અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફસન્સ યોજવામાં આવી હતી. જેમાં શહેરમાં ટ્રાફિકની સમસ્યા, સીસીટીવી નેટવર્ક અને પોલીસ કર્મચારીઓના આરોગ્ય તેમજ અન્ય મુદ્દાઓ પર ઉચ્ચ અધિકારીઓએ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરમાં આવેલા પોલીસ કંટ્રોલ રૂમ અને પોલીસ સ્ટેશનો સાથે ૧૪ હજાર જેટલા સીસીટીવી કેમેરા લીંકઅપ કરવા માટે ચાલી રહેલી કામગીરી અંગે પણ સમીક્ષા થઇ હતી.પોલીસ કમિશનર જી ેએસ મલિકની અધ્યક્ષતામાં બુધવારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટેની ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમા અમદાવાદમાં સીસીટીવી નેટવર્કને વધુ મજબુત બનાવવા માટે શહેરમાં રહેલા ૧૪ હજાર સીસીટીવી કેમેરાને પોલીસ કંટ્રોલ રૂમ સાથે સીધા લીંકઅપ કરવાની સાથે જે તે વિસ્તારના પોલીસ મથક સાથે પણ જોડાણ કરવાની ચાલી રહેલી કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ ુઉપરાંત, સોસાયટી, ખાનગી કોમ્પ્લેક્સ અને મોલમાં હાઇટેક સીસીટીવી કેમેરાની સિસ્ટમ લગાવવામાં આવે તે માટે પણ મહત્વની સુચનો કરાયા હતા.
અમદાવાદ શહેરમાં પોલીસ માટે ટ્રાફિકની સમસ્યા સૌથી મહત્વનો મુદ્દો છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી રસ્તા ડાયવર્ઝન, બ્રીજ બનાવવાની કામગીરી ને કારણે પડતી અડચણ તેમજ વિવિધ ટ્રાફિક પોઇન્ટ અસરકારક કામગીરી માટે તાકીદ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના પોલીસના બે પોલીસ કર્મચારીઓના હાર્ટ એટેકને કારણે અવસાન થવાની બાબતના અનુસંધાનમાં પોલીસના આરોગ્ય અંગે નિયમ મુજબ દર બે વર્ષે સંપૂર્ણ આરોગ્યની ચકાસણી કરવામાં આવે તે અંગે પણ સુચનો કરાયા હતા.
બીજી તરફ એવી પણ ફરિયાદ ઉઠી હતી કે અનેક પોલીસ સ્ટેશનના પીઆઇ તેમના તાબાના પોલીસ સ્ટેશનમાં સ્થાનિક લોકો સાથે સંકલન રાખવામાં નિષ્ક્રિય રહ્યા છે. જેથી આ અંગે પોલીસ કમિશનરે ઉચ્ચ પોલીસ અધિકારીઓને પોલીસ ઇન્સ્પેક્ટરને તેમની કામગીરી વધુ સુદઢ કરવા માટે પણ કહ્યું હતું.