કોરોના ઈન્ડિયા : 11 લાખ કેસ : RJD નેતા તેજસ્વીનો આરોપ- અમારા ઘણા MLA 18-19 દિવસથી રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે, હવે અમને CM નીતિશના રિપોર્ટ પર પણ શંકા

0
5

નવી દિલ્હી. દેશમાં દર્દીઓની સંખ્યા 11 લાખ 18 હજાર 107 થઈ ચુકી છે. રવિવારે રેકોર્ડ 40 હજાર 253 લોકો પોઝિટિવ મળ્યા હતા. એક દિવસમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો આંકડો છે.RJD નેતા તેજસ્વી યાદવે સોમવારે બિહાર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, જેમનો ટેસ્ટ સુધી નથી કરાયો તેમનો પણ રિપોર્ટ આવી રહ્યો છે અને જે ટેસ્ટ કરાવી રહ્યા છે તેમનો ઘણા દિવસો સુધી રિપોર્ટ આવતો નથી. અમારી પાર્ટીના ઘણા ધારાસભ્ય 18-19 દિવસથી તેમના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે પણ હજુ સુધી તેમનો રિપોર્ટ આવ્યો નથી. હવે તો અમને મુખ્યમંત્રીજીના રિપોર્ટ પર પણ શંકા છે.

તેજસ્વી યાદવે કહ્યું કે, બિહાર ધીમે ધીમે કોરોનાનું ગ્લોબલ હોટસ્પોટ બની રહ્યું છે. કારણ કે રાજ્ય સરકાર કેસની વધતી સંખ્યાથી ચિંતિત નથી. તે ટેસ્ટીંગ વધારવા માટે કંઈ નથી કરી રહ્યા. બિહારમાં મૃતકોની સંખ્યા પણ વધી રહી છે. કેન્દ્ર અને રાજ્યના ડેટા અલગ અલગ છે. કોવિડ કેન્દ્રના મેડિકલ સ્ટાફ પાસે પીપીઈ કીટ નથી. રાજ્ય સરકારે એક સ્પષ્ટ ચિત્ર બતાવવું જોઈએ.

તો આ તરફ ઉત્તરપ્રદેશના સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં હવે દરરોજ 50 હજારથી વધુ લોકોની તપાસ કરાઈ રહી છે. રાજ્યમાં અત્યાર સુધી 14 લાખ 70 હજારથી વધુ ટેસ્ટ થઈ ચુક્યા છે. તો આ તરફ IIT ભુવનેશ્વર અને એઈમ્સના રિસર્ચર્સના અભ્યાસ પ્રમાણે, ચોમાસા અને શિયાળાના હવામાનમાં ભારતમાં સંક્રમણ વધશે.

જો કે, આ સાથે જ રાહતના સમાચાર એ છે કે દેશમાં સાજા થતા દર્દીઓનો આંકડો પણ 7 લાખની પાર થઈ ગયો છે. અત્યાર સુધી 7 લાખ 399 લોકો બિમારીથી રિકવર થઈને ઘરે જઈ ચુક્યા છે. રવિવારે 22 હજાર 742 લોકો હોસ્પિટલમાંથી ડિસચાર્જ થયા હતા. હાલ 3 લાખ 89 હજાર 803 લોકોની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 27 હજાર 503 દર્દીઓના મોત થયા છે. આ આંકડો covid19india.org વેબસાઈટ પ્રમાણે છે.

