પેટલાદ તાલુકાના ખડાણા ગ્રામ પંચાયતની હદમાં આવતા ટેલરપૂરા તેમજ સરદારપૂરા વિસ્તારમાં રોડ જ નહીં હોવાથી સ્થાનિકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. ૧૦૮ પણ ગામમાં આવી શકતી નથી. ત્યારે ગ્રામજનોએ આવેદનપત્ર આપી સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગણી કરી છે.
પેટલાદ તાલુકાના ખડાણા ગ્રામ પંચાયતના ટેલરપૂરાનાં સરદારપૂરા વિસ્તારનાં રહીશોએ તા. ૯મીને મંગળવારે બપોરે ૧.૩૦ કલાકે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવાયું છે કે, સરદારપૂરામાં ૫૦થી વધારે કુંટુંબ વસવાટ કરે છે. અમારો મુખ્ય વ્યવસાય ખેતી છે. આજ દિન સુધી સરકાર દ્વારા પાકા રોડની સુવિધા આપવામાં આવી નથી. જેના કારણે ચોમાસામાં બાળકોને કાદવ કીચડમાં સ્કૂલે જવું પડે છે, પશુપાલન કરતા લોકોને દૂધ ભરવા જવા માટે પણ મુશ્કેલી વેઠવી પડે છે. રોડનાં અભાવે ૧૦૮ પણ આવી શકતી નથી. ગયા મહિને એક યુવકનું મોત પણ નિપજ્યું હતું. નોકરીયાત લોકો વાહન લઈને જઈ શકે તેવી પણ સ્થિતિ નથી. જો રાત્રીના સમયમાં કોઈ કુદરતી હોનારત થાય તો મુશ્કેલીનો સામનો કરવો પડે તેવો ભય સતાવી રહ્યો છે. જન્મ, લગ્ન કે મરણ પ્રસંગે પણ સ્થાનિકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે લાગતું વળગતું તંત્ર નક્કર કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠી છે.