- Advertisement -
સુરતઃલસકાણા-ખોલવાડ રોડ પર ધોવાઈ ગયેલો રસ્તો અને મંદ ગતિએ ચાલતા બ્રીજના કામ તથા ખોલવાડ ગામ જવાનો એક માત્ર માર્ગ બંધ થઈ ગયો હતો. જેથી લોકોએ વિરોધ કરવા અનોખો કિમીયો અપનાવ્યો હતો. મહિલાઓ અને લોકોએ સ્વયંભૂ રીતે શ્રમદાન કરીને કોન્ટ્રાક્ટર દ્વારા તોડી પાડવામાં આવેલ બ્રીજનું કામ કરી વિરોધ નોંધાવ્યો હતો.
લોકો જાતે આગળ આવ્યા
લસકાણાથી શામળા મંદિર રોડ ખાડી પાસે લોકો સવારે એકત્ર થયા હતાં. કોન્ટ્રાક્ટર દ્વારા શામળા મંદિરની ખાડીનો બ્રીજ કોન્ટ્રાક્ટરે તોડી પાડ્યો હતો તે કામગીરી મંદ ચાલતી હોવાથી વિરોધના સ્વરૂપમાં શ્રમદાન કરવામાં આવ્યું હતું. તગારા પાવડા સાથે પહોંચેલા લોકોએ તંત્રની મંદ ગતિ સામે શ્રમદાન કરીને પોતાને પડતી અગવડને વધારે દિવસો સહન કરવાની જગ્યાએ તંત્રની કામગીરીની પોલ ખોલવાની સાથે કોન્ટ્રાક્ટર દ્વારા તોડાયેલા બ્રીજને પણ ઉજાગર કર્યો હતો.