કરાચીમાં ધર્મગુરૂ મૌલાના આદિલ ખાનની હત્યા, ઈમરાને ભારત પર શિયા અને સુન્ની સમુદાયોમાં હિંસા કરાવવાનો આરોપ મૂક્યો

0
19

પાકિસ્તાનના કરાચી શહેરમાં શનિવારે જાણીતા ધર્મગુરૂ મૌલાના આદિલ ખાનની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. આ ઘટનામાં આદિલના ડ્રાઈવરનું પણ મોત થયું છે. વડાપ્રધાન ઈમરાન ખાને આદિલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો પણ તેના થોડા સમય પછી જારી કરેલા એક નિવેદનમાં તેમણે ભારત પર આરોપ મૂક્યો છે. ઈમરાને કહ્યું હતું, ‘મૌલાનાની હત્યા દ્વારા ભારત અમારા દેશમાં શિયા અને સુન્નીઓ વચ્ચે હિંસા ભડકાવવા માગે છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મોટા ધર્મગુરૂ હતા આદિલ

મૌલાના આદિલ ખાનને પાકિસ્તાનના સૌથી મોટા ધર્મગુરૂઓમાંના એક માનવામાં આવતા હતા. શનિવારે મૌલાના કરાચીના શાહ ફૈઝલ માર્કેટમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમનો ડ્રાઈવર કાર ચલાવી રહ્યો હતો. આ દરમિયાન બાઈક પર બે લોકો આવ્યા અને તેમણે મૌલાનાની કાર પર ગોળીબાર શરૂ કરી દીધા હતા. કારમાં મૌલાનાના સહયોગી ઉમૈર ખાન પણ હતા. તેઓ કોઈ રીતે બચી ગયા છે. આ વિસ્તારના સીસીટીવી દ્વારા કડીઓ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે. મૌલાના દરરોજ આ જ રસ્તે ઘરે જતા હતા. હુમલાખોરોને એ વાતની જાણકારી હતી. આ ઘટનાની તપાસ કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવી છે.

આદિલના પિતા સલીમઉલ્લાહ ખાન વકફ ઉલ મદરિસ અલ અરેબિયાના પ્રમુખ હતા. તેઓ જામિયા ફારૂખી સ્કૂલના પ્રિન્સિપાલ પણ રહી ચૂક્યા હતા. આદિલ અનેક સામાજિક સંગઠનો સાથે પણ સંકળાયેલા હતા.

ભારત પર આરોપ

પાકિસ્તાનના વડાપ્રધાને આદિલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ઈમરાને કહ્યું હતું, ‘ત્રણ મહિનાથી આ પ્રકારના ષડયંત્રો ચાલી રહ્યા છે. હું ટીવી પર પણ અનેકવાર આ મામલે વાત કરી ચૂક્યો છું. મેં કહ્યું હતું કે ભારત આપણા દેશમાં ધર્મગુરૂઓની હત્યા કરાવીને શિયા અને સુન્નીઓમાં તણાવ વધારવા માગે છે. આના દ્વારા તેઓ દેશમાં હિંસા ફેલાવવા માગે છે. પાકિસ્તાનને આ પ્રકારની હરકતોથી અસ્થિર કરવાની કોશિશ થઈ રહી છે. અમારી સુરક્ષા એજન્સીઓ આ ષડયંત્રોને ક્યારેય સફળ નહીં થવા દે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here