સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતીને પ્રેમજાળમાં ફસાવવા અશ્લીલ કોમેન્ટ કરવા ઉપરાંત મોબાઇલ નંબરની માંગણી કરતો રોમિયોને ઝડપી પાડ્યો છે. યુવતીના નાના ભાઇને માર મારનાર રોમિયો એવા બેકાર રત્નકલાકારની અમરોલી પોલીસે ધરપકડ કરી છે.
પ્રતિકાત્મક તસવીર.
યુવતીના નાના ભાઇએ પણ નંબર આપવાનો ઇન્કાર કરતા માર માર્યો
મોટા વરાછા વિસ્તારમાં રહેતી અને કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને છેલ્લા છ મહિનાથી જનક માલવીયા કનડગત કરતો હતો. યુવતી કોલેજ જવા નીકળે અથવા તો ટ્યુશન કે ઘરના કોઇ પણ કામ માટે ઘરની બહાર નીકળે ત્યારે જનક તેનો પીછો કરી અશ્લીલ કોમેન્ટ કરતો હતો. આ ઉપરાંત યુવતીનો મોબાઇલ નંબરની પણ માંગણી કરી હતી. પરંતુ યુવતીએ આપવાનો ઇન્કાર કરી દેતા તેના નાના ભાઇ પાસે મોબાઇલ નંબરની માંગણી કરી હતી. યુવતીના નાના ભાઇએ પણ નંબર આપવાનો ઇન્કાર કરતા જનકે તેને માર માર્યો હતો.
યુવતીના પિતાએ ઠપકો આપતા અપશબ્દો કહ્યા
આ બાબતે યુવતીના પિતાએ જનકને ઠપકો આપતા તેમને પણ અપશબ્દો ઉચ્ચાર્યા હતા. જેને પગલે યુવતીએ નોંધાવેલી ફરીયાદના આધારે અમરોલી પોલીસે રોમિયો એવા જનક પોપટભાઇ માલવીયા (ઉ.વ. 20 રહે. બી/2/203 પંચતત્વ રેસીડન્સી, મોટા વરાછા-અબ્રામા રોડ અને મૂળ. હરીચંદ્રપરા, લાઠી, અમરેલી) ની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.