Monday, October 18, 2021
Homeસુરતમાં UKથી આવેલી યુવતીનો રિપોર્ટ સારવાર બાદ નેગેટિવ આવ્યો, શ્રમજીવીઓની હિજરત રોકવા...
Array

સુરતમાં UKથી આવેલી યુવતીનો રિપોર્ટ સારવાર બાદ નેગેટિવ આવ્યો, શ્રમજીવીઓની હિજરત રોકવા સમિતિની સ્કૂલોને રાહત કેમ્પમાં ફેરવી

  • બે દિવસમાં 9 શંકાસ્પદ દર્દી નોંધાયા, 6 વ્યક્તિનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે
  • પર્વત પાટિયાના પોઝિટિવ દર્દીના પુત્ર સહિત 3નો રિપોર્ટ નેગેટિવ આવ્યો
  • અત્યાર સુધીમાં કુલ 69 શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા, 57ના રિપોર્ટ નેગેટિવ
  • વધુ અવરજવરવાળી 1 હજાર જગ્યાઓ સહિત 8377 જગ્યાઓ સેનિટાઈઝ કરાઈ

સુરતઃ સુરત અને ગુજરાત માટે એક સારા સમાચાર આવ્યા છે. સુરતમાં UKથી આવેલી યુવતીનો કોરોનાનો રિપોર્ટ સારવાર બાદ નેગેટિવ આવ્યો છે. રિકવરી દેખાતા બીજો રિપોર્ટ 24 કલાક બાદ કરાશે. ત્યારબાદ યોગ્ય લાગશે તો રજા પણ આપી દેવાશે એવું પાલિકાના આરોગ્ય અધિકારી આશિષ નાયકે જણાવ્યું હતું. સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવી રહેલા કોરોના વાઇરસના બે દિવસમાં વધુ 9 શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. શંકાસ્પદ દર્દીઓમાંથી બે દિવસ પહેલાના બે અને ગત રોજના એક મળી કુલ 3નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે 6 વ્યક્તિનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. જ્યારે સુરતમાંથી શ્રમજીવીઓની હિજરત રોકવા સમિતિની સ્કૂલોને રાહત કેમ્પમાં ફેરવવામાં આવી રહી છે.

કુલ 8377 જગ્યાઓ સેનિટાઈઝ કરાઈ

આરોગ્ય અને ફાયર વિભાગની મદદથી જાહેર જગ્યાથી લઈને સોસાયટીઓને સેનિટાઈઝ કરવાની કામગીરી ચાલી રહી છે. જેમાં શાકમાર્કેટ 221, અન્ય 1445, જાહેર અવર જવર વાળી જગ્યા 1078 (સરકારી અને ખાનગી), રોડ 99, હોમકોરોન્ટાઈનના ઘર 4589 મળી કુલ 8377 જગ્યાઓ સેનેટાઈઝ કરવામાં આવી છે. ગત 20 માર્ચથી આ કામગીરી કરવામાં આવી રહી છે.

લક્ષણો શંકાસ્પદ જણાતા સેમ્પલ લેવાયા

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના વધુ 7 શંકાસ્પદ દર્દીઓ શનિવારે સામે આવ્યા છે. સામે આવેલા તમામ 7 શંકાસ્પદ કોઈ પણ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા ન હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલા, મોટા વરાછા વિસ્તારમાં રહેતી 80 ‌વર્ષીય વૃદ્ધા, પિપલોદ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય કિશોરી, કતારગામ વિસ્તારમાં રહેતી 70 વર્ષીય વૃદ્ધા, પિપલોદ વિસ્તારમાં રહેતી 50 વર્ષીય મહિલા, અડાજણ વિસ્તારમાં રહેતી 80 વર્ષીય મહિલા અને વેસુ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીને શંકાસ્પદ લક્ષણો જણાતા અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં તેમના લક્ષણો શંકાસ્પદ જણાતા તેઓના સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા.

57 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા

જોકે રાહતની વાત એ છે કે શુક્રવારના રોજ સામે આવેલા બે શંકાસ્પદો અને શનિવારના શંકાસ્પદો પૈકીની એક શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જેમાં પર્વત પાટિયા વિસ્તારના પોઝિટિવ દર્દીની સાથે કોલકાતાનો પ્રવાસ કરી આવેલા તેમના પુત્રનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેવી જ રીતે ડિંડોલીની વૃદ્ધાનો અને પાલનપુર જકાતનાકાની 40 વર્ષીય મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 69 શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. જેમાં શહેરમાં કુલ 6 અને જિલ્લામાં 1 દર્દી મળી કુલ 7 પોઝિટિવ દર્દી સામે આવ્યા છે. 1 દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે 57 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હાલ 6 વ્યક્તિના રિપોર્ટ પેંડિંગ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments