‘મિર્ઝાપુર’ના રાઈટર્સ-ડિરેક્ટર્સને રાહત : અલ્હાબાદ હાઈકોર્ટે UP સરકાર પાસે જવાબ માગ્યો

0
8

વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ના રાઈટર પુનીત કૃષ્ણા (પહેલી સિઝન) તથા વિનીત કૃષ્ણા (બીજી સિઝન) તથા ડિરેક્ટર કરણ અંશુમાન, ગુરમીત સિંહને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી રાહત મળી છે. રિપોર્ટ પ્રમાણે, કોર્ટે તેમની ધરપકડ પર વચગાળાનો પ્રતિબંધ મૂક્યો છે. જસ્ટિસ પ્રીતિંકર દિવાકર તથા જસ્ટિસ દીપક વર્માની બેંચે ઉત્તર પ્રદેશ સરકાર તથા ફરિયાદકર્તાને નોટિસ આપીને જવાબ માગ્યો છે.

સાંસદ અનુપ્રિયાએ પણ સિરીઝ સામે સવાલો ઊભા કર્યાં હતાં
સાંસદ અનુપ્રિયાએ પણ સિરીઝ સામે સવાલો ઊભા કર્યાં હતાં

17 જાન્યુઆરીએ FIR થઈ હતી

17 જાન્યુઆરીના રોજ મિર્ઝાપુરના ચિલબિલિયાના રહેવાસી, અરવિંદ ચતુર્વેદીએ વેબ સિરીઝ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ‘મિર્ઝાપુર’એ તેમની ધાર્મિક, સામાજિક ભાવનાને ઠેસ પહોંચાડી છે. ચતુર્વેદીના મતે, સિરીઝને કારણે લોકોના સંબંધોમાં કડવાશ આવી ગઈ છે અને સિરીઝમાં ગાળો જ નહીં પરંતુ નાઝાયઝ સંબંધો અંગેનું કન્ટેન્ટ પણ બતાવવામાં આવ્યું છે.

ફરિયાદના આધારે કરણ અંશુમાન, ગુરમીત સિંહ, પુનીત કૃષ્ણા, વિનીત કૃષ્ણા વિરુદ્ધ દેહાત પોલીસ સ્ટેશનમાં 295-A, 504, 505, 34, 67A હેઠળ FIR કરવામાં આવી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર વિજય કુમાર ચૌરસિયાના નેજા હેઠળ ત્રણ સભ્યોની ટીમ તપાસ માટે મુંબઈ ગઈ હતી.

મેકર્સે હાઈકોર્ટને દરવાજો ખખડાવ્યો

FIRની વિરુદ્ધમાં ‘મિર્ઝાપુર’ના મેકર્સે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમની વેબ સિરીઝ કાલ્પનિક છે અને દરેક એપિસોડ પહેલાં ડિસ્ક્લેમરમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. કોર્ટમાં અપીલ કરી હતી કે તેમની વિરુદ્ધની FIRને રદબાતલ કરીને કેસની આગળની કાર્યવાહી અટકાવી દેવામાં આવે.

અન્ય એક અરજી પણ કરવામાં આવી હતી

‘મિર્ઝાપુર’ વિરુદ્ધ જાન્યુઆરીમાં અન્ય એક અરજી કરવામાં આવી હતી, જેમાં મિર્ઝાપુર (ઉત્તર પ્રદેશ)માં રહેતા એસ કે કુમારે આક્ષેપ મૂક્યો હતો કે વેબ સિરીઝમાં મિર્ઝાપુરની ઈમેજ ખોટી રીતે બતાવવામાં આવી છે. શહેરમાં આતંકી તથા ગેરકાયદેસર કામ થતું હોવાનું બતાવવામાં આવ્યું છે. કુમારે ડિજિટલ પ્લેટફોર્મના કન્ટેન્ટ પર સેન્સરશિપ મૂકવાની માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ એ બોબડેની અધ્યક્ષતામાં મળેલી ખંડપીઠે નોટિસ જાહેર કરીને મેકર્સ, એમેઝોન પ્રાઈમ વીડિયો તથા કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો.

સાંસદે પણ સવાલ કર્યો હતો

મિર્ઝાપુરની સાંસદ તથા અપના દળની નેતા અનુપ્રિયા પટેલે પણ વેબ સિરીઝ અંગે સવાલ ઊભા કર્યા હતા. તેમણે પણ સિરીઝ ઈમેજ ખરાબ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, તે સમયે સિરીઝના મેકર્સે આ સિરીઝ કાલ્પનિક હોવાની વાત કહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here