લોકસભાની ચૂંટણીને લઇને ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે પીએમ મોદી 14મેએ વારાણસીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના છે.. ત્યારે આજે તેઓ સાંજે 5 વાગે વારાણસીમાં રોડ શો કરશે. આ રોડ શો પાંચ કિમી લાંબો હોવાનુ મનાય છે. પીએમ મોદીનું ઢોલ, નગારા અને શંખનાદથી સ્વાગત કરવામાં આવશે. ત્યારે રોડ શોને લઇને કેવી છે તૈયારીઓ આવો જાણીએ.
પાંચ કિલોમીટર લાંબો રોડ શો બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)ના ગેટ ઈન્ટર સેક્શનથી શરૂ થશે, જ્યાં પીએમ મોદી BHUના સ્થાપક ‘મહામના’ પંડિત મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. રોડ શો કાશી વિશ્વનાથ ધામના ગેટ નંબર 4 પર સમાપ્ત થશે.પીએમ મોદીના રોડ શોને લઇને જિલ્લા પ્રશાસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ અવસરની ઉજવણી કરવા માટે ઉત્તર પ્રદેશના પડોશી જિલ્લાઓમાંથી ભાજપના કાર્યકરો આવવા લાગ્યા છે. રોડ શો બાદ પીએમ મોદી કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરશે. આ પછી તેઓ મંગળવારે સવારે 11.40 કલાકે ઉમેદવારી ફોર્મ ભરશે.
પીએમ મોદી આજે સાંજે 5:00 કલાકે રોડ શો કરશે અને વારાણસીમાં રાત્રિ રોકાણ કરશે. બીજા દિવસે મંગળવારે સવારે 10:15 વાગ્યે કાલ ભૈરવના દર્શન કરીને પૂજા કરીશે. આ પછી સવારે 10:45 વાગ્યે NDA નેતાઓ સાથે બેઠક કરીને ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે. 11:40 કલાકે PM મોદી ઉમેદવારી ફોર્મ દાખલ કરશે. આ પછી તેઓ 12:15 વાગ્યે પાર્ટી કાર્યકર્તાઓની બેઠકને સંબોધિત કરશે. ત્યારબાદ પીએમ ઝારખંડમાં ચૂંટણી પ્રચાર માટે રવાના થશે.
પીએમ મોદીના રોડ શોમાં માલવિયા સ્ટેચ્યુથી કાશી વિશ્વનાથ ધામ સુધી ‘મિની ઈન્ડિયા’ની ઝલક રજૂ કરવામાં આવશે. તમામ રાજ્યોના લોકો પરંપરાગત પોશાકમાં પીએમ મોદીનું સ્વાગત કરશે. ઉત્તર પ્રદેશના મંત્રી દયાશંકર મિશ્રાએ ઘણી સામાજિક સંસ્થાઓ અને સમાજના લોકોનો સક્રિય સંપર્ક કર્યો છે અને તેમને પીએમના રોડ શોમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે પીએમના નામાંકન પહેલા આયોજિત રોડ શોમાં કાશીના લોકો એક સાથે આવશે અને વિવિધતામાં એકતાનો સંદેશ આપતા પીએમનું ભવ્ય સ્વાગત કરશે. ત્યારે આ સાંસ્કૃતિ કાર્યક્રમને લઇને હાલ રિહર્સલ કરવામાં આવી રહ્યા છે.