વડોદરા : છેલ્લા એક અઠવાડિયામાં અંબા માતાના મંદિરમાં લૂંટ, કાશી વિશ્વનાથ મંદિરમાં ચોરી, CCTVમાં કેદ

0
0

છેલ્લા એક અઠવાડિયામાં મંદિરો તસ્કરોના નિશાને છે. એક અઠવાડિયા પહેલા સમતા ચાર રસ્તા ઉપર આવેલા અંબા માતાના મંદિરમાં લૂંટની ઘટના બની હતી. ત્યારબાદ હવે એક મંદિરની દાનપેટીમાંથી ચોરી થવાની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના લાલબાગ બ્રિજ પાસે આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરની દાનપેટી તોડીને અજાણ્યા તસ્કરો 2 હજાર રૂપિયાની ચોરી કરીને નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે નવાપુરા પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ હાથ ધરી

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા અરવિંદભાઇ પટેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં મેનેજીંગ ટ્રસ્ટી છે. નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, 25 ઓગસ્ટના રોજ કાશીવિશ્વનાથ મંદિરના ક્લાર્ક ભાઇલાલભાઇ જણાવ્યું હતું કે, મંદિરમાં ચોરી થઇ છે. તપાસ કરતા મંદિરના મુખ્ય દરવાજાની જાળીનો નકુચો તૂટેલો હતો અને બે દાનપેટીના તાળા તૂટેલા હતા દાનપેટીમાં આશરે 2 હજાર રૂપિયા રોકડા હતા. નવાપુરા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ચોરીનો ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

ગોત્રી વિસ્તારના યશ કોમ્પલેક્ષમાં ATM મશીન તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ

બીજી તરફ વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા યશ કોમ્પલેક્ષ ખાતેના ATM મશીન ને તોડીને ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ અજાણ્યા તસ્કરોએ કર્યો હતો. કેનેરા બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા રબીરંજન મોહપાત્રએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 31 ઓગસ્ટના રોજ યસ બેંક ખાતે આવેલા ATMમાં પૈસા નાખવા માટે ગયા હતા, તે દરમિયાન ATMના ઉપરના ભાગનું પતરૂ ઊંચું જણાઇ આવ્યું હતું અને ડિજિટલ લોક નીચે પડ્યું હતું. જેથી કોઇ અજાણ્યા ચોર બેંકના ખુલ્લા ATMમાં પ્રવેશ કરી ચોરી કરવાના ઇરાદે એટીએમ મશીન તોડવાની કોશિષ કરી હતી, પરંતુ તે સફળ રહ્યો ન હતો. ગોત્રી પોલીસે ફરિયાદના આધારે ચોરીની કોશિષનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યાં હતા.

મંદિરમાં કામ કરતા વૃદ્ધાને બંધક બનાવીને લૂંટ ચલાવી હતી

એક અઠવાડિયા પહેલા જ વડોદરા શહેરના સમતા ચાર રસ્તા ઉપર આવેલા અંબા માતાના મંદિરમાં સાફ-સફાઇ કરતા અને મંદિરની દેખભાળ કરતા વૃદ્ધ મહિલાને લૂંટારૂઓએ માર માર્યા બાદ બંધક બનાવી હતી અને માતાજીના ઘરેણા અને રોકડ મળી 2400 રૂપિયાનો મુદ્દામાલ લૂંટી ફરાર થઇ ગયા હતા. મંદિરમાં મૂકેલા CCTVના DVR પણ લૂંટારૂઓ લૂંટી ગયા હતા

તાજેતરમાં જ હનુમાનજીના મંદિરમાં દાન પેટીમાંથી ચોરી થઇ હતી

ઉલ્લેખનીય છે કે, લોકડાઉન બાદ વડોદરા શહેરમાં મંદિરોની દાન પેટીમાં ચોરી થવાની ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે. થોડા દિવસ પહેલા જ જેતલપુર રોડ પર આવેલા હનુમાનજીના મંદિરમાં દાન પેટીમાંથી ચોરી થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here