અમેરિકી ચૂંટણીમાં ગેરરીતિની પદ્ધતિઓ અંગે રિપોર્ટ : પોલિંગ બૂથ હટાવાઈ રહ્યાં છે, નકલી બેલેટ ડ્રોપ બોક્સ અને મતપત્રોથી ગેરરીતિ

0
5

કોરોનાને કારણે આ વખતે ચૂંટણી પહેલાં મતદાનના ટ્રેન્ડમાં ઉછાળો નોંધાયો છે. બુધવાર સુધીમાં 7 કરોડ લોકો મતદાન કરી ચૂક્યા હતા. આ આંકડા 2016માં થયેલા કુલ વોટના 50% છે. આ બધાની વચ્ચે ગેરરીતિના પ્રયાસો શરૂ થઈ ગયા છે. ટ્રમ્પે મંગળવારે પત્રકારો સમક્ષ ચૂંટણીપ્રક્રિયા સામે શંકા વ્યક્ત કરી હતી. મોટા ભાગના પોલમાં ટ્રમ્પના હરીફ જો બાઇડન લીડ મેળવી રહ્યા છે. 20 વર્ષમાં 2000 અને 2004માં રાષ્ટ્રપતિ ઉમેદવારો વચ્ચે નજીકનો મુકાબલો જોવા મળ્યો હતો. એવા મુકાબલામાં દરેક વોટ મહત્ત્વ ધરાવે છે અને રાજ્યોએ પરિણામ જાહેર કરતાં પહેલાં તમામ વોટની ગણતરી કરવી જોઈએ. આ પ્રક્રિયામાં એકથી બે અઠવાડિયાં લાગી જાય છે. ટ્રમ્પ બે અઠવાડિયાં સુધી બેલેટ પેપરની ગણતરીને ગેરકાયદે ગણાવતા રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે 3 નવેમ્બરે જ પરિણામ જાહેર કરવામાં આવે. ચૂંટણીનિષ્ણાત તેને હસ્તક્ષેપનું મુખ્ય ઉદાહરણ માને છે.

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર એરિક શિક્લર કહે છે કે આજની સ્થિતિમાં વિદેશી તાકાતોથી વધુ જોખમ દેશમાં વણસી રહેલી ઉદ્ધતાઈથી છે. સંપૂર્ણ પ્રયાસ થઇ રહ્યા છે કે વધુમાં વધુ લોકો મતદાન ન કરી શકે. જ્યારે એબસન્ટી બેલેટનો કાયદો એવો છે કે એ પણ ટેક્નિકલ કારણોથી ફગાવી શકાય છે. ટેક્સાસ જેવાં રાજ્યોમાં સરકારે એવો કાયદો લાગુ કરવો કે એક જ કાઉન્ટીમાં એક જ પોલિંગ સ્ટેશન રહેશે, એ સ્પષ્ટ કરે છે કે લોકોને મતદાન કરવામાં વિલંબ થશે અને તકલીફ પણ પડશે.

આ વખતે ચૂંટણીપ્રક્રિયામાં કઈ રીતે અવરોધ પેદા કરાઈ રહ્યો છે
વિદેશી હસ્તક્ષેપ: ઈરાન-રશિયા દ્વારા મોકલાયેલા મેલમાં ટ્રમ્પને હરાવવા અપીલ

21 ઓક્ટોબરે અમેરિકાના ઈન્ટેલિજન્સ ડિરેક્ટર જોન રેટક્લિફે કહ્યું હતું કે રશિયા અને ઈરાને અમેરિકી મતદારોનું લિસ્ટ ચોરી લીધું છે. વોટર્સને નકલી મેલ મોકલી ડરાવાઈ રહ્યા છે કે તે ટ્રમ્પને મત ન આપે. જોકે એનો કોઈ પુરાવો નથી કે આ નકલી મેલની મતદારો પર કેવી અસર થઈ છે.

સુપ્રીમ કોર્ટે 3 નવેમ્બર પછી ટપાલથી મળનારા વોટની ગણતરી અટકાવી
વિસ્કોન્સિનની કોર્ટે આદેશ આપ્યો હતો કે ટપાલથી મોકલાયેલા વોટ 3 નવેમ્બર પછી મળશે તોપણ એની ગણતરી થશે. એના પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવ્યો છે. એનાથી રાજ્યના બાકી 4 લાખ વોટર્સમાંથી 1 લાખ મતદાન નહીં કરી શકે. 2016માં ટ્રમ્પ અહીં 22,748 વોટથી જીત્યા હતા.

