બેંગલોરે ચેન્નાઈને 37 રને હરાવ્યું : રોયલ ચેલેન્જર્સની CSK સામે સૌથી મોટી જીત, બેંગલોર પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને.

0
0

IPLની 13મી સીઝનની 25મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)એ ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK)ને 37 રને હરાવ્યું છે. દુબઈમાં રમાયેલી મેચમાં બેંગલોરે ટોસ જીતીને 170 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ચેન્નાઈ 8 વિકેટે 132 રન જ બનાવી શક્યું. ચેન્નાઈ સામે બેંગલોરની આ રનના માર્જિનથી સૌથી મોટી જીત છે. આ પહેલા 2010માં તેમણે ચેન્નાઈને 36 રને હરાવ્યું હતું.

RCBના કેપ્ટન વિરાટ કોહલી (90)એ IPLમાં 38મી ફિફટી મારી. આ જીત સાથે બેંગલોર પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-4માં પહોંચી ગયું છે. સીઝનમાં ચેન્નાઈ 7માંથી 5 મેચ હાર્યું છે. ટીમ ઓપનિંગ મેચ જીત્યા બાદ સતત ત્રણ મેચ હાર્યું. પાંચમી મેચ જીત્યા પછી હવે સતત 2 મેચ હાર્યું છે.

એમએસ ધોની ચહલની બોલિંગમાં લોન્ગ-ઓફ પર ગુરકિરત સિંહના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 6 બોલમાં 1 સિક્સની મદદથી 10 રન કર્યા હતા.

સુંદરે ચેન્નાઈના ઓપનર્સને આઉટ કર્યા

ફાફ ડુ પ્લેસીસ 8 રને સુંદરની બોલિંગમાં મોરિસ દ્વારા કેચ આઉટ થયો હતો. તે પછી શેન વોટ્સન 14 રને સુંદરની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

કોહલીએ IPLમાં 38મી ફિફટી મારી, બેંગલોરે 170 રનનો ટાર્ગેટ આપ્યો

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે દુબઈ ખાતે ચેન્નાઈ સુપરકિંગ્સ વિરુદ્ધ 20 ઓવરમાં 4 વિકેટે 169 રન કર્યા છે. વિરાટ કોહલીએ IPLમાં 38મી ફિફટી ફટકારતા 52 બોલમાં 4 ફોર અને 4 સિક્સની મદદથી અણનમ 90 રન કર્યા. આ ઇનિંગ્સ દરમિયાન તેણે લીગમાં 6 હજાર રન પૂરા કર્યા.

શાર્દુલે એક જ ઓવરમાં દેવદત્ત અને ડિવિલિયર્સને આઉટ કર્યા

દેવદત્ત પડિક્કલ 33 રને શાર્દુલ ઠાકુરની બોલિંગમાં મીડ-ઓફ પર ડુ પ્લેસીસના હાથે કેચ આઉટ થયો હતો. તે પછી એબી ડિવિલિયર્સ શૂન્ય રને કીપર ધોનીના હાથે કેચ આઉટ થયો હતો. અગાઉ આરોન ફિન્ચ 2 રને દિપક ચહરની બોલિંગમાં બોલ્ડ થયો.

બેંગલોરે ટોસ જીતીને બેટિંગ લીધી

રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલીએ ચેન્નાઈ સુપરકિંગ્સ સામે ટોસ જીતીને બેટિંગ લીધી છે. બેંગલોરે પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. ક્રિસ મોરિસ પહેલીવાર આ સીઝનમાં રમશે, જ્યારે ગુરકિરત સિંહ માનને પણ તક આપવામાં આવી છે. જ્યારે ચેન્નાઈ સુપરકિંગ્સે કેદાર જાધવની જગ્યાએ એન. જગદીસનને ટીમમાં જગ્યા આપી છે.

બેંગલોરની પ્લેઈંગ 11: આરોન ફિન્ચ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી (કપ્તાન), એબી ડિવિલિયર્સ, ગુરકિરત સિંહ માન, શિવમ દુબે, ક્રિસ મોરિસ, સુંદર, ઇસુરુ ઉદાના, નવદીપ સૈની અને ચહલ

ચેન્નાઈની પ્લેઈંગ 11: શેન વોટ્સન, અંબાતી રાયુડુ, ફાફ ડુ પ્લેસીસ, એમએસ ધોની (કપ્તાન/વિકેટકીપર), એન. જગદીસન, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, સેમ કરન, શાર્દુલ ઠાકુર, કર્ણ શર્મા અને દિપક ચહર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here