અપડેટ્સ

  • શ્રાવણના ત્રીજા સોમવારે આજે દેવઘરના બાબા વૈદ્યનાથ મંદિરમાં પૂજારીઓએ પૂજા કરી.મહામારીના કારણે ભક્તો માટે મંદિર બંધ કરાયું છે.
  • શ્રાવણના ત્રીજા સોમવારે દિલ્હીના ભક્ત ગૌરી શંકર મંદિર મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા હતા. એક મહિલાએ જણાવ્યું કે, અમે અહીંયા માસ્ક પહેરીને અને સોશિયલ ડિસટન્સીંગ સાથે પૂજા કરી રહ્યા છીએ.
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા પ્રમાણે, 19 જુલાઈ સુધી કોરોનાના 1 કરોડ 40 લાખ 47 હજાર 908 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાંથી 2 લાખ 56 હજાર 039 સેમ્પલોનો ટેસ્ટ રવિવારે કરાયો હતો. ચોમાસા અને શિયાળામાં દેશમાં સંક્રમણ વધશે. IIT ભુવનેશ્વર અને એઈમ્સના રિસર્ચર્સના અભ્યાસમાં જાણકારી મળી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વરસાદથી તાપમાનમાં ઘટાડો અને શિયાળામાં ઠંડક વધવાથી સંક્રમણ સરળતાથી ફેલાઈ શકશે.

રાજ્યોની સ્થિતિ 

મધ્યપ્રદેશઃ રાજ્યમાં સંક્રમણના વધતા કેસ વચ્ચે રવિવારે 837 નવા કેસ સામે આવ્યા છે. રવિવારે વિવિધ જિલ્લામાં 15 લોકોના મોત થયા છે. જેમાં સૌથી વધુ ભોપાલમાં 5 અને ઈન્દોરમાં 4 દર્દીના મોત થયા છે. અત્યાર સુધી 721 લોકોના મોત થયા છે. હવે એક્ટિવ કેસ 6568 છે અને છેલ્લા 20 દિવસોમાં તેની સંખ્યા વધીને બમણા કરતા પણ વધી ગઈ છે. કુલ 15,986 સેમ્પલની તપાસમાં 837 સેમ્પલ પોઝિટિવ મળી આવ્યા અને કુલ સંક્રમિતોની સંખ્યા 22,600 થઈ ગઈ છે. જો કે, આમાથી અત્યાર સુધી 15,311 વ્યક્તિ સાજા થઈ ચુક્યા છે.

મહારાષ્ટ્રઃ રવિવારે રાજ્યમાં રેકોર્ડ 9,518 નવા કેસ સામે આવ્યા છે. સાથે જ મહામારીથી 258 લોકોના મોત પણ થયા છે. આ સાથે જ રાજ્યમાં મૃતકોનો આંકડો વધીને 11,854 થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં રવિવારે 3,906 દર્દી સાજા થઈને હોસ્પિટલમાંથી ડિસચાર્જ થયા છે.

ઉત્તરપ્રદેશઃ ઉત્તરપ્રદેશમાં રવિવારે કોરોનાના કેસે અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કર્યા છે. રાજ્યમાં 24 કલાકની અંદર 2250 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 18,256 થઈ ગઈ છે. અહીંયા અત્યાર સુધી કુલ 29,845 દર્દી સાજા થઈ ચુક્યા છે. અત્યાર સુધી 1,146 લોકોના મોત પણ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી સર્વેલાન્સથી 30,784 કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં 1 કરોડ 26 લાખ 31 હજાર 642 ઘરોનો સર્વે કરાયો છે. જેમાં 6 કરોડ 43 લાખ 426 લોકો રહે છે.

રાજસ્થાનઃ રાજ્યમાં સોમવારે સવારે 10.30 વાગ્યા સુધી 401 કેસ નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 29,835 થઇ ગઈ છે. જેમાંથી 7,145 એક્ટિવ કેસ છે. આજે ચાર લોકોના મોત થયા છે. મૃતકોની સંખ્યા વધીને 563 થઈ ગઈ છે. રાજસ્થાનમાં રવિવારે કુલ કેસની સંખ્યા વધીને 28,693 થઈ ગઈ છે.

બિહારઃ રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણ અંગે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલના નેતૃત્વમાં એક ટીમ બિહાર પહોંચી. કેન્દ્રીય ટીમે બિહારના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી. કેન્દ્રીય ટીમે સૂચન કર્યું કે, વર્તમાન પરિસ્થિતિ સામે પહોંચી વળવા માટે કોરોનાની તપાસ કરવાની રીતમાં ફેરફાર કરવા જોઈએ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here