તંત્ર : ખોટા બેલેટ પેપર મોકલ્યા અને 21,000 પોલિંગ બૂથ પણ હટાવાયાં

 લોકોને ખોટાં બેલેટ પેપર મોકલાઈ રહ્યાં છે. ન્યૂયોર્ક શહેરમાં જ 1 લાખ લોકોને ખોટા બેલેટ પેપર મળ્યા છે, જેના પર તેમનાં નામ અને સરનામાં ખોટાં હતાં. એનાથી મતદાનમાં વિલંબ થઈ રહ્યો છે. એટલું જ નહીં, વિસ્કોન્સિનમાં 21 હજાર પોલિંગ સ્ટેશન 21 ઓક્ટોબર સુધી હટાવી લેવાયાં હતાં.

પાર્ટી: રિપબ્લિકન પાર્ટીએ પોતે સ્વીકાર્યું કે તેણે નકલી ડ્રોપ બોક્સ મુકાવ્યાં

કેલિફોર્નિયામાં રિપબ્લિકન પાર્ટીએ જાતે સ્વીકાર્યું હતું કે તેણે દેશની સૌથી વધુ વસતિવાળાં રાજ્યો પૈકી એક કેલિફોર્નિયામાં સત્તાવાર રીતે બેલેટ પેપર પ્રાપ્ત કરવા નકલી બેલેટ ડ્રોપ બોક્સ મુકાવ્યાં હતાં. એક્સપર્ટ્સ અનુસાર, આ પગલું ગેરકાયદે અને છેતરપિંડીને પ્રોત્સાહન આપનારું છે.

ઈતિહાસ જણાવે છે કે જ્યારે પણ વોટર ટર્નઆઉટ વધે છે ત્યારે રિપબ્લિકન પાર્ટીને નુકસાન થાય છે. ટ્રમ્પ અને તેમની પાર્ટી દરેક સંભવ પ્રયાસ કરી રહી છે કે ઓછામાં ઓછું મતદાન થાય. નિષ્ણાતો એને ચૂંટણી ગેરરીતિ ગણાવી રહ્યા છે.

ચૂંટણીપંચના કમિશનર વિનટ્રાબ જણાવે છે કે છેતરપિંડી સામે કાર્યવાહી કેમ નહીં?

અમેરિકામાં ગેરરીતિ અને વિદેશી હસ્તક્ષેપ મામલે ચૂંટણીપંચ કોઈ કાર્યવાહી કરી શકતું નથી. એટલું જ નહીં, ટ્રમ્પના ગેરરીતિના આરોપો અંગે પણ ચૂંટણીપંચ તેમને નોટિસ મોકલી શકતું નથી, કેમ કે ચૂંટણીમાં આચારસંહિતા જેવી કોઈ વ્યવસ્થા નથી, એવું અમેરિકાના કેન્દ્રીય ચૂંટણીપંચના સૌથી અનુભવી કમિશનર એલેન વિનટ્રાબનું કહેવું છે. વિનટ્રાબે ચિંતા વ્યક્ત કરી હતી કે વર્તમાન ચૂંટણીમાં ચૂંટણીપંચની હાલત દયનીય છે, કેમ કે પંચમાં કમિશનરનાં 6માંથી 3 પદ ખાલી છે. પંચ કોઈ મુદ્દે નિર્ણય કરી શકે એ માટે 4 કમિશનર હોવા જરૂરી છે, એટલે કે જો કોઈ ચૂંટણી ફન્ડિંગ, ગેરરીતિ અંગે ફરિયાદ નોંધાવે તો પંચ ત્યાં સુધી કોઇ કાર્યવાહી ન કરી શકે જ્યાં સુધી કોરમ પૂર્ણ ન થઈ જાય. અમેરિકાના કેન્દ્રીય ચૂંટણીપંચ(એફઈસી)ની જવાબદારી બસ એટલી છે કે તે ચૂંટણીમાં સીધી રીતે આપેલા ફંડ પર નજર રાખે. મે 2020 સુધી પ્રચારના ફન્ડિંગથી સંબંધિત 350 ફરિયાદ પંચને મળી હતી.

2016માં રશિયાએ ચીફ ઑફ સ્ટાફનો મેલ હેક કરી દખલ કરી હતી

2016માં રશિયન સિક્યોરિટી સર્વિસીઝના હેકરોએ વ્હાઈટ હાઉસના ચીફ ઑફ સ્ટાફ અને હિલેરી ક્લિન્ટનના ચૂંટણી કેમ્પેનના ચેરમેન જોન પોડેસ્ટાનો મેલ હેક કર્યો હતો. આ હેકરોએ તેમના મેલનાં 20 હજાર પાનાં મેળવી લીધા હતા, જેને વિકિલિક્સે જાહેર કરી દીધાં હતાં. સોશિયલ મીડિયા પર પણ વિદેશી ગુપ્તચર એજન્સીઓએ ફેક ન્યૂઝનો ખડકલો સર્જ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here