12 કલાકમાં મુંબઈમાં રેકોર્ડ બ્રેક વરસાદ, રેડ એલર્ટ જાહેર, વડાપ્રધાન મોદીએ સીએમ ઉદ્ધવ સાથે કરી વાત

0
3

વરસાદને કારણે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની હાલત ખરાબ થઈ ગઈ છે. બુધવારે થયેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તમામ વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. કામ અર્થે નીકળેલા લોકો પણ પાણી ભરાવાના કારણે અટવાયા હતા. સ્થિતિ એવી છે કે માત્ર 12 કલાકમાં જ મુંબઇના કોલાબા વિસ્તારમાં છેલ્લા 46 વર્ષમાં નથી પડ્યો એટલો વરસાદ વરસી ગયો હતો. હવામાન વિભાગે ગુરુવારે પણ મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

હવામાન વિભાગ અને બીએમસીએ આગાહીને પગલે લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાનું ઘર ન છોડે. કારણ કે આખા શહેરમાં પરિસ્થિતિ ખરાબ છે. મુંબઇમાં ભારે વરસાદને કારણે ટ્રેનના પાટા પર પણ પાણી ભરાયા છે. જેના કારણે બે લોકલ ટ્રેનો પણ અટવાઈ ગઈ હતી. જે બાદ એનડીઆરએફ ટીમોએ આ ટ્રેનોમાંથી 290 લોકોને બચાવ્યા હતા.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈ-થાણે-પાલઘર જેવા વિસ્તારોમાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો છે. 12 કલાકમાં જ મુંબઈમાં ભારે પવન સાથે 215.8 મીમી વરસાદ થયો હતો. જેના કારણે અનેક જગ્યાએ વૃક્ષો, બોર્ડ તૂટી ગયા છે અને મકાનોને પણ નુકસાન થયું છે.

ભારે વરસાદના કારણે હાલ મુંબઈ પોલીસ, રેલ્વે પોલીસ, એનડીઆરએફ, બીએમસીની ઘણી ટીમો જુદા જુદા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. અલગ અલગ સ્થળે વાહન પલટી જવા, શોર્ટ સર્કિટ, વૃક્ષો ધરાશાયી થવા જેવી ઘટના પણ બની છે.

ભારે વરસાદને કારણે મુંબઇના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકોના ઘરોની અંદર પણ પાણી ઘુસી ગયું છે. અહીંના ચેમ્બુર, પરેલ, હિંદમાતા, વડાલા સહિતના અનેક વિસ્તારોમાં ટ્રેન સેવા અને અન્ય વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. કેટલાક સ્થળોએ વહીવટીતંત્રને લોકોને બચાવવા માટે બોટની મદદ લેવી પડી રહી છે.

વડાપ્રધાન સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે કરી વાત

ભારે વરસાદના પહેલા મુંબઈમાં રેડ એલર્ટ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી હતી અને રાજ્યની પરિસ્થિતિ જાણી હતી. વડાપ્રધાને મુખ્યમંત્રી ઠાકરેને કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદ કરવાની ખાતરી આપી હતી.