શ્રદ્ધાંજલિ : રિશી કપૂરને યાદ કરતાં સમયે અમિતાભ બચ્ચને આંસુઓ છૂપાવતા કહ્યું, તે ગંભીર સીનમાં પણ કોમેડી કરી નાખતો

0
14

મુંબઈ. અમિતાભ બચ્ચને પોતાનો કો-સ્ટાર તથા સ્વર્ગીય એક્ટર રિશી કપૂરને આઈ ફોર ઈન્ડિયા કોન્સર્ટમાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે રિશી કપૂરની ફિલ્મી જર્ની અંગે વાત કરી હતી. 77 વર્ષીય અમિતાભ બચ્ચનની આંખો ભીની થઈ ગઈ હતી અને તેમણે છેલ્લે એમ કહીને વાત પૂરી કરી હતી કે તે જ્યારે ગયો હશે ત્યારે તેના ચહેરા પર હળવું હાસ્ય તો હશે જ.

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો હતો. 

અમિતાભ બચ્ચને કહ્યું હતું કે તેમણે રિશી કપૂરને ચેમ્બુરમાં એક એનર્જીથી ભરપૂર, ખૂબ વાતો કરતો અને ચંચળ નવયુવાન તરીકે જોયો હતો. અનેક પ્રસંગોએ રાજ કપૂરે તેમને ઘરે બોલાવ્યાં હતાં. જોકે, તેઓ મોટાભાગે આર કે સ્ટૂડિયોમાં રિશીને જોતા હતાં. અહીંયા તે ‘બોબી’ની તૈયારી કરતો હતો. આર કે સ્ટૂડિયોના ફર્સ્ટ ફ્લોરના કોરીડોરને છેવાડે રાજ કપૂરનો મેકઅપ રૂમ હતો. રિશી કપૂર અહીંયા રિહર્સલ કરતો હતો. રિશી કપૂરની આત્મવિશ્વાસથી ભરપૂર ચાલ જોઈને તેમને એક્ટરના દાદા એટલે કે પૃથ્વીરાજ કપૂરની યાદ આવી જતી હતી.

વીડિયોમાં આગળ અમિતાભ બચ્ચને કહ્યું હતું કે રિશી કપૂરમાં ચાર્મિંગ તથા યંગ પર્સનાલિટી હતી અને તેની આંખોમાં મસ્તી હતી. તેની સાથે સાતેક જેટલી ફિલ્મમાં કામ કર્યું છે. ‘અમર અકબર એન્થની’, ‘કુલી’, ‘કભી કભી’ અને હાલની ‘102 નોટ આઉટ.’ રિશી જ્યારે પણ પોતાની લાઈન વાંચતો ત્યારે સામેની વ્યક્તિને તેના દરેક શબ્દો પર વિશ્વાસ થઈ જતો. તેના લહેકામાં એક સચ્ચાઈ હતી. એક વાસ્તવિકતા હતી. અન્ય કોઈ વ્યક્તિ તેની જેમ ડાયલોગ બોલી શકે નહીં. અન્ય કોઈ વ્યક્તિ તેની જેમ લિપ્સિંગ પણ કરી શકે નહીં.

બિગ બીએ કહ્યું હતું કે તેનો એટીટ્યૂડ હંમેશાં ચંચળ રહેતો હતો. જ્યારે તેઓ કોઈ ગંભીર સીન શૂટ કરતાં હોય ત્યારે પણ તે એવી કોમેડી કરે કે આખો માહોલ બદલાઈ જતો હતો. કોઈ ફોર્મલ ઈવેન્ટમાં તેને મળવાનું થાય તો પણ તે હ્યૂમરથી વાતાવરણને હળવું કરી નાખતો હતો. તેણે ક્યારેય પોતાની બીમારીને લઈ કેવી મુશ્કેલી પડી તેની વાત કરી નથી. તે બસ એમ જ કહેતો કે રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલ જાય છે, બસ થોડો સમયમાં આવી જશે. તેના પિતા રાજ કપૂરની જેમ જિંદાદિલી તેને વારસામાં મળી હતી. તે દરેક ક્ષણને ઉત્સાહથી જીવતો હતો. તે ક્યારેય રિશીને મળવા હોસ્પિટલ ગયા નથી. તે રિશીના ચહેરા પર હાસ્યને બદલે ક્યારેય ઉદાસી જોઈ શકે નહીં.

અમિતાભના આ વીડિયો પર ફિલ્મમેકર કુનાલ કોહલીએ પ્રતિક્રિયા આપી હતી કે અમિતાભ બચ્ચન પોતાના આંસુઓને રોકવાનો પ્રયાસ કરે છે. તેમના દરેક શબ્દમાં લાગણી છે. તમે હાલમાં તેમને કેટલા યાદ કરો છો, તે સ્પષ્ટ દેખાઈ આવે છે. લાગે છે કે જીવન જાતે જ પસાર થઈ રહ્યું છે.

30 એપ્રિલના રોજ નિધન થયું હતું

ઉલ્લેખનીય છે કે બે વર્ષ લ્યૂકેમિયાના કેન્સર સામે લડ્યાં બાદ રિશી કપૂરનું 30 એપ્રિલના રોજ સવારે 8.45 વાગે મુંબઈની એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. રિશીના નિધનના ન્યૂઝ અમિતાભ બચ્ચને જ ટ્વીટ કરીને આપ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here