Tuesday, March 18, 2025
HomeગુજરાતKHEDA : 85 સોસાયટીઓના રહિશોએ કચરો ઠાલવતા ટ્રેક્ટરોને અટકાવી ધરણાં

KHEDA : 85 સોસાયટીઓના રહિશોએ કચરો ઠાલવતા ટ્રેક્ટરોને અટકાવી ધરણાં

- Advertisement -
નડિયાદના કમળા રોડ પર આવેલા ડમ્પિંગ સાઈટમાં ઠાલવવામાં આવતા મનપા વિસ્તારના કચરામાં વારંવાર આગ લાગતી હોવાથી તેના ધૂમાડાના કારણે દોઢ-બે કિલોમીટર સુધીમાં આવેલી ૮૦થી ૮૫ સોસાયટીના રહિશોને હાલાકી વેઠવી પડે છે. પરિણામે બુધવારે ૧૫૦ જેટલા યુવાનો ડમ્પિંગ સાઈટ પર પહોંચ્યા હતા અને કચરો ઠાલવવા આવતા ટ્રેક્ટરોને રોકીને ધરણાં પર બેસી ગયા હતા. જેથી મનપાના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવીને પ્રાથમિક તબક્કે નિરાકરણ લાવવા પ્રયાસ કર્યા હતા. ધરણાં પર બેઠેલા સ્થાનિકોએ સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરી હતી.

નડિયાદ મહાનગર પાલિકામાંથી એકત્ર કરવામાં આવેલો કચરો કમળા રોડ પરના ડમ્પિંગ સાઈટ પર ઠાલવવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી ડમ્પિંગ સાઈટ પરનો કચરો આકસ્મિક રીતે સળગતા દોઢ-બે કિ.મી. સુધી તેનો ધૂમાડો પ્રસરે છે અને હવા પ્રદુષિત થાય છે. આ વિસ્તારમાં દોઢ-બે કિલોમીટર સુધીમાં આવેલા કમળા, મંજીપુરા, વનમાળીનગર, જવાહરનગર સહિતની સોસાયટીઓના રહિશોને ઘરમાં પુરાઈ રહેવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. તેમજ બહાર નીકળવા માસ્ક અને રૂમાલનો સહારો લેવો પડે છે.

તેવામાં ગત મંગળવારે ડમ્પિંગ સાઈટના ધૂમાડાના કારણે વિઝિબિલિટી ઘટતા સ્થાનિકો અકળાયા હતા. બુધવારે સવારે વિસ્તારમાં આવેલી ૮૦થી ૮૫ સોસાયટીના રહિશો ડમ્પિંગ સાઈટ પર પહોંચ્યા હતા. સોસાયટીઓના અંદાજે ૧૫૦ યુવાનો ડમ્પિંગ સાઈટના ગેટ પાસે જ તંબુ બાંધી ધરણાં પર બેસી ગયા હતા અને ત્યાં કચરો ઠાલવવા આવતા કોર્પોરેશનના ટ્રેક્ટરોને ડમ્પિંગ સાઈટની અંદર જતાં અટકાવ્યા હતા. પરિણામે કચરાના નિકાલ માટે આવેલા ટ્રેક્ટરો રોડ ઉપર ઉભા થઈ ગયા હતા.  બનાવની જાણ થતાં મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને નિરિક્ષણ કરીને સળગી રહેલા કચરા પર પાણીનો છંટકાવ કરી, આગને કાબૂમાં લીધી હતી. તેમજ પ્રાથમિક તબક્કે નિરાકરણ લાવવા પ્રયાસ કર્યા હતા.

જોકે, સમસ્યાનો કાયમી ધોરણે નિકાલ લાવવામાં આવે તેવી ધરણાં પર બેઠેલા સ્થાનિકોએ માંગ કરી હતી.

ધૂમાડાના કારણે થેલેસેમિયાગ્રસ્ત દર્દીનું શંકાસ્પદ મોત થયાની આશંકા : સ્થાનિક

મંજીપુરા રોડ પર આવેલી નવબંધુ સોસાયટીમાં રહેતા પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ ડમ્પિંગ સાઈટ પર કચરાને સળગાવવામાં આવે છે. જેનાથી ધૂમાડો થતાં સ્થિતિ ખૂબજ ગંભીર બને છે. અબાલ-વૃદ્ધોને ઘરની બહાર નીકળવું હોય તો માસ્ક અને રૂમાલનો સહારો લેવો પડે છે. અમે અગાઉ અનેક જગ્યાઓએ રજૂઆત કરી છે. આમ છતાં કોઈ નિરાકરણ આવતું નથી. એનજીપીમાં પણ કેસ ચાલુ છે. અમારી નજીકમાં આવેલી એક સોસાયટીમાં ગતરોજ સાંજે એક થેલેસેમિયા અસરગ્રસ્ત યુવાન દર્દીનું શંકાસ્પદ મોત થયું છે.

આ ધૂમાડાના કારણે તેનો જીવ ગયો હોવાની તેમણે શંકા દર્શાવી હતી.

અધિકારીઓએ માત્ર ફોટોસેશન કરીને કામગીરીનો સંતોષ માન્યો

નડિયાદ મહાનગરપાલિકા બનતા જ તંત્ર દ્વારા સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ હતી. શરૂઆતમાં સ્વચ્છતા અંગે માત્ર ફોટોસેશન કરાવી લીધા બાદ સ્વચ્છતાની વાસ્તવિક પરિસ્થિતિ જાણવા અંગે ઉચ્ચ અધિકારીઓએ રસ દાખવ્યો ન હોવાના આક્ષેપ લાગ્યા છે.

શહેરમાં હજૂ પણ ઠેર ઠેર પારાવાર ગંદકી જોવા મળી રહી છે. તેમજ ડમ્પિંગ સાઈટનો પ્રશ્ન પણ નાગરિકો માટે માથાનો દુઃખાવો બન્યો છે. ત્યારે સત્વરે સમસ્યાનું કામયી સમાધાન થાય તેવી માંગ ઉઠી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular