Friday, September 17, 2021
Homeઅમદાવાદ : મીઠાખળી અંડરબ્રિજની RCC દિવાલ બનાવવા 24 ટકા ઊંચા ભાવનું રૂપિયા...
Array

અમદાવાદ : મીઠાખળી અંડરબ્રિજની RCC દિવાલ બનાવવા 24 ટકા ઊંચા ભાવનું રૂપિયા 3 કરોડનું સિંગલ ટેન્ડર મૂકાયું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રજાના પૈસે શહેરમાં વિકાસના નામે હવે અધિકારીઓ, શાસકો અને કોન્ટ્રાક્ટરોએ રીતસરનો પૈસા કમાવવાની જગ્યા બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી કમિટીની રચના થઈ ત્યારથી વિવાદોમાં રહેલી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીએ ફરી એકવાર સિંગલ ટેન્ડરો મૂકતા વિવાદ ઉભો થયો છે. મીઠાખળી અંડરબ્રિજની દિવાલ બનાવવા પાછળ એક જ કંપનીનું રૂ. ત્રણ કરોડનું ટેન્ડર મુકવામાં આવ્યું છે.

ટેન્ડર અંદાજીત ભાવથી પણ 24 ટકા વધુના ભાવે મુકવામાં આવ્યું છે. જેથી સવાલ ઉભો થઈ રહ્યો છે કે અમદાવાદ શહેરમાં શું કોન્ટ્રાકટરોની અછત ઉભી થઇ છે કે પછી ભાજપના શાસકો અને અધિકારીઓના માનીતા લોકોને જ પૈસા કમાવવા માટે ટેન્ડર ભરવા દેવામાં આવે છે? રાજય સરકારે કોર્પોરેશનમાં કઈ રીતે કામગીરી ચાલી રહી છે તેના પર વધુ ધ્યાન આપવું હવે જરૂરી બન્યું છે.

RCCની દિવાલ બનાવવા 2.94 કરોડનો ખર્ચ!

બે વર્ષ પહેલાં ચોમાસામાં વરસાદ દરમિયાન મીઠાખળી અંડરબ્રિજની વલ્લભસદન તરફની દિવાલ ધરાશાયી થઈ હતી. જેને લાખોના ખર્ચે ફરી બનાવવામાં આવી હતી. હવે મીઠાખળી ગામ તરફ બંને બાજુ RCCની રીટેઇનિંગ દિવાલ બનાવવાની દરખાસ્ત રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિમાં મુકવામાં આવી છે. શહેરમાં જાણે સારા એવા સિવિલ વર્કના કોન્ટ્રાક્ટરોની અછત હોય તેમ ભાજપના માનીતા કન્સલ્ટન્ટ દ્વારા 24 ટકા વધુ ભાવ આપનાર સહજ પ્રોજેકટસ પ્રાઇવેટ લિમિટેડનું રૂ. 2.94 કરોડનું જ ટેન્ડર મુકવામાં આવ્યું છે. આટલા ઊંચા ભાવનું ટેન્ડર મુકવામાં આવ્યું છે ત્યારે શું ભાજપના શાસકો આ ટેન્ડર રદ કરશે કે પછી પોતાની જ મનમાની કરી પ્રજાના પૈસે કોન્ટ્રાક્ટરો અને પોતાના ઘર ભરશે.

મીઠાખળી અંડરબ્રિજની ફાઈલ તસવીર

મીઠાખળી અંડરબ્રિજની ફાઈલ તસવીર

ઈસનપુરમાં પણ પેવરબ્લોકનાં કામો માટે સિંગલ ટેન્ડર મૂકાયું

રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી વિવાદાસ્પદ દરખાસ્તો મંજૂર કરવામાં અગ્રેસર બની છે અને ફરી એકવાર બીજા કેટલાક સિંગલ ટેન્ડરનાં કામો મુકવામાં આવ્યા છે. જેમાં દક્ષિણ ઝોનનાં ઇસનપુર વોર્ડમાં ત્રણ સોસાયટીઓને જોડતો રસ્તો ટીપી રોડ હોવાથી તેમજ બન્ને ટીપી રોડને આરસીસી રોડમાં ફેરવવા તેમજ પેવરબ્લોકનાં કામો કરવા માટે બહાર પાડવામાં આવેલાં ટેન્ડરમાં પણ આદિશ્વર ઇન્ફ્રા નામનાં એક કોન્ટ્રાકટરનુ સિંગલ ટેન્ડર તંત્ર દ્વારા બહાલ રાખવામાં આવ્યુ હતું. સિવિલ વર્કની જેમ મ્યુનિ.માં રોડનાં કામો કરતાં કોન્ટ્રાકટરોની સંખ્યા મોટી છે, તેમ છતાં સિંગલ ટેન્ડર આવે તે શંકાસ્પદ બાબત લાગી રહી છે.

નારોલમાં પણ RCCની કમ્પાઉન્ડ વોલ માટે પણ 2.67 કરોડનું સિંગલ ટેન્ડર

નારોલ પીરાણા ડમ્પ સાઇટ ખાતે નારોલ હાઇવેથી જુના વજનકાંટા તરફ જવાનાં આરસીસી રોડને સમાંતર ડમ્પ સાઇટ તરફ પાઇલ ફાઉન્ડેશન સાથે આરસીસી કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે પણ રૂ. 2.67 કરોડનુ સિંગલ ટેન્ડર મુકવામાં આવ્યું છે. મકાનો બનાવતાં કે દિવાલ બનાવતાં કોન્ટ્રાકટરોની કમી નથી તેમ છતાં સિંગલ ટેન્ડર કેમ મુકવામાં આવે છે? શું સિંગલ ટેન્ડર રદ કરી નવા ટેન્ડર બહાર પડાશે?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments