રાજકોટ : રૂા. છ લાખની ઉઘરાણીનો હવાલો લઇ બિલ્ડિંગ મટીરીયલ્સનો ધંધો કરતાં કૃણાલ ભુપતભાઈ મોણપરા (ઉ.વ.૨૫)ને આરોપી પિયુષ મોલિયા સહિતનાઓએ છરી બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
સ્પીડવેલ ચોકમાં બોલાવી, છરી બતાવી, ધમકી આપી
ફરિયાદમાં કૃણાલે જણાવ્યું છે કે ખારી ગામના અજય શંખારવા સાથે ભાગીદારીમાં બિલ્ડિંગ મટીરીયલ્સનો ધંધો શરૂ કર્યો હતો. હિસાબ બાબતે તકરાર થતાં ભાગીદારી પૂરી કરી હતી. હિસાબ કરતાં તેના ભાગે રૂા. ૭ લાખ અને અજયના ભાગે રૂા. ૬ લાખ આવ્યા હતાં. આ રકમની ઉઘરાણી જેને માલ આપ્યો હતો તેની પાસેથી બંનેએ કરવાની હતી.
તેણે પોતાની ઉઘરાણી કરી લીધી હતી. પરંતુ અજયથી ઉઘરાણી થઇ ન હતી. જેથી તેને કહેતો હતો કે મારી ઉઘરાણી પણ તારે જ કરવાની છે, જેનો તેણે ઇન્કાર કર્યો હતો. બાદમાં અજયે મિત્ર પિયુષ સાથે પરિચય કરાવ્યો હતો.
ગઇ તા. ૯નાં રોજ પિયુષે કોલ કરી કહ્યું કે અજયની ઉઘરાણીના પૈસાનો હવાલો મારી પાસે છે, જેથી હવે તારે આ પૈસાની ઉઘરાણી કરી મને આપવાના રહેશે. જેનો તેણે ઇન્કાર કરતાં સ્પીડવેલ ચોક ખાતે બોલાવ્યો હતો. પરંતુ ગયો ન હતો. બીજા દિવસે ફરીથી કોલ કરતાં ત્યાં ગયો હતો ત્યારે પિયુષ કાળા કાચવાળી અને નંબર પ્લેટ વગરની એન્ડેવર કારમાં આવ્યો હતો.
આવીને તેને કારમાં બેસી જવાનું કહ્યું હતું. તેણે ના પાડતાં ત્રણ અજાણ્યા શખ્સો કારમાંથી ઉતર્યા હતાં. તે વખતે પિયુષે છરી બતાવી, ધમકી આપી હતી. તેની સાથેના ત્રણ શખ્સોએ ગાડીમાં બેસી જવા દબાણ કર્યું હતું. પરંતુ તે બેઠો ન હતો. જેથી તેને કહ્યું કે હવે તને જાનથી મારી નાખવો છે, જોઇ લેજે હવે તું અમને બીજી વાર ભેગો થા એટલી વાર છે.
બરાબર તે વખતે પોલીસની ગાડી આવતાં આરોપીઓ ભાગી ગયા હતાં. આ વખતે તેને બીક લાગતા કાર લઇ ઘરે જતો રહ્યો હતો અને ગઇકાલે ફરિયાદ નોંધાવી હતી. આરોપી રાજકોટ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ અશ્વિન મોલિયાનો સંબંધ હોવાનું જણાવાય છે.