વડતાલમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ગાડીઓ ભાડે આપવાનું જણાવી ૧૬ જેટલી લક્ઝુરિયસ કાર મેળવીને એક કરોડની છેતરપિંડી આચરવાના ચકચારી કિસ્સામાં સંડોવાયેલા ભાજપના IT સેલના સભ્ય કિરણ પટેલનો પાસપોર્ટ પોલીસ સ્ટેશનથી ગુમ થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.કિરણ પટેલને અમેરિકા જવાનું હોવાથી જપ્ત થયેલ પાસપોર્ટ આપવા માટે કોર્ટે પોલીસને આદેશ કર્યા છે. આઈટી સેલના સભ્ય જ્યારે પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટ લેવા માટે કોર્ટનો ઓર્ડર લઇને ગયા ત્યારે તેમને જાણવા મળ્યું કે ઇન્વેિસ્ટગેશન ઓફિસરે પાસપોર્ટ ક્રાઇમ રાઇટર હેડ પાસે જમા કરાવ્યો જ નથી.
ઘોડાસરના પ્રેસ્ટિજ બંગલોઝમાં રહેતા કિરણ પટેલને અમેરિકા પ્રોગ્રામ માટે જવાનું હોવાથી તેમણે નરોડા પોલીસ સ્ટેશનમાં જમા કરાવેલો પાસપોર્ટ છોડાવવા માટે થોડાક દિવસ પહેલાં સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સેશન્સ કોર્ટે તમામ પક્ષની દલીલો સાંભળીને કિરણ પટેલની અરજી ગ્રાહ્ય રાખી હતી અને બે લાખ રૂપિયા ડિપોિઝટ ભરીને પાસપોર્ટ આપી દેવા માટે નરોડા પોલીસ સ્ટેશનને આદેશ કર્યો હતો.કોર્ટનો લેખિત ઓર્ડર લઇને કિરણ પટેલ નરોડા પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટ લેવા માટે ગયા હતા, જ્યાં ક્રાઇમ રાઇટર હેડ ચંદ્રસિંહે તેમનો પાસપોર્ટ જમા નથી થયો તેવો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. કિરણ પટેલ ચાર વખત પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટ લેવા માટે ગયા, પરંતુ ક્રાઇમ રાઇટર હેડ ચંદ્રસિંહે એક જેવો જ જવાબ આપ્યો હતો.
કિરણ પટેલ અને તેમના ભાઇ મનીષ પટેલ સહિત સાત લોકો વિરુદ્ધમાં નિવૃત્ત ડીવાયએસપી મીઠાભાઇ પરમારના પુત્ર રાહુલ પરમારે નરોડા પોલીસ સ્ટેશનમાં એક કરોડના ચીટિંગની ફરિયાદ કરી હતી. કઠલાલ રોડ પર આવેલા ન્યૂ અમરપાર્ક ટેનામેન્ટમાં રાહુલ મીઠાભાઇ પરમાર તેમના પરિવાર સાથે રહે છે.
રાહુલના પિતા રિટાયર્ડ ડીવાયએસપી છે. ૧૯૯પમાં કેડિલાબ્રિજ નજીક આવેલ વૈભવ સોસાયટીમાં તેઓ રહેતા હતા ત્યારે પાડોશમાં રહેતા મનીષ જગદીશભાઇ પટેલ અને બંસી ઉર્ફે કિરણ જગદીશભાઇ પટેલના પરિવાર સાથે ઓળખાણ થઇ હતી. ૧૧ જાન્યુઆરી, ર૦૧૭ના રોજ આણંદના વડતાલ-વિદ્યાનગર રોડ પર આવેલ આત્મીય ફ્લેટમાં રહેતા મનીષ જગદીશભાઇ પટેલ રાહુલના ઘરે આવ્યા હતા અને સાથે ધંધો કરવાની વાત કરી હતી.
બંનેએ જણાવ્યું હતું કે વડતાલમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના મહંત જ્ઞાનપ્રકાશ સ્વામી ઓળખે છે. વડતાલ મંદિરમાં લકઝુરિયસ કારની જરૂર હોઇ તેમાં ગાડી મૂકવાની છે, તેના બદલે મહિને ૩૦ હજાર રૂપિયા મળશે. અમારી સાત ગાડી મંદિરમાં હોવાનો વિશ્વાસ આપતાં મીઠાભાઇએ તેમની કાર આપી હતી.
તે પછી નિવૃત્ત પીઆઇ કે.પી.રાઠોડ, નિવૃત્ત પીએસઆઇ એસ.એન.રોહિત સહિતના લોકોની કાર આપી હતી. તમામ કારની જવાબદારી મનીષભાઇની હોવા અંગેનું સ્ટેમ્પ પેપર પણ લખાણ કરી આપ્યું હતું. ૧૩ જાન્યુઆરી, ર૦૧૭ના રોજ મનીષભાઇ રાહુલના પિતાની અર્ટિગા ગાડી આપીને પરત જતા રહ્યા હતા. બીજા દિવસે મનીષભાઇ અને તેમનાં પરિવારજનોને ફોન કરતાં તેઓના મોબાઇલ સ્વિચ ઓફ આવતા હતા. મનીષભાઇએ ગાડીઓ ગુમ કરી દેતાં રાહુલે નરોડા પોલીસ સ્ટેશનમાં મનીષભાઇ, કિરણભાઇ સહિત સાત લોકો વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી.
આ કેસમાં મનીષભાઇ વોન્ટેડ છે ત્યારે કિરણભાઇને બે વર્ષ પહેલાં નરોડા પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટ જમા કરાવવાની શરતે કોર્ટે આગોતરા જામીન આપ્યા હતા. કિરણભાઇ પટેલે આ કેસમાં ઇન્વેિસ્ટગેશન ઓફિસર પીએસઆઇ ડી.સી. સોલંકી પાસે પાસપોર્ટ બે વર્ષ પહેલાં જમા કરાવ્યો હતો.
નરોડા પોલીસ સ્ટેશનના ક્રાઇમ રાઇટર હેડ ચંદ્રસિંહે જણાવ્યું છે કે કિરણ પટેલનો પાસપોર્ટ તપાસ અધિકારી ડી.સી. સોલંકીએ જમા કરાવ્યો નથી. હાલ પાસપોર્ટ પોલીસ સ્ટેશનમાં નથી, જેથી કેસમાં જોડાયેલા તમામ પોલીસ કર્મચારીઓને પૂછવામાં આવશે. આ મામલે ઝોન-૪ના ડીસીપી નીરજ બડગુર્જરે જણાવ્યું છે કે રથયાત્રા બાદ આ મામલે તપાસ કરવામાં આવશે.