન્ટ લાઈન વોરિયર્સ માટે ભોજનની વ્યવસ્થા કરી છે. છેલ્લાં એક અઠવાડિયાથી સલમાન રોજ પાંચ હજાર ફૂડ પેકેટ મુંબઈમાં કોવિડ વોરિયર્સને આપી રહ્યો છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર તથા ટ્વિંકલ ખન્નાએ લંડનથી ખાસ 220 ઓક્સિજન કોન્સ્ટ્રેટરની વ્યવસ્થા કરી હતી અને પછી ભારતમાં લાવીને ડોનેટ કર્યા હતા. આ પહેલાં ટ્વિકંલ ખન્નાએ કોવિડ 19 સામે ઝઝૂમતા પરિવારને ભોજન કરાવતી સંસ્થામાં દાન આપ્યું હતું. અક્ષય કુમારે પૂર્વ ક્રિકેટર તથા રાજનેતા ગૌતમ ગંભીરના ફાઉન્ડેશનમાં રૂપિયા એક કરોડનું દાન કર્યું હતું.

સોનુ સૂદ

ગયા વર્ષે કોરોનાકાળમા સોનુ સૂદે જે રીતે શ્રમિકો તથા જરૂરિયાતમંદ લોકોની મદદ કરી હતી તેને કારણે લોકો તેને મસિહા કહેવા લાગ્યા હતા. આ વર્ષે પણ સોનુ સતત મદદ કરી રહ્યો છે. સોનુ રાશનથી લઈ હોસ્પિટલમાં બેડ્સ, દવા, ઓક્સિજન વગેરે સપ્લાય કરી રહ્યો છે.

ગુરમીત ચૌધરી

વર્ષ 2008માં ટીવી સિરિયલ ‘રામાયણ’માં રામનું પાત્ર ભજવીને લોકપ્રિય થનાર ગુરુમીત ચૌધરીએ પટના, લખનઉમાં એક હજાર બેડની હોસ્પિટલ ખોલવાની જાહેરાત કરી છે.

પ્રિયંકા ચોપરા-નિક જોનસ

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલમાં લંડનમાં છે. તે ભારતની સ્થિતિ જોઈને ઘણી જ દુઃખી થઈ હતી. તેણે સો.મીડિયામાં ગિવઈન્ડિયા સાથે મળીને ફંડરાઈઝર શરૂ કર્યું હતું. આ ફંડરાઈઝરમાં બે દિવસમાં ત્રણ કરોડ રૂપિયા જમા થયા છે. પ્રિયંકાએ આ ફંડરાઈઝરમાં પતિ નિક સાથે કોન્ટ્રીબ્યૂટ પણ કર્યું છે. પ્રિયંકાએ વિશ્વભરના લોકોને મદદ કરવાની અપીલ કરી છે.

આયુષ્માન ખુરાના

બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના અને તેની પત્ની તાહિરા કશ્યપ પણ મદદ માટે આગળ આવ્યા હતા. તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રિલીફ ફંડમાં દાન આપ્યું હતું. તેમણે લોકોને પણ દાન કરવાની અપીલ કરી હતી. તાહિરા સો.મીડિયામાં કઈ હોસ્પિટલમાં કેટલા બેડ છે તે અંગેની માહિતી સતત આપતી હોય છે.

અજય દેવગન

અજય દેવગને પોતાના મિત્રો લવ રંજન, બોની કપૂર, આનંદ પંડિત, રજનીશ ખાનુજા, લીના યાદવ, અશીમ બજાજ સાથે મળીને NY ફાઉન્ડેશન શરૂ કર્યું છે. અજય દેવગને BMC સાથે મળીને મુંબઈના શિવાજી પાર્કમાં 20 બેડની હોસ્પિટલ તાત્કાલિક શરૂ કરી છે. આ હોસ્પિટલમાં વૅન્ટિલેટર, ઓક્સિજન સહિતની સુવિધા છે.

કિરણ ખેર

ભાજપ સાંસદ તથા બોલિવૂડ એક્ટ્રેસ કિરણ ખેરે એક કરોડ રૂપિયા વેન્ટિલેટર ખરીદવા માટે ફાળવ્યા છે. કિરણ ખેર ચંદીગઢના સાંસદ છે. કિરણ ખેર હાલમાં કેન્સરની સારવાર લઈ રહ્યાં છે.

