અમદાવાદમાં 7 દિવસથી ગુમ બાળકી રિક્ષા ચાલકને મળી

0
9

શહેરના હેબતપુર ફાટક પાસે આવેલા મેદાનમાં કાચા છાપરામાં રહેતી 10 વર્ષની બાળકી આખરે સાત દિવસ બાદ કલોલ નજીક આવેલા છત્રાલ ગામેથી મળી આવી છે. દિવ્યાંગ રિક્ષાચાલકને બાળકી મળી હતી. રિક્ષાચાલકે બાળકી વાલ્મિકી સમાજની હોવાથી તેમના આગેવાનને મોકલી હતી. સોશિયલ મીડિયા થકી તેઓને સોલા વિસ્તારમાં 10 વર્ષની બાળકી ગુમ થયા અંગેની માહિતી મળી હતી, જેથી તેઓએ સોલા પોલીસને જાણ કરી હતી. સોલા પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી બાળકીને અમદાવાદ લાવી હતી. સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી જાડેજાએ કહ્યું હતું કે બાળકી છત્રાલ ગામેથી મળી આવી છે. બાળકી 7 દિવસ સુધી ક્યાં હતી તેની પૂછપરછ કરી પરંતુ તે બોલી શકતી ન હોવાથી વધારે માહિતી મળી નથી. બાળકીનો મેડિકલ ટેસ્ટ કરાવી અને તેના માતા-પિતાને સોંપી દેવામાં આવી છે.

પોલીસે 8 કિલોમીટરના વિસ્તારમાં ડ્રોનથી સર્ચ ઓપરેશન કર્યું હતું

આ પહેલા બાળકીને શોધવા માટે સોલા પોલીસે દિવસ રાત એક કર્યા હતા. સોલા પોલીસે બાળકીને શોધવા માટે આસપાસના વિસ્તારોમાં બાવળ અને ઝાડી ઝાંખરા હોવાથી તેની તપાસ માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. આસપાસમાં આવેલા 7થી 8 કિલોમીટરના વિસ્તારમાં ડ્રોનથી સર્ચ ઓપરેશન કર્યું હતું. જો કે બાળકીની કોઈ ભાળ મળી નથી. બાળકીને શોધવા પોલીસ દરેક દિશામાં તપાસ કરી રહી છે.

જ્યાંથી બાળકી ગુમ થઈ ત્યાંના આસપાસના વિસ્તારોમાં માત્ર ઝાડી- ઝાંખરા હતા

સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી જાડેજાએ જણાવ્યું હતું કે 17મીએ સાંજે બાળકી ગુમ થયાની ફરિયાદ મળતા તાત્કાલિક બાળકીને શોધવા માટે પોલીસ સ્ટાફ આસપાસના વિસ્તારોમાં ફર્યો હતો. બાળકીના ફોટો સોશિયલ મીડીયામાં વાઇરલ કરી અને તેની માહિતી કોઈને મળે તો સોલા પોલીસને જાણ કરવા કહ્યું હતું. ત્રણ દિવસ સુધી સર્ચ કરવા છતાં બાળકી મળી આવી ન હતી. ઘણી શંકા કુશંકાને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. બાળકીને શોધવા ટેકનોલોજીનો ઉપયોગ પણ કર્યો છે. જે વિસ્તારમાંથી બાળકી ગુમ થઈ હતી, ત્યાં આસપાસના વિસ્તારોમાં માત્ર ઝાડી- ઝાંખરા છે જેથી સર્ચ ઓપરેશન માટે ડ્રોનની મદદ લેવામા આવી હતી. આસપાસના અંદાજે 8 કિલોમીટર વિસ્તારમાં ડ્રોન અને સોલા પોલીસના 70 માણસોની ટીમો બનાવી શોધખોળ કરી હતી.

આસપાસના 10 પોલીસ સ્ટેશનમાં પણ બાળકીના ફોટો મોકલવામાં આવ્યા હતા

આસપાસના 10 પોલીસ સ્ટેશનમાં પણ બાળકીના ફોટો મોકલવામાં આવ્યા હતા. તેમજ રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ બાળકીના પોસ્ટરો પણ લગાવ્યા હતા. પોલીસે તમામ દિશામાં તપાસ કરી તેની શોધખોળ કરી હતી. ગુમ થયેલી બાળકીના માતા-પિતા પાટણમાં રહે છે જેથી ત્યાં પણ એક ટીમ મોકલી અને તપાસ કરાવી પૂછપરછ કરી હતી. પરંતુ કોઈ ભાળ મળી ન હતી.

પાટણથી અમદાવાદ આવેલી બાળકી હેબતપુર પાસેના ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી ગુમ થઈ હતી

મૂળ પાટણના ખાખર ગામના રહેવાસી અને હાલમાં અમદાવાદમાં હેબતપુર ફાટક પાસે ક્રિકેટ ગ્રાઉન્ડમાં છાપરા બાંધીને રહેતાં પસીબેન વાલ્મિકી તેમના બે દીકરા અને તેમની પુત્રવધુ અને પુત્ર સાથે સહપરિવાર રહે છે. પરિવાર અત્યંત ગરીબ હોવાથી કચરો વીણી અને મજૂરીકામ કરી ગુજરાન ચલાવે છે. પસીબેનના મોટાભાઈ પાટણના ખાખર ગામે રહે છે. એક મહિના પહેલા પસીબેન ગામડે ગયા હતા ત્યારે 10 વર્ષની તેમના મોટાભાઈની દીકરી અને ભત્રીજીને અમદાવાદ સાથે લઇ આવ્યા હતા. એક મહિનાથી પરિવાર સાથે બાળકી રહેતી હતી. 17 જાન્યુઆરીના રોજ સાંજે ચારેક વાગ્યાની આસપાસ બાળકી રમવા બહાર ગઈ હતી.સાંજે જ્યારે પસીબેન તેને બોલાવવા માટે ગયા ત્યારે બાળકી આસપાસમાં મળી આવી ન હતી જેથી તેઓએ પોલીસને જાણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here