મહિલાઓના હૃદયના ધબકારા સાંભળવામાં મુશ્કેલી થતી હતી તો રેનેએ બનાવ્યું સ્ટેથોસ્કોપ

0
6

તમે જ્યારે પણ કોઈ ડોક્ટર પાસે ચેકઅપ માટે જાઓ છો તો ડોક્ટર સૌથી પહેલા સ્ટેથોસ્કોપ દ્વારા તમારા હૃદયના ધબકારા સાંભળે છે પણ અગાઉ આવું થતું નહોતું. અગાઉ ડોક્ટર દર્દીની છાતી પર પોતાના કાન લગાવતા હતા અને તેમના હૃદયના ધબકારા સાંભળતા હતા. આ ચેકઅપ એ સમયે અસહજ થઈ જતું, જ્યારે કોઈ મહિલા દર્દી આવે. આ કારણથી ફ્રાન્સના રેને લેઈનેકે સ્ટેથોસ્કોપની શોધ કરી. રેને લેઈનેકનો જન્મ આજના જ દિવસે 1781માં પેરિસમાં થયો હતો.

રેને જ્યારે 5 વર્ષના હતા, ત્યારે તેમની માતાનું નિધન થયું હતું. તેમણે મેડિકલનો અભ્યાસ પોતાના અંકલની દેખરેખમાં કર્યો, પરંતુ પછી તેમના પિતાએ તેમને ડોક્ટરનો અભ્યાસ કરવાની મનાઈ કરી. 1799માં રેનેએ ફરી મેડિકલનો અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસ પૂરો થયા પછી રેને પેરિસની નેક્કર હોસ્પિટલમાં કામ કરવા લાગ્યા.

એક દિવસ બન્યું એવું કે રેને પાસે એક મહિલા સારવાર માટે પહોંચી. એ સમયે સ્ટેથોસ્કોપ નહોતા. આથી ડોક્ટર દર્દીની છાતી પર કાન લગાવીને તેમના ધબકારા સાંભળતા. રેનેને આ ઘણું અજીબ લાગ્યું. તેમણે કાગળને રોલ કર્યો અને પછી મહિલાના ધબકારા સાંભળ્યા. અહીંથી જ તેમને સ્ટેથોસ્કોપ બનાવવાનો આઈડિયા આવ્યો.

રેનેએ 1816માં સ્ટેથોસ્કોપની શોધ કરી. પ્રથમ સ્ટેથોસ્કોપ લાકડાનું હતું. તેને લાકડાનું બનાવવા અંગેનું એક કારણ એ પણ હતું કે રેને ડોક્ટર હોવાની સાથે સાથે મ્યુઝિશિયન પણ હતા. તેમને વાંસળી વગાડવાનો શોખ હતો. અને વાંસળીની જેમ જ તેમણે સ્ટેથોસ્કોપને ડિઝાઈન કર્યો.

1820ના દાયકામાં રેનેએ બનાવેલા સ્ટેથોસ્કોપનો ઉપયોગ ફ્રાંસ, જર્મની, ઈટાલી અને ઈંગ્લેન્ડમાં થવા લાગ્યો. જો કે, એ સમયે કેટલાક ડોક્ટરો એવા પણ હતા, જેઓ તેમની મજાક ઉડાવતા હતા. 1885માં એક ડોક્ટરે કહ્યું હતું કે જ્યારે આપણી પાસે સાંભળવા માટે કાન છે તો પછી સ્ટેથોસ્કોપનો ઉપયોગ શા માટે કરવો?

ડોક્ટરની ઓળખ ગણાતા સ્ટેથોસ્કોપની શોધ કરનાર રેને 45 વર્ષ જીવી શક્યા. 13 ઓગસ્ટ 1826ના રોજ તેમનું ટીબીથી મોત થયું. આજે જે સ્ટેથોસ્કોપ ડોક્ટર ઉપયોગમાં લે છે, તેને 1851માં આયર્લેન્ડના ડોક્ટર આર્થર લિયર્ડે બનાવ્યું હતું.

ભારત અને દુનિયામાં 17 ફેબ્રુઆરીની મહત્વપૂર્ણ ઘટનાઓ આ પ્રકારે છેઃ

2014ઃ સાઉદી અરેબિયાની સોમાયા જિબાર્તી દેશની પ્રથમ મહિલા મુખ્ય સંપાદક બની. તેમને ‘સાઉદી ગેજેટ’ અખબારના મુખ્ય સંપાદક બનાવાયા.

2009ઃ ચૂંટણી પંચે અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી એક્ઝિટ પોલ જારી કરવા અંગે પ્રતિબંધ લગાવી દીધો.

2005ઃ બાંગ્લાદેશના લેખિકા તસ્લીમા નસરીને ભારતની નાગરિકતા માગી.

2004ઃ ફૂલનદેવી હત્યાકાંડના મુખ્ય આરોપી શમશેર સિંહ રાણા તિહાડ જેલમાંથી ફરાર

1997ઃ નવાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા

1987ઃ બ્રિટનમાં શરણ લેવા પહોંચેલા શ્રીલંકાના કેટલાક તમિળોએ હીથ્રો એરપોર્ટ પર નિર્વસ્ત્ર થઈને દેખાવો કર્યા.

1979ઃચીનની સેનાએ વિયેતનામ પર હુમલો કર્યો.

1959ઃ દુનિયાના પ્રથમ વેધર સેટેલાઈટ વેનગાર્ડ-2ને અમેરિકાએ લોન્ચ કર્યો.

1882ઃ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 5 વિકેટથી જીતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here