અહેવાલ : કાશ્મીર જ નહીં, વ્યાપાર પર પણ વાત થાય તેના પર ભાર

0
5

થોડાં વર્ષો પહેલાં સુધી પાકિસ્તાનમાં જો કોઇ રાજકીય નેતા ભારત સાથે સંબંધો સુધારવાની વાત કરતા તો તેમને ગદ્દાર કે ભારત સરકાર અને મોદીના હિમાયતી સુદ્ધાં જાહેર કરી દેવાતા પણ હાલ સ્થિતિમાં ઘણું પરિવર્તન દેખાવા માંડ્યું છે.

સૌથી મોટી વાત એ છે કે ભારત સાથે સંબંધો સુધારવાની પહેલ પાક. સૈન્ય કરી રહ્યું છે. પાક.ના રાજકીય વર્તુળો, ટોચના અધિકારીઓ, મીડિયા અને બિઝનેસ કોમ્યુનિટીમાં ભારત સાથે બેક ડોર ડિપ્લોમસીની ચર્ચા તેજ છે.

પાક.માં એક મોટો વર્ગ એવું માને છે કે ભારત સાથે સંબંધો સુધરવાથી પાક.ને જ ફાયદો થશે. તેના સમર્થનમાં તેઓ ભારત-ચીન સંબંધોનું ઉદાહરણ પણ આપે છે, જેમાં ઘણીવાર તંગદિલી સર્જાવા છતાં વ્યાપાર ચાલી રહ્યો છે.

જોકે, ઇમરાન સરકાર ઔપચારિક ધોરણે કંઇ પણ સ્વીકારીને વિપક્ષને કોઇ તક આપવા નથી માગતી. અગાઉ યુએઇના એક રાજદ્વારી બંને દેશ વચ્ચે મધ્યસ્થીની વાત માની ચૂક્યા છે. ભારત-પાક.ના કેટલાક ટોચના ગુપ્તચર અધિકારીઓની આ વર્ષે જાન્યુ.માં દુબઇમાં ગુપ્ત મંત્રણા થઇ હતી પણ પાક.ના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશી કહે છે કે વાત કરવી હોય તો અમે તેને ગુપ્ત શું કામ રાખીએ? કાશ્મીરમાં કલમ 35-એ ફરી લાગુ ન થાય ત્યાં સુધી વાતચીતની કોઇ ગુંજાશ નથી.

અલબત્ત, થોડાં દિવસો અગાઉ પાક.ના વરિષ્ઠ પત્રકારો સાથે આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાની બેઠક એક જુદો દૃષ્ટિકોણ આપે છે. બાજવાએ પત્રકારો સાથે અગત્યના ઘણાં મુદ્દા અંગે ઓફ ધ રેકોર્ડ વાત કરી. બેઠકમાં વરિષ્ઠ પત્રકાર રઉફ ક્લાસરા પણ હાજર હતા. તેમણે લખ્યું કે આર્મી ચીફે પત્રકારો સાથે 7 કલાક વીતાવ્યા.

પાક. 70 વર્ષ જૂની એ નીતિ બદલી રહ્યું છે કે પહેલા કાશ્મીર અને પછી બીજા મુદ્દા અંગે ચર્ચા થશે. હવે પાક. કાશ્મીરની સાથોસાથ સિઆચેન, સર ક્રીક અને વ્યાપાર મુદ્દે ચર્ચા માટે પણ તૈયાર છે. એ સ્પષ્ટ છે કે ભારત સાથે સમસ્યાઓનો ઉકેલ રાજકીય બળોના હાથમાં નથી. તેથી સૈન્યને આગળ કરાયું છે, કેમ કે લોકો તેના પર ભરોસો કરે છે.

ક્લાસરા લખે છે કે, ‘પાક. કાશ્મીર પર દાવો કરશે પણ કાશ્મીરના આધારે ભારત સાથેના સંબંધોને જોખમમાં નહીં મૂકે. બદલામાં ભારત કલમ 35-એ ફરી બહાલ કરે. પાક. ભારતને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધીનો માર્ગ આપશે અને બદલામાં પરિવહન અને ભાડાં મુદ્દે ભારત સાથે મહત્ત્વપૂર્ણ કરાર કરશે. બંને દેશ વચ્ચે વ્યાપાર શરૂ થશે. ભારતથી મોટી સંખ્યામાં પર્યટકો હડપ્પા, મોહેંજોદરો, તક્ષશિલા અને કટાસરાજ મંદિર જેવા સ્થળોની મુલાકાત લેવા ઇચ્છે છે. તેનાથી કમાણી થશે.

સૈન્ય અધિકારીઓનું માનવું છે કે હવે આ પ્રશ્નો ઉકેલવાનો અને પાક.ને એક સામાન્ય દેશ બનાવવાનો સમય છે. જોકે, તે એટલું સરળ નથી. ભારત સાથે સંબંધો સુધારવાની તરફેણમાં એવું કહેવાઇ રહ્યું છે કે ભારતને પાક.થી મધ્ય એશિયા અને અફઘાનિસ્તાન સુધી વ્યાપાર કરવાનો રસ્તો મળી જાય તો આ એક મોટો ફેરફાર હશે. જેમ કે, ભારત-ચીન વચ્ચે યુદ્ધ છતાં અબજો ડોલરનો વ્યાપાર જારી છે.’

અમેરિકા ઇચ્છે છે કે ભારત ચીન પર ધ્યાન કેન્દ્રિત કરે
મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકા પણ બંને દેશ વચ્ચે સામાન્ય સંબંધો ઇચ્છે છે, કેમ કે તે ભારતને ચીનથી નબળું જોવા નથી માગતું. તેથી તે ઇચ્છે છે કે ભારત પાક. સાથે ઘર્ષણ રોકે અને ચીન કે ચીની નેતૃત્ત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે. આરબ દેશોની સલાહ પાક.ને અસર કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here