ખેરગામ : શ્રી સ્વામીનારાયણ સંસ્કારધામ (અંગ્રેજી માધ્યમ) સ્કૂલને શિક્ષણ વિભાગની કારણદર્શક નોટિસ

0
51

ખેરગામમાં આવેલી શ્રી નારાયણ દેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામીનારાયણ સંસ્કારધામ (અંગ્રેજી માધ્યમ) સ્કૂલની જુન-2016ની નવી માધ્યમિક શાળાની પરવાનગી રદ કેમ નહીં કરવી એ બાબતે ગાંધીનગરના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે સંસ્થાને કારણદર્શક નોટિસ બજવી હતી. 73 એએની જમીનમાં એનએ પ્રક્રિયા અને ઓડિટ સહિતના મુદ્દે આ નોટિસ બજવવામાં આવી હતી. જો કે, આજ સુધી આ પ્રશ્નોનો ઉત્તર પાઠવવામાં આવ્યો નથી.

ખેરગામ : શ્રી સ્વામીનારાયણ સંસ્કારધામ (અંગ્રેજી માધ્યમ) સ્કૂલને શિક્ષણ વિભાગની કારણદર્શક નોટિસ

પેટા: શ્રી નારાયણ દેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંગ્રેજી શાળાના એનએ અને ઓડિટ સહિતના પ્રશ્નો બાબતે ખુલાસો કરવાનો રહેશે

ખેરગામ : શ્રીનારાયણ દેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીસ્વામીનારાયણ સંસ્કારધામ (અંગ્રેજી માધ્યમ ) સ્કૂલ કોઈને કોઈ વિવાદમાં સપડાતી રહે છે. અગાઉ શાળાના આચાર્યને હંકારી કાઢવા બાબતે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. ટ્રસ્ટીઓએ ઓડિટ રિપોર્ટ રજૂ નહીં કરવા સહિતના મામલે આચાર્ય ઉપર દોષનો ટોપલો નાંખી દીધો હતો. જો કે, હવે શાળાના જ ટ્રસ્ટીઓની કામગીરી સામે વિવાદ ઊઠ્યો છે. જેમાં જુન-2016ની નવી માધ્યમિક શાળાની પરવાનગી રદ કેમ નહીં કરવી એ બાબતે ગાંધીનગરના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે 14 ફેબ્રુઆરીના રોજ પત્ર પાઠવી કારણદર્શક નોટિસ પાઠવી હતી. જેમાં જણાવાયું હતું કે, શિક્ષણ વિભાગના સંદર્ભ-3ના પત્રથી શ્રી સ્વામીનારાયણ સંસ્કારધામ (અંગ્રેજી માધ્યમ) સ્કૂલ શરૂ કરવા જુન-2016માં કામચલાઉ મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ નવસારી જિલ્લા શિક્ષણાધિકારીના પત્રમાં કેટલીક ગંભીર ક્ષતિ જોવા મળી હતી. આ શાળાના મકાનનું બાંધકામ છોટુભાઈ નરસિંહભાઈ પટેલની 73એએની જમીનમાં સરવે નં.1155માં થયું છે. જેમાં શાળાના ટ્રસ્ટીઓએ નવસારી જિલ્લા શિક્ષણાધિકારીને એનએની પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવ્યું હતું. પરંતુ એનએની કામગીરી કરાઈ ન હતી. હકીકત તો એ છે કે, 73 એએની જમીન ઉપર સંબંધિત સક્ષમ અધિકારીની પરવાનગી વિના વેચાણ થઈ શકે નહીં. બીજી તરફ શાળાના આચાર્ય અને કેટલાક શિક્ષકોનો પગાર પણ ટ્રસ્ટે કર્યો નથી. જેની અસર શૈક્ષણિક કાર્ય ઉપર થઈ છે.

જ્યારે નવસારી જિલ્લા શિક્ષણાધિકારીએ ત્રણ વર્ષનો સીએ ઓડિટ રિપોર્ટ માંગવા છતાં શ્રી નારાયણ દેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે રજૂ કર્યો નથી. જેને કારણે ગેરવહીવટની આશંકા સેવાઈ રહી છે. આ કારણોસર ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના અધિનિયમ-1972ની કલમ-17 (18) મુજબ નોંધણી રદ કેમ નહીં કરવી એ બાબતે ગાંધીનગરના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે દિન-7માં ખુલાસો કરવા જણાવાયું છે. જો ખુલાસો કરવામાં નહીં આવે તો કોઈ રજૂઆત તમારે કરવી નથી એમ માની કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે નવસારી જિલ્લા શિક્ષણાધિકારી અને શ્રી સ્વામીનારાયણ સંસ્કારધામ (અંગ્રેજી માધ્યમ)ના આચાર્યને નકલ રવાના કરવામાં આવી છે. ગત 14મી ફેબ્રુઆરી નોટિસ બજવવા છતાં હજુ ખુલાસો કરાયો નથી.

રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here