તમે ઘરે વેજી ફિંગર્સ ટ્રાય કરી શકો છો. તેને તમે અનેક પ્રકારના શાકભાજીની સાથે બનાવો અને ફ્રિજરમાં સ્ટોર કરીને રાખી દો. આ રીતે તમારી પાસે દર વખતે ખાવા માટે હેલ્ધી-ટેસ્ટી સ્નેક્સ હશે, જેને બાળકો પણ ખૂબ પસંદ કરશે.
ઘણીવાર તે સમજાતું નથી કે ચા સાથે કયો નાસ્તો મહેમાનોને પીરસવો. સામાન્ય રીતે બિસ્કિટ, મઠરી, સમોસા કે ભજીયા સર્વ કરવામાં આવે છે પરંતુ જો તમે કોઇ હેલ્ધી ઓપ્શન શોધી રહ્યાં છો તો ઘરે બનેલા વેજી ફિંગર્સ ટ્રાય કરી શકો છો. તેને તમે અનેક પ્રકારના શાકભાજીની સાથે બનાવો અને ફ્રિજરમાં સ્ટોર કરીને રાખી દો. આ રીતે તમારી પાસે દર વખતે ખાવા માટે હેલ્ધી-ટેસ્ટી સ્નેક્સ હશે, જેને બાળકો પણ ખૂબ પસંદ કરશે. તો ચાલો જાણીએ તમે ઘરે સરળતાથી ફ્રોઝન વેજી ફિંગર્સ કેવી રીતે બનાવી શકો છો.
સામગ્રી-
– 2 ચમચી તેલ
– ½ ડુંગળી (ઝીણી સમારેલી)
– 2 મરચા (બારીક સમારેલા)
– 1 ગાજર (સમારેલું)
– 3 ચમચી સ્વીટ કોર્ન
– 3 ચમચી વટાણા
– ½ કેપ્સીકમ (સમારેલું)
– 2 બટાકા (બાફેલા અને છૂંદેલા)
– ½ ટીસ્પૂન મરચું પાવડર
– ½ ટીસ્પૂન જીરું પાવડર
– ½ ટીસ્પૂન ગરમ મસાલો
– ½ ટીસ્પૂન કાળા મરી પાવડર
– ½ ટીસ્પૂન ચાટ મસાલો
– ½ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ
– ½ ટીસ્પૂન મિક્સ્ડ હર્બ્સ
– ½ ટીસ્પૂન મીઠું
– ¼ કપ બ્રેડક્રમ્સ
– ¾ કપ કોર્ન ફ્લોર
– ¼ કપ મેંદો
– ¼ ટીસ્પૂન કાળા મરીનો પાવડર
– ¼ ચમચી મીઠું
– ¾ કપ પાણી
– બ્રેડક્રમ્સ (કોટિંગ માટે)
– તેલ (તળવા માટે)
ફ્રોઝન વેજી ફિંગર્સ બનાવવાની રીત
સૌથી પહેલા એક પેલમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી અને મરચા નાખીને નરમ થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં ગાજર, સ્વીટ કોર્ન, વટાણા અને કેપ્સીકમ નાખો અને આ શાકભાજીને ફ્રાય કરો. મિશ્રણ ઠંડુ થવા દો. હવે તેમાં બાફેલા અને મેશ કરેલા બટાકા, લાલ મરચું પાવડર, જીરા પાવડર, ગરમ મસાલા, કાળા મરી પાવડર, ચાટ મસાલા, ચિલી ફ્લેક્સ, મિક્સ્ડ હર્બ્સ અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી લો.
હવે બ્રેડક્રમ્સ નાખીને એક નરમ લોટ તૈયાર કરી લો. હવે મિશ્રણ બનાવવા માટે એક બાઉલમાં ¾ કપ કોર્ન ફ્લોર, ¼ કપ મેંદો, ¼ ચમચી કાળા મરીનો પાવડર અને મીઠું ઉમેરો. તેમાં ¾ કપ પાણી ઉમેરીને સ્મૂધ બેટર તૈયાર કરો.
હવે વેજિટેબલ સ્ટફિંગને આંગળીનો આકાર આપો અને પહેલા કોર્ન ફ્લોરના બેટરમાં ડુબાડો અને પછી બ્રેડક્રમ્સથી કોટ કરો. જો તમે તેને ગરમાગરમ સર્વ કરવા માગતા હોય તો ડીપ ફ્રાય કરો નહીંતર ઝિપ લોક બેગમાં ભરીને ફ્રીઝરમાં સ્ટોર કરી લો. આ વેજી ફિંગર્સ 2 મહિના સુધી સ્ટોર કરી શકાય છે અને જ્યારે પણ મહેમાન આવે ત્યારે ફ્રીજમાંથી કાઢીને ગરમાગરમ સર્વ કરી શકાય છે.