Friday, December 6, 2024
Homeગુજરાતવડોદરાવાસીઓ ગંદકી,રોગચાળો,મગર બાદ હવે 5 સ્થળે મોટા ભૂવા પડ્યા

વડોદરાવાસીઓ ગંદકી,રોગચાળો,મગર બાદ હવે 5 સ્થળે મોટા ભૂવા પડ્યા

- Advertisement -

ભૂવા નગરી બની ગયેલા વડોદરામાં ભૂવા પડવાનો સિલસિલો જારી રહ્યો છે.નદીના પૂરના પાણી ઓસરી ગયા બાદ રસ્તાની નીચેનો ભાગ પોલો થઇ જવાથી જુદાજુદા પાંચ વિસ્તારમાં ભૂવા પડતાં લોકોમાં ભયની લાગણી વ્યાપી છે.

જન્માષ્ટમી દરમિયાન વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું તારે મુજમહુડા વિસ્તારના સામ્રાજ્ય બંગ્લોઝમાં એક માળ સુધી પાણી ફરી વળ્યા હતા અને લોકોને લાખોનું નુકસાન થયું છે.

સામ્રાજ્ય-૨ નજીક આજે વહેલી સવારે આશરે ૪૦ ફૂટ જેટલો લાંબો અને ૧૨ ફૂટ જેટલો ઊંડો ભૂવો પડતાં ઝાડનો ભાગ તેમજ પેવર બ્લોકનો ફૂટપાથ નીચે ઉતરી ગયા હતા.તો આ જ લાઇનમાં અકોટા ગાર્ડન નજીક મેન રોડ પર પણ બે થી ત્રણ ભૂવા પડયા હતા.પરિણામે અકોટાથી સામ્રાજ્ય સુધીનો મોટાભાગનો માર્ગ એકતરફી બંધ કરવામાં આવ્યો હતો.

આવી જ  રીતે નિઝામપુરી શુક્લાનગર પાસે,વાસણા જકાતનાકા અને કારેલીબાગથી સમા તરફ જવાના મંગલ પાંડે માર્ગ પર પણ મોટા ભૂવા પડતાં લોકોમાં ગભરાટની લાગણી વ્યાપી હતી.ભૂવા પડતાં કોર્પોરેશનની ટીમો દ્વારા ખાડા પુરવા માટે કાર્યવાહી હાથ ધરાઇ છે.

વડોદરાવાસીઓના માથે એક પછી એક સંકટ આવી રહ્યા છે અને તેમાં હવે ભૂવાનું સંકટ ઉમેરાયું છે.

વડોદરામાં પૂરને કારણે ભારે તારાજી સર્જાઇ છે અને પાણી ઓસરી ગયા બાદ ફેલાયેલી ગંદકીને કારણે રોગચાળાએ લોકોને ભરડામાં લીધા છે.

તો બીજીતરફ વિશ્વામિત્રીના પૂર આવ્યા હતા તે વિસ્તારોમાં મગરોએ લોકોમાં ભય સર્જ્યો છે.આવી સ્થિતિ વચ્ચે હવે ગમે તે ઘડીએ રસ્તા પર મોટા ભૂવા પડવાના તેમજ રોડ બેસી જવાના બનાવોએ વાહનચાલકોની સુરક્ષાને જોખમમાં  મુકી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular