વડોદરાની જાંબુવા નદીમાં પૂરના ધસમસતા પાણીમાં નિવૃત પી.આઇ. કાર સાથે તણાયા, જીવ બચાવવા કાર પર ચઢ્યા, ફાયર બ્રિગેડે બચાવ્યા

0
6

વડોદરા. વડોદરા શહેર પાસે ધનિયાવીથી મકરપુરા જવાના રોડ પર પોતાના ફાર્મહાઉસ તરફ જઇ રહેલા નિવૃત પી.આઇ. જાંબુવા નદીમાં પૂરના ધસમસતા પાણીમાં કાર સાથે તણાયા હતા. જેથી જીવ બચાવવા તેઓ કાર પર ચઢી ગયા હતા અને બૂમાબૂમ કરતા સ્થાનિક લોકોએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમે બોટ મારફતે જાંબુવા નદીમાં ધસમસતા પાણીમાં જઇને રેસ્ક્યૂ ઓપરેશન કરીને તેમને સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા.

જાંબુવા નદીમાં પૂરને પગલે કાર સાથે નિવૃત પી.આઇ. તણાયા
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના દીપ ચેમ્બર પાસે આવેલી પ્રયોસા સોસાયટીમાં રહેતા નિવૃત પી.આઇ. રાજેન્દ્રસિંહ નાનાબા સરવૈયા(ઉ.70) આજે સવારે પોતાના ફાર્મહાઉસમાં જવા નીકળ્યા હતા. જ્યાં ધનિયાવીથી મકરપુરા જવાના રોડ પર જાંબુવા નદીના ધસમસતા પાણી તેઓ કાર સાથે તણાયા હતા. જેથી તેઓ કારમાંથી નીકળીને કારની ઉપર બેસી ગયા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી જેથી લોકોએ તેમને બચાવવાના પ્રયાસ શરૂ કર્યાં હતા અને ફાયર બ્રિગેડને પણ જાણ કરી દીધી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે નિવૃત પી.આઇ.ને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા.

સવારે માંજલપુરથી નીકળ્યા બાદ પાણીની વહેણમાં તણાતા ફાયર બ્રિગેડે બચાવ્યા
મકરપુરા GIDC ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, આજે સવારે 10:55 વાગે નિવૃત પી.આઇ. રાજેન્દ્રસિંહ નાનાબા મારૂતિ ઝેન લઈને માંજલપુરથી નીકળી ધનિયાવી તરફ જતા હતા, તે સમયે જાબુંવા નદીમાં પાણીના વહેણમાં તેમનું વાહન પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. જેથી તેમણે વાહન ઉપર ચડીને લોકોને બૂમો પાડી હતી. લોકોએ વડોદરા મહાનગરપાલિકા અગ્નિશમન અને તાત્કાલિક સેવા કેન્દ્રના કંટ્રોલરૂમમાં તાત્કાલિક જાણ કરી હતી, જેથી તુરંત જ અમે ટીમ બોટ લઈને પહોંચી ગયા હતા, ગણતરીના સમયમાં બોટ દ્વારા સેવા નિવૃત્ત PIને આબાદ બચાવી લેવામાં આવ્યા હતા.