Tuesday, September 28, 2021
Homeરિયાલિટી : મેદાનમાં સારવારની વાત બણગો સાબિત થઇ
Array

રિયાલિટી : મેદાનમાં સારવારની વાત બણગો સાબિત થઇ

રાજકોટમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે, ખાનગી હોસ્પિટલમાં દર્દીને બેડ મળતો નથી અને સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં વાહનોમાં પંદર-પંદર કલાક સુધી રાહ જોવી પડે છે, દર્દીને દાખલ કરવાનો સમય આવે ત્યાં સુધીમાં દર્દીની હાલત વધુ ગંભીર થઇ જાય છે, હોસ્પિટલ તંત્રએ ચૌધરીના મેદાનમાં કતારમાં ઊભેલા દર્દીઓને મેદાનમાં જ દવા અને સારવાર આપવાનો નિર્ણય કર્યો હતો, હોસ્પિટલના સત્તાધીશોએ કરેલી જાહેરાત કેટલી સાચી છે, દર્દીઓને ખરેખર એમ્બ્યુલન્સ કે ખાનગી વાહનમાં દવા અને સારવાર મળે છે કે કેમ તે જાણવા બુધવારે બપોરે સ્થળ તપાસ કરી તો હોસ્પિટલના સત્તાધીશોની જાહેરાત બણગો હોવાનું સામે આવ્યું હતું.દર્દીના પરિવારજનોએ આક્રોશ સાથે કહ્યું હતું કે, કલાકોથી કતારમાં ઊભા છીએ પરંતુ હોસ્પિટલનો કોઇ સ્ટાફ તપાસવા આવ્યો નથી, ધોમધખતા તાપ વચ્ચે દર્દીની હાલત વધુ કફોડી બન્યાનો નિસાસો પણ પરિવારજનોએ નાખ્યો હતો.

પાંચ કલાકથી રિક્ષામાં સુવડાવ્યા છે કોઇ ભાવ પૂછતું નથી
રાજકોટમાં રહેતા હિતેષભાઇ સાયંજાએ કહ્યું હતું કે, તેમના પિતા રવજીભાઇ મોહનભાઇ સાયંજા (ઉ.વ.73)ની ઘરે જ સારવાર ચાલુ હતી, બુધવારે સવારે તબિયત લથડી હતી અને ઓક્સિજન લેવલ 85 થઇ જતાં સિવિલમાં દાખલ કરવા માટે સવારે 9 વાગ્યે લઇ આવ્યો હતો, કલાકોથી ચૌધરીના મેદાનમાં પિતા રવજીભાઇને રિક્ષામાં બેસાડીને કતારમાં ઊભો છું, હોસ્પિટલનો કોઇ સ્ટાફ આવ્યો નથી.

પંદર કલાક થઇ, સાંજે કોઇ આવ્યું હતું પરંતુ વૃદ્ધાને દવા આપી નથી
જસદણના હેમીબેન નામના 75 વર્ષના વૃદ્ધાના પરિવારજનોએ જણાવ્યું હતું કે, મંગળવારે સાંજે 7 વાગ્યાથી કતારમાં ઊભા છીએ, સાંજે કોઇ નર્સિંગ સ્ટાફ આવ્યો હતો પરંતુ કોઇ દવા આપી નથી. બુધવારના બપોરના 2 વાગ્યે વૃદ્ધા હોસ્પિટલના ટ્રાયેઝ એરિયામાં પહોંચ્યા હતા, પરિવારજનોએ કહ્યું હતું કે, ધોમધખતા તાપ વચ્ચે છાંયડાની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી.

તબીબ સહિતના સ્ટાફને જવાબદારી સોંપવામાં આવી છે, સિવિલ સર્જન
સિવિલ સર્જન ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મેદાનમાં જ દર્દીને સારવાર અને દવા મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, એ માટે એક મોબાઇલ ટીમ બનાવવામાં આવી છે, જેમાં એક ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને ફાર્માસિસ્ટની ટીમ મેદાનમાં સતત ફરતી રહેશે, જો મોબાઇલ ટીમ સમયાંતરે દર્દીને તપાસતી નહીં હોય તો આ અંગે તપાસ કરીશ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments