IPL 2020 : TODAY : 3.30 વાગે દુબઈમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS રાજસ્થાન રોયલ્સ : 7.30 વાગે શારજાહમાં ચેન્નાઈ સુપરકિંગ્સ VS દિલ્હી કેપિટલ્સ

0
9

3.30 વાગે દુબઈમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર VS રાજસ્થાન રોયલ્સ

આજે ચાર ટીમ વચ્ચે બે મુકાબલા રમાવાના છે. બપોરે 3:30 વાગ્યાથી દુબઈના ગ્રાઉન્ડ ઉપર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે કાંટે કી ટક્કર થવાની છે. બેંગ્લોર આ મેચમાં એક પણ અખતરો કર્યા વગર મેદાને ઉતરવાની છે કેમ કે પંજાબ સામે તેણે કરેલા ફેરફાર ભારે પડી જવા પામ્યા હતા. બીજી બાજુ રાજસ્થાન માટે આ મુકાબલો કરો યા મરો સમાન બની ગયો હોવાથી તે જીત માટે એડીચોટીનું જોર લગાવી દેશે.

બન્ને ટીમ વચ્ચેની આ સીઝનની પહેલી ટક્કર બેંગ્લોરે વિરાટ કોહલી અને દેવદત્ત પડ્ડીકલની મદદથી 8 વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. પંજાબ સામે તેના સ્ટાર અને છેલ્લી મેચમાં ધમાકેદાર ઈનિંગ્સ રમનાર એબી ડિવિલિયર્સ ને બેટિંગમાં મોડો મોકલીને તેમજ ઈન ફોર્મ વોશિંગ્ટન સુંદરને ક્રિસ ગેઈલ માટે બચાવી રાખવાનો અખતરો બેંગ્લોરને ભારે પડી ગયો હતો. છેલ્લે ડિવિલિયર્સ ફક્ત બે જ રન બનાવી શક્યો હતો જ્યારે સુંદરની ગેઈલે ચાર-ચાર સિક્સર ફટકારીને ખબર લઈ નાખી હતી.

બેંગ્લોરે આ વખતે ટોપ ઓર્ડર બેટસમેનો દેવદત્ત પડ્ડીકલ, એરોન ફિન્ચ, વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સના શાનદાર ફોર્મના જોરે પાંચ-પાંચ જીત મેળવી છે જ્યારે રાજસ્થાને ખાસ કરીને ટોપ ઓર્ડરના ધબકડાને લીધે પાંચ-પાંચ હાર જોવી પડી છે. બીજી બાજુ રાજસ્થાનની બેટિંગ અત્યંત સ્ટ્રોંગ લાગી રહી છે પરંતુ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને સંજુ સેમસન પહેલી બે મેચમાં ધમાકા કર્યા બાદ સાવ જ ફ્લોપ જતાં ટીમની શરૂઆત ખૂબ જ નબળી થઈ રહી છે. જોશ બટલર પણ સારી શરૂઆત બાદ વિકેટ ફેંકી રહ્યો છે અને સાત મેચમાં એક જ હાફ સેન્ચુરી ફટકારી શક્યો છે. મોડે મોડે આવેલો બેસ્ટ ઓલરાઉન્ડર સ્ટોક્સ પહેલી મેચમાં ખાસ કંઈ ન કર્યા બાદ બીજી મેચમાં 41 રન બનાવી શક્યો હતો.

7.30 વાગે શારજાહમાં ચેન્નાઈ સુપરકિંગ્સ VS દિલ્હી કેપિટલ્સ

શારજાહમાં આજે સાંજે 7:30 વાગ્યાથી આઈપીએલની બે બળુકી ટીમ ચેન્નાઈ સુપરકિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જોરદાર મુકાબલો થવાનો છે. બન્ને ટીમે પોતાની છેલ્લી મેચમાં જીત મેળવી હોવાથી તે જીતનો સિલસિલો યથાવત રાખવા માટે મહેનત કરશે. સતત હાર જોઈ રહેલી હૈદરાબાદ સામે જીત મેળવીને ચેન્નાઈ પાટા પર આવી રહી છે તો દિલ્હીએ પણ રાજસ્થાનને 13 રને હરાવી દેતાં તેનો જોશ પણ હાઈ દેખાઈ રહ્યો છે.

મહેન્દ્રસિંહ ધોનીની સ્માર્ટ કેપ્ટન્સીને લીધે ચેન્નાઈ ફરી ચાર્જ થઈ રહી છે પણ આજે દમદાર દિલ્હીને રોકવાનો તેની સામે મોટો પડકાર છે. છેલ્લી મેચમાં હૈદરાબાદ સામે ધોનીના સેમ કરેનને ઓપનિંગ કરાવવાથી લઈને દીપક ચાહરને ચારેય ઓવર શરૂઆતમાં જ કરાવી લેવાની રણનીતિ સફળ થઈ હતી. છેલ્લી મેચમાં ધોનીએ ત્રણ સ્પીનરો પિયુષ ચાવલા, કર્ણ શર્મા અને રવીન્દ્ર જાડેજાને મેદાનમાં ઉતાર્યા હતા. આજે શારજાહની પીચ જે હવે ધીમે ધીમે સ્લો થઈ રહી છે તેમજ છેલ્લી મેચમાં બેંગ્લોર અને પંજાબની જીતમાં સ્પિનરોની નિર્ણાયક ભૂમિકાને લીધે ત્રણેય સ્પિનર સાથે ઉતરે તેવી સંભાવના છે.

ટૂર્નામેન્ટનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે અને હવે દરેક હાર-જીત ખૂબ જ મહત્ત્વની બની રહેવાની હોવાથી ચેન્નાઈ આજે હૈદરાબાદ સામેની જીતથી મળેલા જોશ વડે દિલ્હીને નાથવા કોઈ કસર બાકી નહીં રાખે. જો કે ચેન્નાઈ માટે જીત મેળવવી એટલી આસાન નહીં હોય. દિલ્હીનો બોલિંગ એટેક બધી જ ટીમમાં સૌથી શ્રેષ્ઠ છે. સાઉથ આફ્રિકન જોડી કેગિસો રબાડા અને એનરિચ નોર્ખિયા બોલિંગ એટેકના પ્રાણ બની ગયા છે. આ ઉપરાંત તુષાર દેશપાંડેએ પણ તેની રાજસ્થાન સામેની પહેલી જ મેચમાં બે વિકેટ સાથે યાદગાર ડેબ્યુ કર્યું હતું. જો કે દિલ્હીને ઈજાગ્રસ્ત ખેલાડીઓની સમસ્યા ભારે સતાવી રહી છે. અમિત મિશ્રા અને ઈશાંત શર્મા તો ઈજાગ્રસ્ત થઈને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે અને વિકેટકિપર-બેટસમેન ઋષભ પંત એક સપ્તાહ માટે રમી શકે તેમ નથી. જ્યારે હવે રાજસ્થાન સામે કેપ્ટન શ્રેયસ અય્યર પણ ઈજાગ્રસ્ત થતાં તેની ચિંતામાં વધારો થયો છે. બીજી બાજુ આજની મેચમાં પૃથ્વી શોનું ફોર્મ અત્યંત મહત્ત્વનું બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here