સુનીલ શેટ્ટી​​​​​​​

સુનીલ શેટ્ટીએ કોરોનાની સેકન્ડ લહેરમાં ઓક્સિજનની અછત વર્તાતા ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી છે. તેણે ‘મિશન મિલિયન એર’ લૉન્ચ કર્યું છે. આ કેમ્પેઈન હેઠળ સુનીલ શેટ્ટી ઓક્સિજન પૂરો પાડે છે.

શિલ્પા શેટ્ટી​​​​​​​

શિલ્પા શેટ્ટીએ ‘રિપોર્ટ હંગરઃ ખાના ચાહિયે ફાઉન્ડેશન’ની શરૂઆત કરી છે. આ ફાઉન્ડેશન હેઠળ શિલ્પા શેટ્ટી જરૂરિયાતમંદ લોકોને ભોજન તથા કરિયાણું પૂરું પાડે છે.

ઉર્વશી રાઉતેલા​​​​​​​

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલાએ ઉત્તરાખંડમાં 27 ઓક્સિજન કન્સ્ટ્રેટર ડોનેટ કર્યા હતા. એક્ટ્રેસે લોકોને પણ મદદ માટે આગળ આવવાની વિનંતી કરી હતી. ઉર્વશીએ પોતાના નામથી એક ફાઉન્ડેશન શરૂ કર્યું છે. આ ફાઉન્ડેશન હેઠળ ઉર્વશી જરૂરિયાતમંદ લોકોને સતત મદદ પૂરી પાડશે.

વરુણ ધવન​​​​​​​

બોલિવૂડ એક્ટર વરુણ ધવને ગયા વર્ષે કોરોનાકાળમાં વિવિધ રીતે મદદ કરી હતી. કોરોનાની બીજી લહેરમાં દેશમાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. આ સમયે વરુણ ધવને ભારતની 14 હોસ્પિટલમાં ઓક્સિજન કોન્સ્ટ્રેટર મોકલાવ્યા છે.

અર્જુન કપૂર-અંશુલા​​​​​​​

અર્જુન કપૂરે પોતાની બહેન અંશુલાની મદદથી સેલિબ્રિટી ફંડરેઝિંગ પ્લેટફોર્મ ફેનકાઈન્ડમાં પોતાની બચત આપી હતી. આ પ્લેટફોર્મ પર અર્જુન-અંશુલાએ એક કરોડ રૂપિયા ભેગા કર્યા છે, જેમાંથી ત્રીસ હજાર લોકોને મદદ કરી છે. અર્જુનની બહેન અંશુલાએ ગયા વર્ષે આ ફંડરેઝિંગ વેન્ચર ફેનકાઈન્ડ શરૂ કર્યું હતું. આ પ્લેટફોર્મ હેઠળ ચાહકોને તેમના મનપસંદ સેલિબ્રિટી સાથે મુલાકાત કરાવવામાં આવે છે. આ દરમિયાન તેમની વચ્ચે વિવિધ ફન એક્ટિવિટી કરવામાં આવે છે. આ દરમિયાન જે કમાણી થાય છે, તે દાનમાં આપવામાં આવે છે. અર્જુન તથા અંશુલાએ હાઈજીન કિટ, કરિયાણું, ભોજન, પ્રવાસી મજૂરોને પૈસા વગેરે જેવી મદદ કરી હતી.

સોનુ નિગમ

​​​​​​​બોલિવૂડ સિંગર સોનુ નિગમે પોર્ટેબલ ઓક્સિજન કૅનિસ્ટર્સ દર્દીઓને આપવાનું નક્કી કર્યું છે. જ્યારે દર્દીઓને ઓક્સિજન કન્સ્ટ્રેટર્સ તથા હોસ્પિટલમાં બેડ્સ મળતા નથી, તેવા ગંભીર દર્દીઓને પોર્ટેબલ ઓક્સિજન કૅનિસ્ટર્સની મદદથી બચાવી શકાય છે. સોનુ નિગમે મુંબઈની તમામ એમ્બ્યૂલન્સમાં ઓક્સિજન કેનિસ્ટર્સ ઈન્સ્ટોલ કરવાની જાહેરાત કરી છે.

લતા મંગેશકર​​​​​​​

ભારત રત્ન લતા મંગેશકરે મહારાષ્ટ્ર મુખ્યમંત્રી વિશેષ રાહત ફંડનમાં સાત લાખ રૂપિયાનું દાન આપ્યું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મદદ માટે લતા મંગેશકરનો આભાર માન્યો છે. આ રાહત ફંડની રચના ખાસ કરીને કોવિડ 19 માટે કરવામાં આવી છે.

