વડોદરાના તાંદલજા રોડ પર જ્વેલર્સના શો-રૂમમાં લૂંટ ચલાવતો લૂંટારૂ CCTVમાં કેદ

0
14

વડોદરાના તાંદલજા રોડ પર જ્વેલર્સના શો-રૂમમાં લૂંટ ચલાવતો લૂંટારૂ CCTVમાં કેદ થયો અને જ્વેલર્સને લુહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો
  • રાજવી ટાવરમાં આવેલા શો-રૂમમાં લૂંટારૂ ધસી આવ્યો અને ફિલ્મી ઢબે જ્વેલર્સ પર ચાકૂથી હુમલો કર્યો
  • શો-રૂમ માલિકને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો
  • જે.પી. રોડ પોલીસ, ક્રાઈમ બ્રાંચ અને એસઓજીની ટીમો લૂંટારૂને શોધવા માટે કામે લાગી

વડોદરા શહેરના તાંદલજા રોડ પર રાજવી ટાવર સ્થિતમાં કૃપા જ્વેલર્સના શો-રૂમના માલિક ઉપર લૂંટારૂએ ચાકૂથી જીવલેણ હુમલો કરીને શો-રૂમમાંથી સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. જોકે લૂંટારૂ CCTVમાં કેદ થઈ ગયો હતો. તાંદલજા રોડ વિસ્તારમાં ધોળે દિવસે બનેલા લૂંટના બનાવે સનસનાટી મચાવી મૂકી હતી. પોલીસે લૂંટના બનાવનો ભેદ ઉકેલવા માટે CCTV ફૂટેજ કબજે કરીને તપાસનો દોર શરૂ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટારૂ કોઇ જાણભેદુ હોવાનું બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

જીવલેણ હુમલો કરીને લૂંટારૂઓએ લૂંટ ચલાવી

વડોદરા શહેરના જે.પી. રોડ પોલીસ વિસ્તારમાં તાંદલજા રોડ ઉપર રાજવી ટાવર આવેલું છે. આ ટાવરના પ્રથમ માળેમાં કૃપા જ્વેલર્સ નામનો શો-રૂમ આવેલો છે. શો-રૂમના માલિક રાજેશભાઇ રમણભાઇ સોની છે. મૂળ પાદરાના વતની અને હાલ જૂના પાદરા રોડ પર પરિવાર સાથે રહેતા 55 વર્ષિય રાજેશભાઇ સોની બપોરના 12:30થી 1 વાગ્યાની આસપાસ પોતાના શો-રૂમમાં હતા. તે સમયે એક વ્યક્તિ શોરૂમમાં ધસી આવ્યો હતો અને રાજેશભાઇ સોની કંઇ વિચારે તે પૂર્વે ફિલ્મી ઢબે તેઓ ઉપર ચાકૂથી જીવલેણ હુમલો કર્યો હતો અને શો-રૂમના ડિસ્પ્લે તેમજ બે ડ્રોઅરમાં મૂકેલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી ગણતરીની મિનિટોમાં ફરાર થઇ ગયો હતો.

જ્વેલર્સને લોહીલુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડાયા

બીજી બાજુ શો-રૂમમાંથી ચિસો અને અવાજ ઉઠતા રાજવી ટાવરમાં આવેલી અન્ય દુકાનો અને શો-રૂમના માલિકો-કર્મચારીઓ થતાં દોડી આવ્યા હતા. આ સાથે આ બનાવની જાણ જે.પી. રોડ પોલીસને થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તે સાથે એડિશનલ સી.પી., ડી.સી.પી. ક્રાઇમ, એ.સી.પી., ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી. બ્રાંચના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. સ્થળ ઉપર પહોંચેલી પોલીસે પ્રથમ લોહીલુહાણ હાલતમાં શો-રૂમમાં બેસી રહેલા અને ગળાના ભાગે ચાકૂનો ઘા વાગતા ગંભીર ઇજા પામેલા રાજેશભાઇ સોનીને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. આ બનાવને પગલે શો-રૂમ પાસે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા.

લૂંટ કરી રહેલો લૂંટારૂ સીસીટીવીમાં દેખાયો હતો
લૂંટ કરી રહેલો લૂંટારૂ સીસીટીવીમાં દેખાયો હતો

લૂંટારૂ અને જ્વેલર્સ શો-રૂમના માલિક વચ્ચે દોઢ કલાક ચર્ચા થઈ

આ બનાવ અંગેની જાણ થતાં સ્થળ પર પહોંચેલા પોલીસ અધિકારીઓએ સ્થાનિક લોકો પાસેથી પ્રાથમિક વિગતો મેળવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં શો-રૂમના માલિક રાજેશભાઇ સોની અને જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવનાર વચ્ચે લગભગ એકથી દોઢ કલાક સુધી પહેલા ચર્ચા થઇ હતી. ચર્ચા દરમિયાન લૂંટારાએ જીવલેણ હુમલો કરી શો-રૂમમાંથી સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હોવાનું મળ્યું હતો. જેથી પોલીસનું માનવું છે કે, નાણાંની લેવડ-દેવડમાં હુમલાખોરે હુમલો કરીને લૂંટ ચલાવી હોવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

ઘટના સ્થળે પહોંચીને પોલીસે તપાસ શરૂ કરી હતી
ઘટના સ્થળે પહોંચીને પોલીસે તપાસ શરૂ કરી હતી

પોલીસે CCTVની મદદથી તપાસ શરૂ કરી

આ બનાવ અંગે ડી.સી.પી. કરણરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, તાંદલજા રોડ ઉપર રાજવી ટાવરમાં આવેલા કૃપા શો-રૂમમાં બપોરના સમયે એક વ્યક્તિ ઘુસી આવ્યો હતો અને જ્વેલર્સના માલિક રાજેશભાઇ સોની ઉપર જીવલેણ હુમલો કરી સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. આ લૂંટનો ભેદ ઉકેલવા માટે શો-રૂમ સહિત આસપાસમાં લાગેલા CCTV ફૂટેજ મેળવીને અલગ-અલગ પોલીસ ટીમો દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે હાલ જે.પી. પોલીસ મથકમાં અજાણી વ્યક્તિ સામે લૂંટનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અડિશનલ સી.પી., ડી.સી.પી. ક્રાઇમ, એ.સી.પી. સ્થળ પર દોડી ગયા હતા
અડિશનલ સી.પી., ડી.સી.પી. ક્રાઇમ, એ.સી.પી. સ્થળ પર દોડી ગયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here