ભારતે ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 407 રનનો પીછો કરતા વિના વિકેટે 53 રન કર્યા છે. રોહિત શર્મા અને શુભમન ગિલ બેટિંગ કરી રહ્યા છે.
રોહિત રિવ્યૂ લઈને બચ્યો
રોહિત શર્મા 13 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને જોશ હેઝલવુડની બોલિંગમાં એલબીડબ્લ્યુ આઉટ અપાયો હતો. રોહિતે રિવ્યૂ લીધો અને રિપ્લેમાં સ્પષ્ટ હતું કે બોલ સ્ટમ્પ ઉપર જતો હતો.
ઓસ્ટ્રેલિયાએ 407 રનનો ટાર્ગેટ આપ્યો
ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ્સ 312/6 ડિક્લેર કરી છે. તેમણે ભારતને મેચ જીતવા 407 રનનો ટાર્ગેટ આપ્યો છે. કાંગારું માટે કેમરૂન ગ્રીન, સ્ટીવ સ્મિથ અને માર્નસ લબુશેને ફિફટી ફટકારતા અનુક્રમે 84, 81 અને 73 રન કર્યા હતા. ભારત માટે રવિચંદ્રન અશ્વિન અને નવદીપ સૈનીએ 2-2, જ્યારે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે 1-1 વિકેટ લીધી.
મિસ્ડ ચાન્સ:
ટિમ પેન 7 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે રોહિત શર્માએ જસપ્રીત બુમરાહની બોલિંગમાં ફર્સ્ટ સ્લીપમાં તેનો કેચ છોડ્યો હતો.
સ્મિથ 81 રને આઉટ, સીરિઝમાં ત્રીજીવાર અશ્વિનનો શિકાર થયો
સ્ટીવ સ્મિથે બીજી ઇનિંગ્સમાં પણ શાનદાર બેટિંગ કરીને ભારતને લગભગ મેચની બહાર કરી દીધું છે. તેણે 167 બોલમાં 8 ફોર અને 1 સિક્સની મદદથી 81 રન કર્યા હતા. તે સીરિઝમાં ત્રીજીવાર અને કુલ પાંચમીવાર અશ્વિનની બોલિંગમાં આઉટ થયો. અમ્પાયરે નોટઆઉટ આપતા ભારતે રિવ્યૂ લઈને તેને પેવેલિયન ભેગો કર્યો. રિપ્લેમાં કન્ફર્મ થયું કે તે એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. સ્મિથે ભારત સામે સિડનીમાં 2 ટેસ્ટની 4 ઇનિંગ્સમાં 100ની એવરેજથી 400 રન કર્યા છે.
સૌથી વધુ વાર એક જ ટેસ્ટમાં સેન્ચુરી અને ફિફટી મારનાર બેટ્સમેન:
10 વાર: સ્ટીવ સ્મિથ
9 વાર: જેક કાલિસ
8 વાર: એલિસ્ટર કુક
7 વાર: એલેન બોર્ડર/ સચિન તેંદુલર/ રિકી પોન્ટિંગ/ કુમાર સંગાકારા/ વિરાટ કોહલી
ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સૌથી વધુ વખત 50+ રન કરનાર બેટ્સમેન:
15 વાર: રિકી પોન્ટિંગ
14 વાર: જેક કાલિસ. એલિસ્ટર કુક
13 વાર: એલેન બોર્ડર
12 વાર: કુમાર સંગાકારા
11 વાર: ઈન્ઝમામ ઉલ હક/ શિવનારાયણ ચંદ્રપોલ/ સ્ટીવ સ્મિથ
સ્મિથ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા માટે સર્વાધિક રન કરનારની સૂચિમાં નવમા સ્થાને
સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટમાં સર્વાધિક રન કરનાર બેટ્સમેનની સૂચિમાં નવમા સ્થાને પહોંચી ગયો છે. તેણે ડેવિડ બૂન (7422 રન)ને પાછળ છોડી દીધા છે.
વર્તમાન ટીમમાં કોઈએ સ્મિથથી વધુ રન કર્યા નથી. ડેવિડ વોર્નર 7262 રન સાથે સૂચિમાં 11મા સ્થાને છે.
ઓવરઓલ 13,378 રન સાથે રિકી પોન્ટિંગ પ્રથમ, 11,174 રન સાથે એલેન બોર્ડર બીજા અને 10,927 રન સાથે સ્ટીવ વો ત્રીજા સ્થાને છે.
સિડનીમાં સતત પાંચ ઇનિંગ્સમાં 50+ રન કરનાર બેટ્સમેન:
1928-1936માં વોલી હેમન્ડ: 251, 112, 101, 75*, 231*
2017-2021માં સ્ટીવ સ્મિથ: 59, 83, 63, 131, 81
લબુશેન 73 રને આઉટ થયો, સ્મિથ સાથે 103 રનની ભાગીદારી
માર્નસ લબુશેને શાનદાર ફોર્મ જાળવી રાખતા બીજી ઇનિંગ્સમાં પણ ફિફટી મારી હતી.
તે નવદીપ સૈનીની બોલિંગમાં ડાઉન ધ લેગ સબ્સ્ટિટયૂટ વિકેટકીપર રિદ્ધિમાન સાહાના હાથે કેચ આઉટ થયો હતો.
તેણે 118 બોલમાં 9 ફોરની મદદથી 73 રન કર્યા હતા.
સ્મિથ સાથે ત્રીજી વિકેટ માટે 103 રનની ભાગીદારી કરી હતી.
આ ઉપરાંત ફર્સ્ટ ઇનિંગ્સમાં તેણે 91 રનનું યોગદાન આપ્યું હતું.
મિસ્ડ ચાન્સ:
ચોથા દિવસના બીજા જ બોલે જસપ્રીત બુમરાહની બોલિંગમાં હનુમા વિહારીએ બેકવર્ડ સ્કવેર લેગ પર માર્નસ લબુશેનનો કેચ છોડ્યો હતો. લબુશેન ત્યારે 47 રને રમી રહ્યો હતો.
સિરાજ પર રંગભેદની ટિપ્પણી, રહાણેએ અમ્પાયરને ફરિયાદ કરી
ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 86મી ઓવર મોહમ્મદ સિરાજે નાખી હતી, જેના અંતિમ બે બોલમાં કેમરૂન ગ્રીને બે સિક્સ મારી હતી.
ઓવર પછી સિરાજ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરવા ગયો હતો, જ્યાં તેના પર રંગભેદની ટિપ્પણી કરવામાં આવી હતી, તેણે કપ્તાન અજિંક્ય રહાણેને આ અંગે જાણ કરી.
રહાણેએ અમ્પાયરને ફરિયાદ કરી છે. અમ્પાયર્સે વાત કરી હતી અને મેચ અટકી હતી.
ત્યારબાદ પોલીસે એક્શન લીધા પછી મેચ ફરી શરૂ થઇ.
સુરક્ષા અધિકારીઓ દ્વારા 6 લોકોને SCG સ્ટેન્ડમાંથી બહાર કરવામાં આવ્યા હતા.
ઓસ્ટ્રેલિયન ઓપનર્સ સસ્તામાં પેવેલિયન ભેગા થયા
વિલ પુકોવ્સ્કી 10 રને મોહમ્મદ સિરાજની બોલિંગમાં કીપર રિદ્ધિમાન સાહાના હાથે કેચ આઉટ થયો હતો. તે પછી ડેવિડ વોર્નર 13 રને અશ્વિનની બોલિંગમાં LBW થયો હતો. તેણે રિવ્યૂ લીધો હતો પરંતુ અમ્પાયરના નિર્ણયને ફેરવી શક્યો નહોતો.
ભારત 244 રનમાં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયાને 94 રનની લીડ મળી
ભારત પ્રથમ દાવમાં 244 રનમાં ઓલઆઉટ થયું છે. ઓસ્ટ્રેલિયા (338)ને ફર્સ્ટ ઇનિંગ્સમાં 94 રનની લીડ મળી છે. ભારત માટે ચેતેશ્વર પૂજારા અને શુભમન ગિલે સર્વાધિક 50 રન કર્યા હતા. ઋષભ પંતે 36, રવિન્દ્ર જાડેજાએ 28* અને રોહિત શર્માએ 26 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ ઇન્ડિયાએ અંતિમ 6 વિકેટ 49 રનમાં ગુમાવી.195/4થી 244 રનમાં ઓલઆઉટ. ઓસ્ટ્રેલિયા માટે પેટ કમિન્સે 4, જોશ હેઝલવુડે 2 અને મિચેલ સ્ટાર્કે 1 વિકેટ લીધી છે.
રવિન્દ્ર જાડેજાને બેટિંગ દરમિયાન મિચેલ સ્ટાર્કનો શોર્ટ ડાબા હાથના અંગુઠામાં વાગ્યો હતો. તે 6 અઠવાડિયા સુધી ક્રિકેટ રમી શકશે નહીં.