​​​​​​​આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ કોરોના સર્વાઈવર છે. હવે આલિયાએ પત્રકાર ફે ડિસોઝ સાથે મળીને લોકોની મદદ કરવાનો નિર્ણય કર્યો છે. આલિયાએ હેશટેગ સર્કલ ઓફ હોપ નામથી એક કેમ્પેઈન શરૂ કર્યું છે. આ કેમ્પેઈન લોકોને કોવિડ 19 અંગેની તમામ માહિતી પૂરી પાડી રહ્યું છે.

સુષ્મિતા સેન

સુષ્મિતા સેન પણ પોતાનાથી થાય તે રીતે મદદ કરવા માટે તૈયાર છે. તેણે હાલમાં જ સો.મીડિયામાં પોતાની પાસે ઓક્સિજન સિલિન્ડર હોવાની વાત કહી હતી. જોકે, તેને ખ્યાલ નહોતો કે તે મુંબઈથી દિલ્હી કેવી રીતે પહોંચાડે. તેણે ત્યારબાદ સો.મીડિયામાં માહિતી આપી હતી કે ચાહકોની મદદથી તેણે રાત્રે જ ઓક્સિજન સિલિન્ડર દિલ્હી મોકલ્યા હતા.

તાપસી પન્નુ

તાપસી આ સમયે ફ્રન્ટફૂટ પર આવીને લોકોની મદદ કરી રહી છે. હોસ્પિટલમાં બેડ્સ, ઓક્સિજન, પ્લાઝમા દરેક બાબતની જાણકારી તે સો.મીડિયામાં આપી રહી છે. મદદ માટે જેટલા પણ લોકો તાપસીને સો.મીડિયામાં ટૅગ કરે છે, તાપસી આ વાત શૅર કરીને તેમના સુધી મદદ પહોંચાડી રહી છે.

સોનમ કપૂર

પ્રિયંકા ચોપરાની જેમ જ સોનમ કપૂર પણ હાલમાં લંડનમાં છે. તેણે સો.મીડિયામાં અપીલ કરી છે કે મદદ માટે ચાહકો તેને ટૅગ કરે. તે તરત જ જરૂરિયાતમંદ સુધી મદદ પહોંચાડશે.

કુનાલ કપૂર-સિદ્ધાર્થ નારાયણ

‘રંગ દે બસંતી’ ફૅમ કુનાલ કપૂર તથા સિદ્ધાર્થ નારાયણ સો.મીડિયામાં સતત એક્ટિવ છે. તેઓ કોઈ પણ પ્રકારની મદદ માગતી પોસ્ટને પોતાના સો.મીડિયામાં શૅર કરે છે. તેઓ સતત હોસ્પિટલ, ઓક્સિજન, પ્લાઝમા, એમ્બ્યૂલન્સ અંગેના વેરિફાઈડ નંબર્સ પણ શૅર કરે છે.

જ્હોન અબ્રાહમ​​​​​​​

જ્હોને હાલમાં જ પોતાના સો.મીડિયા અકાઉન્ટ્સ NGOને આપ્યા છે. જ્હોને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘આજથી શરૂઆત કરીએ છીએ. હુ મારા તમામ સો.મીડિયા અકાઉન્ટ સ્વૈચ્છિક સંસ્થાને આપું છું. આની સાથે મેં દેશભરમાં પાર્ટનરશિપ કરી છે. હવેથી મારા અકાઉન્ટમાં જે પણ શૅર કરવામાં આવશે, તે પીડિતોને તેમની જરૂરિયાતનો સામાન પૂરો પાડી શકાય તે માટે હશે. આ સમય માનવતાનો છે. આ ક્રાઈસિસમાંથી બહાર આવવાનો ઉપાય શોધવાની જરૂર છે. આ જંગમાં સાથે લડવાનો તથા માણસનો જીવ બચાવવાની જરૂર છે. ઘરમાં રહો, સલામત રહો. પોતાના, પોતાના પરિવાર તથા દેશ માટે જવાબદાર નાગરિક બનો.’

ભૂમિ પેડનેકર​​​​​​​

ભૂમિ પેડનેકર કોરોના સર્વાઈવર છે. તે હાલમાં સો.મીડિયામાં વીડિયો તથા પોસ્ટ શૅર કરીને વિવિધ માહિતી આપે છે. તેણે પ્લાઝમા ડોનર શોધવાની શરૂઆત કરી છે. તે કોરોનાનો જંગ જીતેલા લોકોને પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ કરી રહી છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments